Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

દેશના ૬૨ કરોડ કિસાનો-ખેતમજુરોમાં કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદાનો વિરોધ છે­: તાત્કાલિક રદ્દ કરવા માંગણી

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દેખાવો-સૂત્રોચ્ચાર સાથે રાષ્ટ્રપતિજીને સંબોધી કલેકટરને આવેદન

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કૃષિ સંબંધીત કાયદા સામે આજે કલેકટર કચેરીએ દેખાવો યોજી આવેદનપત્ર આપ્યુ હતુ (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૪ :. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્કાલિક રદ કરવા માંગણી કરી હતી.

આવેદનમાં કોંગ્રેસે રાષ્ટ્રપતિનું ધ્યાન ખેંચ્યુ છે કે મોદી સરકાર કાળા કાયદા ઘડીને દેશના અન્નદાતા અને ભાગ્ય વિધાતા કિસાન અને ખેતમજુરોની કાળી મહેનત અને પરિશ્રમને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે રાખીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું એક ધૃણાસ્પદ ષડયંત્ર રચ્યુ છે.

આ ત્રણ કૃષિ વિધેયકો પર મત વિભાજન માટે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની માગણીને ધરાર ફગાવી દઈને મોદી સરકારે દેશના ૬૨ કરોડ કિસાનો-ખેતમજુરોની જિંદગી સાથે સંકળાયેલા આ કાળા કાયદા પસાર કરાવી લેતા સમગ્ર દેશના કિસાનો, ખેતમજુરો, મંડીના દુકાનદારો, મંડીના શ્રમિકો, કર્મચારીઓ, નાના ટ્રાન્સપોર્ટર્સ સહિત કરોડો લોકોનો ઉગ્ર વિરોધ-વંટોળ ભભૂકી ઉઠયો છે.

આજે દેશભરમાં ૬૨ કરોડ કિસાનો, મજુરો અને ૨૫૦થી વધુ કિસાન સંગઠનો કાળા કાયદામાં પરિણમેલ ત્રણ વિધેયકો (૧) કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) વિધેયક ૨૦૨૦, (૨) કિસાન (સશકિતકરણ અને સંરક્ષણ) કિંમત બાંહેધરી અને કૃષિ સેવા પર કરાર વિધેયક-૨૦૨૦ અને (૩) આવશ્યક ચીજવસ્તુઓ (સુધાર) વિધેયક-૨૦૨૦નો ચોમેરથી નીચે દર્શાવેલા વાસ્તવિક આધારે વિરોધ કરી રહ્યા છે.

સૌ પ્રથમ તો અનાજ અને શાકભાજી બજાર અર્થાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) નાબુદ કરવાથી કૃષિ પેદાશ ખરીદી વ્યવસ્થા સંપૂર્ણપણે ખતમ થઈ જશે. આ સ્થિતિમાં ખેડૂતો ન તો 'લઘુતમ સમર્થન મૂલ્ય'(એમએસપી) મળશે કે ન તો બજારભાવ પ્રમાણે તેમના પાકની કિંમત મળશે. જો સમગ્ર દેશમાં કૃષિ ઉપજ બજાર વ્યવસ્થા ખતમ થઈ જશે તો તેનાથી સૌથી મોટું નુકસાન કિસાનો-ખેતમજુરોને થશે અને સૌથી વધુ ફાયદો મુઠ્ઠીભર મૂડીપતિઓને થશે.  જો કિસાનોની ઉપજ લઘુતમ સમર્થન મૂલ્ય પર આધારિત બજારમાં વેચાવાના બદલે મૂડીપતિઓ તેમના ખેતરમાંથી જ ખરીદશે તો ખેડૂતોને તેમની ઉપજનુ લઘુતમ સમર્થન મૂલ્ય કઈ રીતે મળશે ? શું એફસીઆઈ ૧૫.૫ કરોડ કિસાનોના ખેતરમાંથી તેમના પાકની ખરીદી કરશે ? જો મુઠ્ઠીભર મૂડીપતિઓ એમએસપી ખરીદી નહી કરે તો શું મોદી સરકાર કિસાનોને એમએસપીની બાંહેધરી આપશે ?

હવે કિસાનો પોતાની કૃષિ પેદાશો દેશમાં કોઈપણ સ્થળે વેંચી શકશે એવો મોદી સરકારનો દાવો સફેદ જૂઠ છે. વાસ્તવિકતા એ છે કે સરેરાશ બે એકર કે તેથી ઓછી જમીન ધરાવતા ૮૬ ટકા કિસાનો પોતાની કૃષિ પેદાશો નજીકની અનાજ કે શાકભાજી બજાર સિવાય કયાંય બીજે ટ્રાન્સપોર્ટ દ્વારા લઈ જઈ શકે કે વેંચી શકે તેવી સ્થિતિમાં નથી.

આમ ત્રણેય વિધેયકો દેશના સંધીય માળખા ઉપર સીધા પ્રહાર સમાન છે તેમ આવેદનમાં જણાવી આ વિધેયકોને તત્કાલ પાછા ખેંચી રદ કરવામાં આવે તેવી માંગણી આવેદન આપનાર વિનુભાઈ ધડુક તથા અન્યોએ દેખાવો-સૂત્રોચ્ચાર સાથે કરી હતી.

(2:33 pm IST)
  • દિલ્હીમાં સીબીઆઈના દરોડા:દિલ્હીમાં જય પોલીકેમ ઇન્ડિયા લિમિટેડ કંપની ઉપર સીબીઆઈએ મોટાપાયે દરોડા પાડ્યા છે. access_time 11:57 pm IST

  • આગામી બજેટમાં સરકારી તિજોરી છલકાવવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો? હવે ટેક્ષ ઉપર નવી 'સેસ' લાદવામાં આવે તેવી સંભાવના: ૧ ફેબ્રુઆરીએ આવી રહેલા આગામી કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર સંભવતઃ ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસ ઉપર, નવી સેસ લાદવા જઈ રહ્યાનું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળે છે.. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:15 am IST

  • દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારની સંખ્યા 90 લાખને પાર પહોંચી : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 9 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 29,331 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 95,64,565 થઇ :એક્ટીવ કેસ 4, 14,924 થયા : વધુ 35,536 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90,07,247 રિકવર થયા :વધુ 416 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,102 થયો access_time 12:21 am IST