Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

આર.ટી.ઓ.માં ખોટા દસ્તાવેજોના આધારે લાયસન્સ કઢાવવાના ગુનામાં આરોપી જામીન પર

રાજકોટ તા. પઃ રાજકોટ આર. ટી.ઓ.માં ખોટા દસ્તાવેજોના આધારે ડ્રાઇવીંગ લાઇસન્સ કઢાવવાના કેસમાં વધુ એક આરોપીના જામીન મંજુર કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે આરટીઓના નવા નિયમ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવાનું ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા માટે ધોરણ-૮ સુધીનો અભ્યાસ જરૂરી હોય અને ધોરણ-૮ સુધીનો અભ્યાસ કરેલ ન હોય અને ધોરણ-૮ પાસ ન હોય અને ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવાનું ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા માંગતા અરજદારો પાસેથી આરટીઓ એજન્ટો મોટી રકમ મેળવી ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવાનું ડ્રાઇવીંગ લાઇસન્સ કઢાવી આપતા હોય એજન્ટ દ્વારા અરજદારનું ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા ધોરણ ૮ પાસની ખોટી માર્કશીટો, ખોટા સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, ખોટા આધાર કાર્ડ, ખોટા જન્મ તારીખના દાખલાઓ વિગેરે દસ્તાવેજો ઉભા કરી ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા ઇચ્છુક અરજદારના નામની રાજકોટ આરટીઓમાં ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા માટે અરજીઓ કરી અરજી સાથે ખોટા ઉભા કરેલા દસ્તાવેજોને ખરા દસ્તાવેજો તરીકે રજુ કરી ખોટા દસ્તાવેજોના આધારે આરટીઓના કર્મચારીઓ સાથે મીલાપીપણું કરી ડ્રાઇવીંગ લાઇસન્સ કઢાવી આપવાનું મસ મોટું કૌભાંડ રાજકોટમાં ચાલતું હોય રાજકોટ શહેર એસઓજી પોલીસને બાતમીને આધારે પોલીસે એજન્ટની ઓફીસમાં રેડ પાડી ખોટા દસ્તાવેજો કબજે કરી આરોપીઓને પકડી પાડેલ.

આ બનાવ અંગે ડી.સી.બી. પોલીસ સ્ટે.માં ઇ.પી.કો. કલમ-૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭ર, ૪૭૪, ૧ર૦(બી) વીગેરે મુજબની ફરીયાદ થયેલ જે તપાસના કામે બે વર્ષથી નાસતા ભાગતા આરોપી માત્રાભાઇ ઉર્ફે મનુભાઇ દેવાભાઇ ખાંભલા, મુ. મેસરીયા, તા. વાંકાનેર, જી. મોરબી વાળાને રાજકોટ શહેર એસઓજી પોલીસે ધરપકડ કરેલ અને આરોપીને ચીફ જયુ મેજી. જજની કોર્ટમાં રજુ કરેલ અને તયારબાદ કોર્ટે આરોપીને જેલ હવાલે કરેલ આરોપીએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી રજુ કરતા સેસન્સ કોર્ટે અરજદારને શરતો સાથે જામીન ઉપર છોડવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી તરફે રાજકોટના એડવોકેટ સર્વશ્રી વીનુભાઇ વાઢેર, શૈલેષભાઇ પંડીત, શૈલેષભાઇ મોરી, વિજય ભલસોડ તથા રીતીન મેંદપરા, જસ્મીન ઠાકર એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:10 pm IST)