Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ભાજપનો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડી સુશાસન લાવશું : વિજય સંકલ્પ સભામાં કોંગ્રેસનો રણટંકાર

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિત ૨૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા... : કોંગ્રેસ શાસનમાં નિર્માણ થયેલ વિકાસકામો આજે પણ ટનાટન : ભાજપ શાસનમાં ખોખલા બિલ્ડીંગો અને બ્રિજ ચોમાસામાં સ્વીમીંગ પુલ બની જાય છે : અશોક ડાંગર - ગાયત્રીબા વાઘેલા અને મહેશ રાજપૂતે શાસકો પર તડાપીટ બોલાવી

વિજય સંકલ્પ : ઢેબર ચોકમાં કોંગ્રેસની વિશાળ સંકલ્પ સભા યોજાઇ તે વખતની તસ્વીરમાં પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, મહેશ રાજપૂત, વશરામભાઇ સાગઠીયા, જસવંતસિંહ ભટ્ટી વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૫ : આગામી તા. ૨૧મીએ યોજાનાર મ.ન.પા.ની સામાન્ય ચૂંટણી માટે આજે વિપક્ષ કોંગ્રેસે ઢેબર ચોકમાં જાહેરસભા અને સરઘસ યોજી અને ઉમેદવારોના નામાંકન ભરી ચૂંટણી જંગનું રણશીંગુ ફુંકયું હતું.

જાહેર સભામાં પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા વગેરેએ ભાજપ શાસકોની નિષ્ફળતા ઉપર જબ્બર પ્રહારો કર્યા હતા.

શહેર પ્રમુખ અશોક ડાંગર, મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા તથા પ્રદેશ આગેવાન મહેશ રાજપૂતે શાસક પક્ષ ભાજપ ઉપર તડાપીટ બોલાવતા જણાવેલ કે, ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર ફુલ્યો - ફાલ્યો છે. ૨૦૦૦થી ૨૦૦૫ સુધીના કોંગ્રેસ શાસનમાં બે ઝોન ઓફિસ સહિતના વિકાસ કામો થયા છે જે આજે પણ અડીખમ છે. જ્યારે ભાજપના શાસનમાં થયેલા અંડરબ્રીજ અને બિલ્ડીંગોમાં પાણી ભરાય છે તે તેનો જીવતો - જાગતો પુરાવો છે.

ઉકત કોંગી નેતાઓએ જણાવેલ કે ભાજપે કોરોનાના નામે પ્રજા પાસે ઉઘરાવેલા દંડ સહિતની નિષ્ફળતાને ઘર-ઘર સુધી પહોંચાડી કોંગ્રેસ ફરી શાસન ધુરા સંભાળશે તો ચુંટણીમાં અપાયેલ દરેક વચન પૂર્ણ કરી સુશાસન લાવશું.

આ વિજય સંકલ્પ સભા પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ૨૨ ફાઇનલ ઉમેદવારોએ જુની કલેકટર કચેરી, બહુમાળી ભવન તથા પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્રકો ભર્યા હતા. જેની નામાવલી આ મુજબ છે.

વોર્ડ નં. ૧ ગોહિલ જલ્પાબેન (જયાબેન) શૈલેષભાઇ, વોર્ડ નં. ૩ હુંબલ દાનાભાઇ, વોર્ડ નં. ૪ જાદવ સિમ્મીબેન - નારણભાઇ સવસેતા (આહિર), વોર્ડ નં. ૫ ભેંસાણીયા દક્ષાબેન - રૈયાણી જિતેન્દ્રભાઇ, વોર્ડ નં. ૬ મોરવાડીયા રતનબેન - મકવાણા ભરતભાઇ, વોર્ડ નં. ૮ જોષી જીજ્ઞેશભાઇ, વોર્ડ નં. ૯ ઘરસંડીયા ચંદ્રીકાબેન - ડોંગા વિશાલભાઇ, વોર્ડ નં. ૧૦ ગોહિલ ભાર્ગવીબા - કાલરિયા મનસુખભાઇ, વોર્ડ નં. ૧૨ જાડેજા ઉર્વશીબા કનકસિંહ - વાંક વિજયભાઇ, વોર્ડ નં. ૧૩ ડાંગર જાગૃતિબેન પ્રભાતભાઇ, વોર્ડ નં. ૧૪ સાગઠીયા ભારતીબેન જગદીશભાઇ, વોર્ડ નં. ૧૫ ડુડાણી મકબૂલભાઇ, વોર્ડ નં. ૧૬ ગેરીયા રસિલાબેન - પરસાણા વલ્લભભાઇ, વોર્ડ નં. ૧૭ ટાંક જયાબેન - જાડેજા ઘનશ્યામસિંહનો સમાવેશ થાય છે.

(3:02 pm IST)