Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ભોમેશ્વર પ્લોટના વૃધ્ધ મનસુખ ઉર્ફ બાબુની ચોરાઉ બાઇક સાથે ધરપકડ

પ્ર.નગર પોલીસે પોકેટકોપ એપથી ગુનો શોધ્યોઃ પાંચ મહિના પહેલા હાથીખાનામાંથી ઉઠાવ્યું'તું: નંબર બદલ્યા વગર ફેરવતા'તા

રાજકોટ તા. ૫: વાહન ચોરીનો વધુ એક ગુનો પોલીસે પોકેટકોપ એપ્લીકેશન એપને આધારે ઉકેલ્યો છે. પ્ર.નગરના પીએસઆઇ કે. ડી. પટેલ અને કોન્સ. અક્ષયભાઇ ડાંગરને બાતમી મળી હતી કે  જામનગર રોડ ભોમેશ્વર સોસાયટી જવાના રસ્તે ગુલાબી સફેદ લાઇનીંગવાળુ શર્ટ પહેરેલા વૃધ્ધ ઉભા છે તેની પાસે જીજે૦૩ઇએસ-૯૭૧૧ નંબરનું બાઇક છે તે ચોરાઉ છે. બાતમી પરથી તેને સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતાનું નામ મનસુખ ઉર્ફ બાબુ કચરાભાઇ પાનસુરીયા (પટેલ) (ઉ.વ.૬૨-ભોમેશ્વર પ્લોટ-૭માં જય સોમનાથ મકાનની સામે) જણાવ્યું હતું.

પોલીસે બાઇકના કાગળો અંગે પુછતાં તેણે ગલ્લા તલ્લા કરી અલગ અલગ જવાબો આપ્યા હતાં. પોલીસે પોકેટકોપ એપમાં સર્ચ કરતાં આ બાઇકના માલિક જગદીશભાઇ નારણદાન ગઢવી હોવાનું ખુલતાં શક પડતી મિલ્કત ગણી બાઇક કબ્જે કરી વૃધ્ધની ૪૧ (૧) ડી મુજબ અટકાયત કરી હતી. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના હેઠળ પીઆઇ કે. એ. વાળા, પીએસાઇ કે. ડી. પટેલ, દેવીશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, જનકભાઇ, યુવરાજસિંહ, કુલદિપસિંહ, અશોકભાઇ, મહાવીરસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

(12:50 pm IST)