Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સીંગતેલમાં ફરી સટ્ટાકીય તેજી : ૩૦ રૃા. વધ્યા

કાચા માલની અછતના બહાને બે દિ'માં ૪૦ રૃા. વધારી દીધાઃ કપાસીયા તેલમાં પણ ૧૫ રૃા.નો ઉછાળો

રાજકોટ, તા., ૪: સીંગતેલમાં ગત સપ્તાહમાં ભાવ ઘટાડા બાદ ચાલુ સપ્તાહમાં ફરી સટ્ટાકીય તેજી શરૃ થઇ હોય તેમ આજે વધુ ૩૦ રૃપીયાનો ભાવ વધારો થયો હતો.

સ્થાનીક બજારમાં કાચા માલની અછતના અહેવાલે આજે સીંગતેલમાં એક જ ઝાટકે ૩૦ રૃપીયાનો ભાવ વધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)નો ભાવ ૧૬૨૦ રૃપીયા હતા તે ૩૦ રૃા. વધીને આજે બપોરે ર વાગ્યે ૧૬પ૦ રૃપીયા ભાવ બોલાયો હતો. સીંગતેલ નવા ટીનના ભાવ ૨૭૮૦ થી ૨૮૩૦  રૃા. હતા તે વધીને ૨૭૧૦ થી ર૮૬૦ રૃપીયાની સપાટીએ ભાવ પહોંચ્યા છે.

સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧પ રૃા. વધ્યા હતા. કપાસીયા તેલ લુઝનો ભાવ ૧૧૯૫ રૃા. હતા તે વધીને ૧૨૧૦ રૃપીયા અને કપાસીયા ટીનના ભાવ ૨૧૪૫ થી ૨૧૯૫ રૃા. હતા તે વધીને ૨૧૬૦ થી ૨૨૧૦ રૃા. થયા હતા.

ગઇકાલે સીંગતેલમાં ૧૦ રૃા. વધ્યા બાદ આજે વધુ ૩૦ રૃપીયાનો ઉછાળો થતા બે દિ'માં ૪૦ રૃપીયાનો તોતીંગ ભાવ વધારો થઇ ગયો છે. સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની આવકો વધતી હોવા છતા કાચા માલની અછતના બહાને સટોડીયાઓ ફરી ભાવ વધારાનો ખેલ પાડી રહયાની વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે.

(4:42 pm IST)