Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

આવા લોકોને શરમ જ નથી!!!...રાજકોટમાં વધુ એક ડુપ્લીકેટ ડોકટર પકડાયો: ભગતસિંહજી ગાર્ડન પાસે ચિત્રકુતધામ નાગરિક સમિતિ ક્લિનિકમાં બે મહિનાથી ડિગ્રી વગર દર્દીઓની જિંદગી સાથે ચેડા કરતો 22 વર્ષનો પાર્થ માધાણી ઝડપાયો

પીએસઆઈ એ.બી. જાડેજાની બાતમી પરથી પીઆઇ એ.એસ. ચાવડા અને ટીમનો દરોડો

રાજકોટઃ બે દિવસ પહેલા એસઓજીએ નકલી ડેન્ટિસ્ટ પકડી લીધો હતો. ત્યાં આજે યુનિવર્સિટી પોલીસે વધુ એક નકલી ડોક્ટરને દબોચી લીધો છે. યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એ.બી.જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે  યુનિવર્સીટી રોડ ભગતસિંહજી ગાર્ડનવાળી શેરીમાં ચિત્રકુટધામ મેઇન રોડ પર શ્રી ચિત્રકુટધામ નાગરીક સમિતી કલીનીકમાં પાર્થ માધાણી નામનો યુવાન છેલ્લા બે માસથી કોઇપણ જાતના મેડીકલ ડીગ્રી કે સર્ટીફીકેટ વગર ડોકટર તરીકેનું રૂપ ધારણ કરી અને બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા તથા ઇન્જકશન આપી સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યુ કૃત્ય કરે છે. 

આ બાતમી પરથી દરોડો પાડી તપાસ થતા બાતમી સાચી ઠરતા ડુપ્લીકેટ ડોકટર પાર્થ શૈલેષભાઇ માધાણી - પટેલ (ઉ.વ.૨૨, ધંધો- ડોકટર તરીકે પ્રેકટીસ રહે. નવલનગર શેરી નં.૨ વરૂડી કૃપા મકાન રાજકોટ) વિરુદ્ધ  ઇ.પી.કો. કલમ ૪૧૯ તથા મેડીકલ પ્રેકટીસનર એકટની કલમ ૩૦ મુજબનો ગુન્હો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.

તેમજ રોકડા રૂ.૯૬૦/- તથા બે મોબાઇલ કિ.રૂ.૬૦,૦૦૦/- તથા સ્ટેથોસ્કોપ મશીન કિ.રૂ.૧૦૦/- તથા નેબીયુલાઇઝર મશીન કિ.રૂ.૫૦૦/- તથા બી.પી. માપવાનું મશીન કિ.રૂ.૫૦૦/- તથા ટોર્ચ કિ.રૂ.૫૦/ તથા ડ્રેસીંગ કરવાના ઇન્સ્ટમેન્ટ કિ.રૂ.૧૦૦/- તથા દર્દીના નામ વાળો ચોપડો કિ.રૂ.૦૦/- તથા અલગ અલગ કંપનીની દવાઓ તથા ઇન્જકશનો કિ.રૂ. ૩,૬૩,૯૪૩ ગણી મુદામાલ કબજે કરેલ છે.

 આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા, પો.હેડ કોન્સ. રાજેશભાઇ એન.મિયાત્રા, હરપાલસિંહ જે.જાડેજા, યુવરાજસિંહ આર.ઝાલા, મહેન્દ્રસિંહ કે.ડોડીયા તથા પો.કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, મુકેશભાઇ ડાંગર, અજયભાઇ ભુંડીયા, બ્રિજરાજસિંહ ગોહીલ, કૃષ્ણદેવસિંહ ઝાલા સહિતે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા  (ઝોન-૨) તથા એસીપી પશ્ચિમ પી.કે.દિયોરાની સુચના મુજબ કરવામાં આવી છે.

(6:25 pm IST)