Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

કેરીના ધંધામાં ૩ાા લાખનું નુકસાન જતાં સંતોષીનગરના વેપારી કિશોર સોલંકીએ ઝેર પી જિંદગી ટૂંકાવી લીધી

કેરીનો મોટો જથ્થો બગડી ગયો'તોઃ પત્નિને ફોન કર્યા બાદ રોણકી ગામના પેટ્રોલ પંપ પાસે વખ ઘોળ્યું: હોસ્પિટલમાં ખસેડાયો પણ...

રાજકોટ તા. ૫: રેલનગર સંતોષીનગરમાં પાણીના ટાંકા પાસે રહેતાં અને હાલમાં કેરીનો ધંધો કરતાં કિશોર પુનાભાઇ સોલંકી (ઉ.વ.૨૮) નામના યુવાને કેરીના ધંધામાં સાડા ત્રણેક લાખની ખોટ જતાં મોરબી રોડ બાયપાસ રોણકી ગામના પેટ્રોલ પંપ પાસે ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

સંતોષીનગરમાં રહેતાં કિશોર સોલંકીએ સાંજે સાડા આઠેક  પત્નિને ફોન કરીને મેં રોણકીના પંપ પાસે ઝેરી દવા પી લીધી છે તેમ કહેતાં પત્નિ ગભરાઇ ગઇ હતી અને સગાને લઇ તુરત જ ત્યાં પહોંચી હતી. પતિ ઝેર પીધેલી હાલતમાં મળતાં તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ મારફત પ્ર.નગર પોલીસને જાણ થતાં એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ કિશોર સિઝનલ ધંધો કરી ગુજરાન ચલાવતો હતો. હાલમાં કેસર કેરીની સિઝન હોઇ તેણે મોટા પ્રમાણમાં કેરીઓ ખરીદી હતી. પરંતુ કોઇ કારણોસર કેરીઓ ન વેંચાતા અને મોટા ભાગનો જથ્થો બગડી જતાં સાડા ત્રણેક લાખનું નુકસાન થયું હતું. આ કારણે તે કેટલાક દિવસથી સતત ચિંતામાં રહેતો હતો અને સાંજે ઘરેથી નીકળી જઇ આ પગલુ ભરી લીધું હતું.

આપઘાત કરનારને સંતાનમાં બે પુત્ર રોહિત (ઉ.૧૩) અને મોહિત (ઉ.૧૦) છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ છે. વિશેષ તપાસ એએસઆઇ કનુભાઇ માલવીયા અને રામજીભાઇ પટેલ ચલાવી રહ્યા છે.

(1:17 pm IST)