Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

રાજકોટમાં ફીઝીકલ કોર્ટો શરૂ ન થાય ત્યાં સુધી બાર એસો.દ્વારા આંદોલન ચાલુ રખાશેઃ આંદોલન ઉગ્ર બનાવાશે

આજે ધરણાંનો ચોથો દિવસઃ વકીલો દ્વારા ધરણામાં વિરોધ પ્રદર્શન

રાજકોટ, તા.૫: રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ વિ.રાજાણી તથા ઇન્ચાર્જ સેક્રેટરી કેતનભાઇ દવે તેની યાદીમાં જણાવે છે કે રાજકોટ બાર એસોસીએશને છેલ્લા ૬ મહીનામાં રાજકોટની કોર્ટો ખોલવા અંગે ચીફ જસ્ટીસ મુખ્યમંત્રીી, કાયદામંત્રીશ્રીને અનેક રજુઆતો કરવા છતા રાજકોટ કોર્ટની ફીઝીકલ કાર્યવાહી શરૂ થઇ ન હતી જેની સામે રાજકોટ બાર એસોસીએશન દ્વારા તા.૨-૨-૨૦૨૧ થી જયાં સુધી રાજકોટની તમામ કોર્ટોની ફીઝીકલ કાર્યવાહી શરૂ થાય ત્યાં સુધી અનીશ્ચીત મુદત સુધી ગાંધીજીના અહિંસાના માર્ગે શાંતીપુર્વકના ધરણા કરવાનુ વકીલોના હીતમાં નિર્ણય લેવામાં આવેલ હતો.

આજરોજ તા.૫-૨-૨૦૨૧ અને શુક્રવારના રોજ ધરણાનો ચોથો દિવસ હતો સદરહુ ચોથા દિવસે રાજકોટ બાર એસોસીએશનના સીનીયર વકીલશ્રીઓ, જુનીયર વકીલશ્રીઓ, મહીલા વકીલશ્રીઓ બહોળી સંખ્યામાં આ ધરણામાં ભાગ લીધેલ હતો અને જે રીતે નક્કી થયેલ છે તે રીતે તમામ વકીલશ્રીઓ ગૉધીજીના અહિંસાના માર્ગે શાંતીપુર્વક તથા સરકારશ્રીની એસ.ઓ.પી.ની ગાઇડ લાઇનનું પાલન કરીને ૧૧ વાગ્યાથી ૨ વાગ્યા સુધી વિરોધ પ્રદર્શન- ધરણા કરેલ હતા તથા રાજકોટ બાર એસોસીએશનને તાજેતરમાં સભ્યશ્રીઓ તરફથી ઉગ્ર આંદોલન કરવા જેવા કે રસ્તા રોકો, કોર્ટોની તાળાબંધી, ડીસ્ટ્રીકટ જજશ્રીનો ઘેરાવ, કોર્ટોની તમામ કાર્યવાહીનો બહીષ્કાર, લોક અદાલતનો બહીષ્કાર વગેરે બાબત જેવા હિંસાના માર્ગોના સુચનો લેખીતમાં અસંખ્ય વકીલશ્રીઓની સહીથી અમો રાજકોટ બાર એસોસીએશનને મળેલ છે પરંતુ રાજકોટ બાર એસોસીએશનની મીટીંગ મળેલ ન હોય તેથી સદરહું તમામ અરજીઓ પેન્ડીંગ છે અમો રાજકોટ બાર એસોસીએશન એ અમારા ૪૦૦૦ સભ્યશ્રીઓને અમારી સહનશકિત મુજબ સમજાવવાના તથા મનાવવાનો તથા ગાંધીજીના અહિંસાના માર્ગે શાંતીપુર્વક વિરોધ પ્રદર્શન -ધરણા કરવાનુ સમજાવી રહ્યા છીએ. ચીફ જસ્ટીસશ્રી, ડીસ્ટ્રીકટ જજ સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે રાજકોટના વકીલોની સહનશકિતની હદ પુર્ણ થાય એ પહેલા કોઇ હકારાત્મક નીર્ણય ઝડપથી લેવા વિનંતી છે. પ્રમુખશ્રી બકુલભાઇ વિ.રાજાણી તથા ઇન્ચાર્જ સેક્રેટરી શ્રી કેતનભાઇ દવે એ વધુમાં જણાવેલ હતુ કે જો હવે ટુંક સમયમાં રાજકોટ શહેરની કોર્ટોની ફીઝીકલ કાર્યવાહી શરૂ નહી થાય તો વિરોધ પ્રદર્શનને રાજકોટ બાર એસોસીએશનના સભ્યોની આવેલ અરજી પ્રમાણે ઉગ્ર બનાવવાની વિચારણા હાથ ધરેલ છે તથા વિરોધ પ્રદર્શન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારેલ છે.

આ વિરોધ પ્રદર્શનને સફળ બનાવવા રાજકોટ બાર એસોસીઅશનના (પ્રમુખ) બકુલભાઇ વિ.રાજાણી (ઉપપ્રમુખ) શ્રી ઇન્દ્રસિંહ ઝાલા (ઇન્ચાર્જ સેક્રેટરી) કેતનભાઇ દવે (ટ્રેઝરર) રક્ષીતભાઇ કલોલા (લાયબ્રેરી સેક્રેટરી) સંદીપભાઇ વેકરીયા તથા કારોબારી સભ્યશ્રી અજયભાઇ પીપળીયા, કેતનભાઇ મંડ, ધવલભાઇ મહેતા, પીયુષભાઇ સખીયા, વિજયભાઇ રૈયાણી, પંકજભાઇ દોગા, વિવેકભાઇ ધનેશા, મનીષભાઇ આચાર્ય, કૈલાશભાઇ જાની, રેખાબેન તુવાર તથા રાજકોટ બાર એસોસીએશનના તમામ સીનીયર વકીલશ્રીઓ, જુનીયર વકીલશ્રીઓ, મહીલા વકીલશ્રીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:08 pm IST)