Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

ભાડલાથી માતાજીના દર્શન કરીને આવતી વખતે અકસ્‍માતઃ ચોટીલાના ૧૨ વર્ષના અભયનું મોતઃ પિતા-ભાઇને ઇજા

ટાટા ૪૦૭ના ચાલકે ઉભેલા બે બાઇકને ઉલાળ્‍યાઃ પીયાવાની ગોળાઇ પાસે બનાવઃ ઘાયલ બાળકે રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૩: ચોટીલાના પીયાવા ગામની ગોળાઇ પાસે ટાટા ૪૦૭ માલવાહકના ચાલકે બાઇક સાથે ઉભેલા ચોટીલાના યુવાન અને તેના બે બાળકોને ઠોકરે ચડાવતાં એક બાળકનું મોત નિપજ્‍યું હતું. અન્‍ય એક બાઇક પણ ઠોકરે ચડી ગયું હતું. મૃત્‍યુ પામનાર ચોટીલાનો બાર વર્ષનો બાળક તેના પિતા અને ભાઇ સાથે ભાડલા માતાજીના દર્શન કરવા ગયો હતો. ત્‍યાંથી પરત આવતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ચોટીલા રહેતાં અને છુટક મજૂરી કરતાં હેમતભાઇ મેઘાભાઇ જાદવ (ઉ.વ.૩૬) ગઇકાલે પોતાના બાઇકમાં બે પુત્ર અભય (ઉ.વ.૧૨) અને માનવ (ઉ.વ.૧૦)ને બેસાડીને ભાડલા ગામે ગેલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતાં. ત્‍યાંથી સાંજે ચારેક વાગ્‍યે પરત ચોટીલા આવતાં હતાં ત્‍યારે રસ્‍તામાં બાઇકને માલવાહન વાહને ઠોકરે ચડાવતાં ત્રણેયને ઇજાઓ થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ અભયનું મોત નિપજ્‍યું હતું.

જ્‍યારે તેના ભાઇ માનવ અને પિતા હેમતભાઇને દાખલ કરાયા હતાં. અભય બે ભાઇ અને એક બહેનથી મોટો હતો અને છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. સગાના કહેવા મુજબ દર્શન કરીને ભાડલાથી પરત આવતી વખતે હેમતભાઇ અને બે પુત્રો પીયાવાની ગોળાઇ પાસે બાઇક ઉભુ રાખીને વીસામો લેવા રોકાયા હતાં. આ વખતે માલવાહક વાહને ઠોકરે ચડાવી દીધા હતાં. અન્‍ય એક બાઇક પણ ઠોકરે ચડયું હતું. ગંભીર ઇજા પામનાર અભયનું રાજકોટમાં મોત નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી.

તસ્‍વીરમાં ઇજા થયેલી હાલતમાં અભય, માનવ અને હેમતભાઇને  હોસ્‍પિટલમાં ખસેડાયા તે દ્રશ્‍યો જોઇ શકાય છે. સારવાર દરમિયાન અભયનું મોત થયું હતું. અન્‍ય તસ્‍વીરોમાં અકસ્‍માત સર્જનાર વાહન તથા ઠોકરે ચડેલા બાઇક જોઇ શકાય છે.

(11:31 am IST)