Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

માવતરના ઘરે ચશ્મા ભુલી ગઇ તો મારકુટ, વીંટી ખોવાઇ ગઇ તો ન કહેવાના શબ્દો કહ્યા

રાજકોટની શ્વેતા પટેલને નાની નાની વાતે ભુજના માધાપરમાં પતિ-સાસુ-સસરા-નણંદનો ત્રાસઃ એકવાર તો મારકુટને લીધે મીસ ડિલીવરી થઇ ગઇઃ રાજકોટ મહિલા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૫: હાલ રાજકોટ માવતરે રહેતી અને કચ્છના ભુજના માધાપર ખાતે સાસરૂ ધરાવતી પટેલ પરિણિતાને પતિ-સાસુ-સસરા-નણંદે નાની નાની વાતે મારકુટ કરી ત્રાસ આપી છેલ્લે કાઢી મુકતાં ફરિયાદ નોંધાવી છે. એક વખત તો મારકુટને લીધે મીસ ડિલીવરી પણ થઇ ગયાનો આક્ષેપ કરાયો છે.

મહિલા પોલીસે આ બનાવમાં ૧૫૦ રીંગ રોડ ઉમિયા ચોક ફોર્ચ્યુન હોટેલની સામે તિરૂપતી શેરી નં. ૧માં બી-૩૦૧ ખાતે રહેતાં શ્વેતાબેન હેપ્પીભાઇ ખીરસરીયા (પટેલ) (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી ભુજના માધાપર નવાવાસ જોટા બજાર શેરી નં. ૩ ખાતે રહેતાં પતિ હેપ્પી રસિકભાઇ ખીરસરીયા, સસરા રસિકભાઇ હિરજીભાઇ, સાસુ આશાબેન અને નણંદ અમિબેન રસિકભાઇ સામે આઇપીસી આઇપીસી ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા દહેજ પ્રતિબંધક અધિનિયમ ૩, ૪ મુજબ ગુનો નોંધ્યો છે.

શ્વેતાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું હાલમાં મારા માવતરને ત્યાં છેલ્લા માસથી રહુ છું. મેં બી.એડ સુધી અભ્યાસ કર્યો છે. મારા લગ્ન ૨૩/૫/૧૭ના રોજ રસિકભાઇના દિકરા હેપ્પી સાથે રાજકોટ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ સોમનાથ સોસાયટી-૩ તુલસી બાગ હેપ્પી હોમ ખાતે થયા છે. અમારે સંતાન નથી. લગ્ન બાદ અમે સયુકત કુટુંબમાં રાજકોટ રહેતાં હતાં. એ પછી પતિને ભુજ આઇટીઆઇમાં નોકરી હોઇ જેથી અમે ત્યાં રહેવા ગયેલા. ચારેક વર્ષ હું અને પતિ ભાડે રહ્યા હતાં. લગ્ન બાદ થોડો સમય સારી રીતે રાખી હતી. એ પછી પતિ, સાસુ, સસરા અને નણંદે નાની નાની વાતે જેમ ફાવે તેમ ગાળો બોલી મારકુટ ચાલુ કરી હતી.

મને લગ્નના થોડા સમય પછી ખબર પડી હતી કે પહેલા મારા પતિની સગાઇ જુનાગઢ થઇ હતી. મારાથી આ વાત છુપાવાઇ હતી. હું મારા ચશ્મા મારા માવતરના ઘરે ભુલી ગઇ હોઇ એ કારણે પણ પતિએ અપશબ્દો બોલી મારકુટ કરી હતી. ત્યારે હું પ્રેગનન્ટ હોઇ મીસ ડિલીવરી થઇ ગઇ હતી. સાસુ-સસરા મને ફોન પર કહહેતાં કહે તું તારા માવતરના ઘરેથી કંઇ લાવી નથી. આમ કહી દહેજ માંગતાં. મારી સોનાની વીંટી ખોવાઇ ગઇ ત્યારે પણ મને ન કહેવાનું કહેલું. નણંદના લગ્ન હોઇ હું કોઇ વસ્તુ લઉ તો પણ કહેતાં કે તું બહુ ખર્ચ કરે છે. આમ સતત નાની-નાની વાતે ત્રાસ આપતાં હતાં. આજથી પાંચ મહિના પહેલા મને પતિએ ફરીવાર નાની એવી બાબતે મારકુટ કરી માવતરના ઘરે મુકી ગયેલ. અમે સમાધાનના પ્રયાસ કર્યા હતાં. પણ સમાધાન થયું નથી. અંતે મેં ફરિયાદ કરી છે. હેડકોન્સ. એસ. જી. ગોસાઇએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:04 pm IST)