Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

માતા માટે ઓકિસજન લઇને જતા કુવાડવા સૂર્યા રામપરાના સરપંચ અશોકભાઇ ઝાલાએ અકસ્માતમાં પ્રાણ ગુમાવ્યાઃ હાથ ખભેથી છૂટો પડી ટ્રકમાં ફસાઇ ગયો

રાણપુર આર. કે. હબ ગેઇટમાંથી બહાર આવેલા ટ્રકનું ઠાઠુ ઇનોવા સાથે અથડાયું: બનાવથી ગામમાં-પરિવારમાં ગમગીની : ૪૭ વર્ષના અશોકભાઇને અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડાયા પણ જીવ બચી ન શકયોઃ કુવાડવાથી પોતાના ગામ જતા હતાઃ ત્રણ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી : કપાયેલો હાથ તાકીદે ફરી જોડી શકાય એ માટે પીઆઇ એન. એન.ચુડાસમાએ તુરત જ પીસીઆર વેન મારફત અશોકભાઇના સગા સુધી પહોંચાડ્યો

તસ્વીરમાં કાળ બનેલો ટ્રક, ખભેથી ખેંચાઇની ટ્રકના ઠાઠામાં ફસાઇ ગયેલો સરપંચ અશોકભાઇ ઝાલાનો હાથ, તેમની ઇનોવા ગાડી અને તેમનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૫: કુવાડવાના રાણપુર નજીક આર. કે. હબ ઇન્ડસ્ટ્રીયલ ઝોનના ગેઇટ નજીક રાત્રીના અચાનક ગેઇટમાંથી આવેલા ટ્રકનું ઠાઠુ કુવાડવાથી સુર્યા રામપરા તરફ જઇ રહેલી ઇનોવા કાર સાથે અથડાતાં અકસ્માત નડતાં ઇનોવાના ચાલક સુર્યા રામપરા ગામના સરપંચ અશોકભાઇ વાલજીભાઇ ઝાલા (કોળી) (ઉ.વ.૪૭)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. કરૂણતા એ છે કે અશોકભાઇ પોતાના માતાને કોરોના થયો હોઇ ઘરે રહી સારવાર લઇ રહ્યા હોઇ તેમના માટે ઓકિસજનનો બાટલો લઇને જઇ રહ્યા હતાં. ત્યાં રસ્તામાં જીવલેણ અકસ્માતમાં તેમના પ્રાણ હરાયા હતાં. અકસ્માતમાં અશોકભાઇનો એક હાથ ખભેથી છુટો પડી ટ્રકના ઠાઠામાં ફસાઇને લટકી ગયો હતો. આ દ્રશ્યોથી અરેરાટી ઉપજી ગઇ હતી.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ સુર્યા રામપરા ગામના સરપંચ અશોકભાઇ ઝાલા કોવિડ હોસ્પિટલ ચાલુ કરવાની હોઇ તે બાબતે કુવાડવાના આગેવાન સાથે વાતચીત કરવા માટે અને પોતાના માતા હોમ કવોરન્ટાઇન હોઇ તેમના માટે ઓકિસજનનો બાટલો લેવા માટે ગત સાંજે પોતાની ઇનોવા કાર જીજે૦૩જેઆર-૦૪૨૧ લઇ કુવાડવા આવ્યા હતાં. રાતે અગિયારેક વાગ્યે પરત પોતાના ગામ તરફ જઇ રહ્યા હતાં ત્યારે કુવાડવા વાંકાનેર હાઇવે પર રાણપુર નજીક આર. કે. હબ પાસે પહોંચ્યા ત્યારે અકસ્માત નડ્યો હતો.

ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી ટ્રક નં. ટીએસ૧૫યુએ-૫૭૬૩ બહાર નીકળ્યો તેનાથી તારવીને અશોકભાઇએ ઇનોવા હંકારી હતી. પરંતુ ટ્રકના ઠાઠાનો ભાગ ઇનોવાની ડ્રાઇવર સાઇડમાં આવી જતાં અશોકભાઇનો હાથ ખભેથી ખેંચાઇને જુદો પડી ટ્રકમાં ફસાઇ ગયો હતો. આ કારણે ઇનોવા દિવાલમાં અથડાઇ ગઇ હતી. અકસ્માત બાદ ટ્રક પણ ઉભો રહી ગયો હતો.

બનાવની જાણ થતાં સ્વજનો તાકીદે ઘટના સ્થળે પહોંચ્યા હતાં અશોકભાઇને ગંભીર હાલતમાં રાજકોટની બે અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. બીજી તરફ ઘટનાની જાણ થતાં કુવાડવા પીઆઇ એન. એન. ચુડાસમા, અજયભાઇ નિમાવત, રોહિતદાન ગઢવી, ભરતસિંહ જાડેજા, સંજયભાઇ રબારી સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો.

ઘટના સ્થળે અશોકભાઇનો હાથ છૂટો પડી ટ્રકમાં ફસાયેલો જોવા મળતાં પીઆઇ ચુડાસમાએ આ હાથ ફરીથી તબિબો જોઇન્ટ કરી શકે તે માટે પીસીઆર મારફત અશોકભાઇના સગા સુધી પહોંચાડવા પ્રબંધ કર્યો હતો. જો કે કમનસિબે અશોકભાઇએ દમ તોડી દીધો હતો. બનાવથી ગામમાં અને પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. અશોકભાઇ ઝાલા જાગૃત સરપંચ તરીકેની છાપ ધરાવતાં હતાં. ગામના વિકાસ કાર્યો માટે સતત દોડતા રહેતાં હતાં. તેઓ પાંચ બહેન અને ત્રણ ભાઇમાં બીજા હતાં. તેમના મૃત્યુથી એક પુત્રી અને બે પુત્રએ પિતાની છત્રછાંંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે.

(3:05 pm IST)