Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

કોરોનાના દર્દીઓની સારવારમાં પ્લાઝમા થેરાપી અસરકારક : પેથોલોજીસ્ટ ડો. કૃપાલ

કોરોનાની સારવારમાં મને પ્લાઝમા થેરાપી કારગત : મનસુખભાઇ નાકરાણી

રાજકોટ, તા. પ : કોરોના મહામારીમાં કોરોના દર્દીને સઘન સારવાર આપી મહામુલી માનવ જીંદગી બચાાવવી એ એકમાત્ર ઉદેશ્ય સાથે સમગ્ર દેશના અનેક તબીબો, નર્સો અને એટેન્ડન્ટો તથા ટેકનીકલ સ્ટાફ સહિતના અનેક ફ્રન્ટલાઇન વોરીયર્સ સતત કાર્યરત છે.

ત્યારે કોરોનાની સારવારમાં પ્લાઝમા થેરાપી સહાયક થેરાપી પુરવાર થઇ છે. કોરોના મુકત બનેલ કોરોનાના દર્દીઓનું પ્લાઝમા ક્રોસ ચેકીંગ કર્યા બાદ અનુકુળ હોય અને કોરોના દર્દીને આપવામાં આવે તો તે કોરોનાની સારવારમાં અત્યંત અસરકારક  બની રહે છે.

તા. ૦૨/૦૫/૨૧ના રોજ કોરોના મૂકત બનેલ રાજકોટમાં જ મેડીકલ સ્ટોરમાં કામ કરતા ૩૩ વર્ષીય યુવાન સાવન મનસુખભાઇ નાકરાણી જણાવે છે કે મને પંદર દિવસ પહેલા મેડીકલની દુકાનમાં કામ કરતો હતો ત્યારે ગળામાં બળતરા અને ત્યાર બાદ શ્વાસમાં લેવામાં મુશ્કેલી જેવું જણાતા તુરત લેબોરેટરી ચકાસણી કરાવી વધુ સારવાર માટે રાજકોટની સાકેત હોસ્પીટલ ખાતે તા.૨૫/૦૪/૨૧ ના રોજ દાખલ કરવામાં આવેલ. મારી કોરોનાની સારવારમાં મને દવાઓ અને સુપોષીત આહાર સાથે પ્લાઝમા થેરાપી અત્યંત ઉપયોગી બની છે. કોરોના સામે જાગૃતી સાથે સત્વરે ચેકઅપ કરાવી સધન સારવાર મળતા હું કોરોનાથી મુકત બન્યો છુ. આ માટે મને પ્લાઝમા ડોનેટ કરનાર અનામી દાતાનો પણ હું ખુબજ આભારી છું.  આ તકે તેઓ કોરોના મુકત બનેલ દર્દીઓને અપીલ કરતા જણાવે છે કે કોરોના મૂકત બન્યા બાદ  અન્ય કોરોના દર્દીઓને બચાવવા અવશ્ય પ્લાઝમા ડોનેટ કરી સહાયક બને.

ગત ઓગષ્ટ માસથી સીવીલ હોસ્પીટલ ખાતે કાર્યરત બનેલ પ્લાઝમા થેરાપી માટે પ્લાઝમા ડોનરના પ્લાઝમા એકત્ર કરવાના સેન્ટર ખાતે ફરજ બજાવતા પેથોલીજીસ્ટ ડો. કૃપાલ આ અંગે જણાવે છે કે રાજકોટ ખાતેના ત્રણ શિફટમાં કાર્યરત પ્લાઝમા યુનીટ ખાતે મેડીકલ ઓફીસર અને ટેકનીકલ સ્ટાફ સહિતના કર્મચારીઓ દ્વારા રોજના ૧૦ થી ૧૫ જેટલી પ્લાઝમા બેગ કોરોના લાભાર્થીના જરૂરી ટેકનીકલ ક્રોસ ચેકીંગ બાદ ઇસ્યુ કરવામાં આવે છે. કોરોનાની રસી લીધા બાદ ૨૮ દિવસ સુધી પ્લાઝમા/રકત ડોનેટ કરવું અશકય હોવાથી કોરોના મુકત બનેલ દર્દીઓ રસીકરણ પહેલા પ્લાઝમા/ રકતદાન કરે તો અત્યાંત ઉપયોગી બની રહેશ.

હાલ રાજકોટ પ્લાઝમા ડોનર ગૃપ અને પોલીસ કમિશ્નરશ્રીની આગેવાની હેઠળ પોલીસ કર્મીઓનું પણ પ્લાઝમા ડોનેટ ગ્રૃપ પ્લાઝમા ડોનર કરવા સતત તત્પર રહે છે. કોરોના મુકત બનેલ દર્દીઓએ પણ પ્લાઝમા ડોનેટ કરવા તત્પરતા દાખવી સમાજ પ્રત્યેની નૈતિક જવાબદારી નિભાવવી જોઇએ.

(12:01 pm IST)