Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

મોરબી રોડ વાલ્મિકી વાસમાં બાઇક સામ-સામે આવી જવા પ્રશ્ને તલવાર-પાઇપના ઘા ઝીંકી જગદીશભાઇની હત્યાનો પ્રયાસ

ચોકીદારી કરતાં જગદીશભાઇ રીબડીયાના ભત્રીજા અનિલ અને હુમલાખોર પ્રતાપનું બાઇક સામ-સામે આવી જતાં થયેલી ચડભડમાં પોલીસને રજૂઆત કરવા ગયા બાદ ઓચિંતો હુમલોઃ પુત્રી મનિષાબેનને પણ ઇજા : સામા પક્ષે પ્રતાપ પરમાર પણ સારવાર માટે દાખલ

હુમલામાં ગંભીર ઇજા પામનાર જગદીશભાઇ રીબડીયા અને વિગતો જણાવતાં તેમના પત્નિ મીનાબેન રીબડીયા

રાજકોટ તા. ૫: મોરબી રોડ પર નવા જકાતનાકા પાસે આવેલી વાલ્મિકી સોસાયટીમાં રહેતાં અને નરસિંહ મહેતા ટાઉનશીપમાં ચોકીદાર તરીકે નોકરી કરતાં જગદીશભાઇ સવજીભાઇ રીબડીયા (ઉ.વ.૪૪) પર રાત્રીના અગિયારેક વાગ્યે કારમાં આવેલા ચાર શખ્સોએ તલવાર-પાઇપથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે. જગદીશભાઇના ભત્રીજા અનિલ અને હુમલાખોર પ્રતાપના બાઇક સામ સામે આવી જતાં ચડભડ થઇ હતી. આ પછી પ્રતાપ સહિતે ગાળો ભાંડતા જગદીશભાઇએ ગાળો દેવાની ના પાડતાં હીચકારો હુમલો કરાયો હતો. વચ્ચે પડેલી તેમની દિકરીને પણ ઇજા થઇ હતી. તો સામા પક્ષે એક હુમલાખોર પણ પોતાને ઇજા થયાની ફરિયાદ સાથે દાખલ થયો હતો.

વાલ્મિકી સોસાયટી-૧માં રહેતાં જગદીશભાઇ રીબડીયાને રાતે હાથ-માથા-વાંસાના ભાગે ગંભીર ઇજાઓ સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરાયા હતાં. પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાના પર પ્રતા, હરપાલ અને અજાણ્યાએ તલાવર-ધોકા-પાઇપથી હુમલો કર્યાનું જણાવતાં બી-ડિવીઝનમાં જાણ કરવામાં આવતાં પીઆઇ એમ. બી. ઓૈસુરા, રશ્મીનભાઇ પટેલ, પીએસઆઇ કોડીયાતર, વિરમભાઇ ધગલ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો.

જગદીશભાઇની ફરિયાદ પરથી પ્રતાપ હમીરભાઇ પરમાર, દેવેન્દ્ર ઉર્ફ લાલો, હરપાલ અને છત્રપાલ સામે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો. જગદીશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પોતે આવાસ યોજના ટાઉનશીપમાં ચોકીદાર તરીકે નોકરી કરે છે. સાંજે પોતાના ભત્રીજા અનિલ મનસુખભાઇ રીબડીયા (ઉ.૧૯) અને નજીકના વિસ્તારમાં રહેતાં પ્રતાપ પરમારના બાઇક સામ-સામે આવી જતાં બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો.

આ પછી પોતે અને પરિવારજનો ઘરે હતાં ત્યારે પ્રતાપ સહિતના ચારેય જણા કારમાં આવ્યા હતાં અને ગાળાગાળી શરૂ કરી હતી. તેને ગાળો દેવાની ના પાડતાં તલવાર-પાઇપથી હુમલો કરી પોતાને માથા, વાંસા, હાથ, શરીરે આડેધડ ઘા ફટકારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પોતાની દિકરી મનિષાબેન વચ્ચે પડતાં તેને પણ હાથની આંગળીમાં ઇજા પહોંચાડાઇ હતી.

બીજી તરફ મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે રહેતો પ્રતાપ હમીરભાઇ પરમાર (ઉ.વ.૩૧) પણ રાતે પોતે મોરબી રોડ સાઇનાથ પાન પાસે હતો ત્યારે પોતાના પર સુનિલ, વિરૂ સીહતે પાઇપથી હુમલો કરતાં ઇજા થયાની રાવ સાથે સિવિલમાં દાખલ થયો હતો. સાથેના સુરેશ વીભાભાઇ ડોઢીયા (ઉ.૨૬)ને પણ ઇજા થઇ હતી. બી-ડિવીઝન પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:02 pm IST)