Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

સમરસ બોયઝ હોસ્ટેલમાં ૭૫૨ બેડની ઓકિસજન ફેસિલીટી ટૂંકા ગાળામાં ઉભી કરાઇ

ગર્લ્સ હોસ્ટેલમાં ૨૫૦ બેડ ઉપર ઓકિસજન કામ પૂર્ણતાના આરે ઓકિસજન ફેસીલીટી ઉપરાંત દર્દીઓના ટુવાલ, નેપકીન, ડાયપર સહિતનો સામાન પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવી દેવામાં આવે છે.

રાજકોટ તા. ૪ મે – કોરોનાની આ બીજી લહેરમાં દર્દીઓને તમામ પ્રકારની જરૂરિયાત પૂરી પાડવા રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ પ્રયાસો થઇ રહયા જ છે. જેમાં સરકારના અનેક વિભાગોના અધિકારીઓ –કર્મચારીઓ દ્વારા પણ દિન રાત સહયોગ આપી રહયા છે. તેમાનો એક છે રાજકોટ શહેર માર્ગ અને મકાન વિભાગ.

આ વિભાગ દ્વારા ૧૦૦૨ બેડ ઉપર ઓકિસજન ફેસિલિટી ઉભી કરાવવાનું સૌથી મહત્વનું કામ થયુ છે. આ વિભાગ દ્વારા રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલમાં ૭૫૨ બેડ સુધીની ઓકિસજન ફેસિલીટી ખુબજ ટૂંકા ગાળામાં ઉભી કરાવાઇ છે તો સમરસની ગર્લ્સ હોસ્ટેલમાં પાંચેક દિવસથી ૨૫૦ બેડ ઉપર ઓકિસજન ફેસિલીટી ઉભી કરવાનું કામ પૂર્ણ થવામાં જ છે. તેમ કાર્યપાલક ઇજનેરશ્રી નિતેષ કામદારે જણાવ્યુ હતું.

રાજકોટ શહેર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી નિતેષ કામદારના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી રાજેશ્વરી નાયર અને મદદનીશ કાર્યપાલક ઇજનેરશ્રી પારસ કોઠિયાના સહયોગથી લાઇફલાઇન એજન્સી દ્વારા રાતોરાત આ ઓકિસજન ફેસિલીટી ઉભુ કરવાનું કામ કરવામાં આવ્યુ છે.

આસી. એન્જિનિયરશ્રી પારસ કોઠિયા કહે છે કે, સમરસની બોયઝ હોસ્ટેલના એ, બી, સી, ડી વીંગના બિલ્ડીંગના ચાર-ચાર માળમાં ૭૫૨ અને ગર્લ્સ હોસ્ટેલના સી અને ડી વિંગના બિલ્ડીંગમાં ચાર-ચાર માળે ૨૫૦ બેડમાં ઓકિસજનની પાઇપલાઇન ફીટ કરાઇ છે. એક દિવસમાં જ એક ફલોર ઉપર પાઇપ લાઇન નખાઇ જાય તેવા પ્રયાસો અમે કરાવેલા. જેથી ઝડપથી દર્દીઓને ઓકિસજન બેડ પ્રાપ્ત કરી શકે. પાઇપલાઇનના મેન્ટેનન્સ માટે અમારા પ્લમ્બર, મિસ્ત્રીએ રાઉન્ડ ધ કલોક અહીં ફરજ બજાવે છે. જેથી પાઇપ લાઇનનું રિપેરીંગ કામ ઝડપથી થઇ શકે. પાઇપલાઇનમાં બરફ ન જામે તેની તકેદારી રાખવાની હોય છે.

ઓકિસજન ફેસીલીટી ઉપરાંત સપ્લાઇ રીલેટેડ પણ અનેક કામો  માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. જેમકે દર્દીઓના ટુવાલ, નેપકીન, ડાયપર સહિતનો સામાન પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવે છે. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાંચ દિવસના ટૂંકા ગાળામાં એ,બી,સી,ડી વિંગના બિલ્ડીંગોમાં નેટ પણ નખાવવામાં આવી હતી. 

આમ સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટર અને સમરસ ડેડિકેડેટ કોવિડ હેલ્થ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓ માટે બહુ મોટી વ્યવસ્થા કોવિડના નોડલ ઓફિસરશ્રી રાહુલ ગુપ્તા, કલેકટરશ્રી રેમ્યા મોહન, ડેપ્યુટી કલેકટરશ્રી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ દ્વારા ઉભી કરાઇ છે.

(3:59 pm IST)