Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

રંગીલા રાજકોટની મહેમાનગતિ - વ્‍યવસ્‍થાથી ખેલાડીઓ આફરીન પોકારી ઉઠયા

અર્વાચીન અને પ્રાચીન ગરબાની મુલાકાત લીધી : અમુક ખેલાડીઓએ ગરબે રમી આનંદ લૂંટયો : આવી રીતે દરેક રાજ્‍ય આ પ્રકારનું આયોજન કરે તો ભારત એક દિવસ નંબર-૧ જરૂર બનશેઃ શ્વેતા ખત્રી ઞ્જ મનપાની મહેમાનગતિની મુક્‍ત કંઠે પ્રશંસા કરતા ભારતના આંતરરાષ્‍ટ્રીય ખેલાડીઓ

રાજકોટનાં યજમાન પદે નેશનલ ગેમ્‍સ-૨૦૨૨ની હોકી અને સ્‍વિમિંગની ઈવેન્‍ટ્‍સ રમાઈ રહી છે. જેમાં જુદાજુદા રાજયોની હોકી ટીમો અને સ્‍વિમિંગમાં વ્‍યક્‍તિગત સ્‍પર્ધામાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ અને વોટર પોલો ટીમના ખેલાડીઓ પોતાનું કૌવત દર્શાવી રહયા છે. રાજકોટના મહેમાન બનેલા આ તમામ એથ્‍લેટ્‍સ અને સ્‍પોર્ટસ ઓફિશિયલ્‍સ તથા અન્‍ય મહાનુભાવો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રહેવા, જમવા અને ટ્રાન્‍સપોર્ટેશનની સુવિધા ઉપરાંત સ્‍પોર્ટસ વેન્‍યુ લગત જુદીજુદી તૈયારીનું સંકલન અને આનુષાંગિક વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ભારતીય મહિલા હોકી ટીમ વતી આંતરરાષ્ટ્રીય મેચ તેમજ ઓલિમ્‍પિકમાં રમી ચૂકેલી ખેલાડીઓએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા આયોજનની મુકત કંઠે સરાહના કરી છે. એશિયન ગેમ્‍સમાં રમી સિલ્‍વર મેડાલીસ્‍ટ ભારતીય મહિલા હોકી ટીમની શ્વેતા ખત્રીએ તો ત્‍યાં સુધી કહ્યું કે, ‘મે એશિયન ગેમ્‍સમાં જોયું હતું એ પ્રમાણે જ થયું છે. બહુ જ સારૂ આયોજન કરવામાં આવ્‍યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્‍ટ થાય તેવી રીતે જ આયોજન કરવામાં આવ્‍યું છે. આ જોઈને દરેક રાજય આ પ્રકારનું આયોજન કરે તો ભારત એક દિવસ નંબર ૧ જરૂર બનશે.'

રાજકોટનાં મહેમાન બનેલા જુદાજુદા રાજયોના હોકી અને સ્‍વિમિંગ ખેલાડીઓનો જુસ્‍સો વધારવા અને સૌરાષ્ટ્રની કાઠિયાવાડી પરંપરાનો પરિચય કરાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરાનાં સતત માર્ગદર્શન હેઠળ રેલ્‍વે સ્‍ટેશન, એરપોર્ટ અને બસ પોર્ટ ખાતે ખેલાડીઓનું તિલક અને ઢોલ નગારાનાં તાલ અને ગરબા સાથે જબરદસ્‍ત ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું..

હરિયાણા અને ભારત ટીમની કપ્તાન અને ગોલકિપર સવિતા પૂનિયાએ કહ્યું હતું કે, ‘આ મારી બીજી નેશનલ કેપ્‍ટન ગેમ છે. રાજકોટમાં આ ટુર્નામેન્‍ટ થઇ રહી છે. એક ખિલાડી તરીકે એ જ કહી શકુ કે સમયની સાથે ચીજો બદલાતી રહે છે. અને અહી ઘણી વ્‍યવસ્‍થીત રીતે બધુ છે. ખુબ સારી સુવિધા અમને મળી રહી છે જયારે અમે રમવાનું ચાલુ કર્યું હતું ત્‍યારે આ બધું આવું નહતું પરંતુ સમયની સાથે ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. અમે રાજકોટ,ગુજરાતમાં જયારે અમે ઘરેથી આવ્‍યા ત્‍યારે ઘણી સારી રીતે અમારું સ્‍વાગત કરવામાં આવ્‍યું તેનાથી ખિલાડીને એક પ્રેરણા મળે છે એ ખુશ થાય છે કે તે એક સારી જગ્‍યાએ છે. તેથી શરૂઆતથી જ અમને અહિયા ઘણી મજા આવી અને અમે પણ પ્રયત્‍ન કરીશું કે અમે અમારી ઉત્તમ હોકી અહિયા રમીએ અને તમે બધા એની મજા માણી શકો.'

આંતરરાષ્ટ્રીય હોકી પ્‍લેયર, ઓલિમ્‍પિયન નેહા ગોયલે કહ્યું હતું કે, ‘આંતરરાષ્ટ્રીય હોકી પ્‍લેયર અને ઓલમ્‍પિયન,રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશને અમારું ઘણું જ સારું સ્‍વાગત કર્યું છે. અહી આવીને ઘણું સારું લાગી રહ્યું છે અને રહેવાની સારી વ્‍યવસ્‍થા કરી છે. અહી હોકીનું મેદાન જોઈને એવું લાગી રહ્યું છે કે અમે ઓલિમ્‍પિક રમવા આવવા હોઈએ અને અમે આગળ સારૂ રમીયે અને ફાઈનલ રમીને જઈએ.'

એશિયન ગેમ્‍સ સિલ્‍વર મેડાલીસ્‍ટ ભારતીય ટીમની સભ્‍ય શ્વેતા ખત્રીએ એમ કહ્યું હતું કે, ‘હું એશિયન ગેમ્‍સ સિલ્‍વર મેડાલીસ્‍ટ ભારતીય ટીમની સભ્‍ય રહી છુ. જે રીતે આ નેશનલ ગેમ્‍સનું આયોજન કર્યું છે તે જે મે એશીયન ગેમ્‍સમાં જોયું હતું એ પ્રમાણે જ થયું છે. બહુ જ સારૂ આયોજન કરવામાં આવ્‍યું છે. રાજકોટના કોર્પોરેશન દ્વારા ખૂબ સારી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જમવા, રહેવા, આવવા-જવા ની વ્‍યવસ્‍થા ખૂબ સારી રીતે કરવામાં આવી છે. અમે ઈચ્‍છીએ છીએ કે આ જોઈને દરેક રાજય આ પ્રકારનું આયોજન કરે તો ભારત એક દિવસ નંબર ૧ જરૂર બનશે.

(4:48 pm IST)