Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સરકારી નાણાનીં ઉચાપતના કેસમાં વિંછીયાની કોર્ટ દ્વારા તલાટી મંત્રીનો નિર્દોષ-છૂટકારો

રાજકોટ,તા. ૪ : સરકારી નાણાની ઉચાપતમાં તલાટી-મંત્રીનો નિર્દોષ છુટકારો વિંછીયા કોર્ટ ફરમાવેલ હતો.

આ કેસની હકીકત એવી હતી કે વિંછીયા તાલુકાના છાસીયા ગામે રેવન્‍યુ તલાટી મંત્રી તરીકે જીતેન્‍દ્રભાઈ બાલાશંકરભાઈ ત્રિવેદી સને ૧૯૯૧-૧૯૯રમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા હતા અને સરકારશ્રીના વિવિધ કરો જેવા કે, મહેસુલ કર, શિક્ષણ ઉપકર તથા સિંચાઈ અંગેના વિવિધ વેરાઓ ખેડુતો પાસેથી વસુલ કરવાની તેમની ફરજ હતી, જેથી ફરજના ભાગરૂપે વિવિધ ખેડુતો પાસેથી તમામ પ્રકારના કરોની વસુલાત તલાટી મંત્રી દ્વારા કરવામાં આવેલ હતી અને સદરહું વસુલ લીધેલ રકમ તેઓએ સરકારશ્રીમાં દર માસના અંતે જમા કરાવવાની હોય છે, પરંતુ તલાટી મંત્રી દ્વારા તેમ નહી કરીને રૂા. ૧૦,૦૦૦/- પોતાના હાથ ઉપર રાખેલ અને સરકારી નાણાની ઉચાપત કરેલ.

આ અંગે સર્કલ ઈન્‍સ્‍પેકટર વિંછીયાને ખબર પડતા તેમના દ્વારા વિંછીયા તાલુકા વિકાસ અધિકારીને તલાટી-મંત્રી દ્વારા સરકારી નાણાની ઉચાપત કર્યા અંગેની જાણ કરેલ, જેથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને પત્રથી જાણ કરેલ. જે અનુસંધાને મહીલા વિકાસ અધિકારી ઘ્‍વારા તલાટી મંત્રી સામે સરકારી નાણાની ઉચાપત કરવા અંગે ફરીયાદ દાખલ કરવા તાલુકા વિકાસ અધિકારીને અધિકૃત કરેલ, જેથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી મંત્રી વિરૂઘ્‍ધ વિંછીયા પોલીસ સ્‍ટેશનમાં આઈપીસી કલમ-૪૦૬, ૪૦૯ અંગેનો ગુનો દાખલ કરેલ હતો.

 તેમજ તલાટી મંત્રી દ્વારા સરકારી નાણાની ઉચાપત કરેલ હોય તેવો પૂરતો પૂરાવો રેકર્ડ પર આવેલ ન હોય જેથી આરોપી પક્ષે રજૂ રાખેલ વિવિધ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓનું યોગ્‍ય અર્થઘટન કરીને વિંછીયાના જયુ. મેજી. દ્વારા આરોપી તલાટી મંત્રી જીતેન્‍દ્ર બાલાશંકર ત્રિવેદીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ હતો.

સદરહું કામમાં આરોપી તલાટી-કમ-મંત્રી જીતેન્‍દ્ર બાલાશંકર ત્રિવેદીના એડવોકેટ તરીકે સુમીત વોરા, ધર્મેશ સખીયા તથા નિખીલ ઝાલાવડીયા રોકાયેલા હતા.

(4:20 pm IST)