Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

શહેરમાં ૧પર થી વધુ બગીચાઓના નિર્માણ સાથે 'ગ્રીન ગુજરાત' અભિયાનમાં રાજકોટ અગ્રેસર

મ.ન.પા. અને વન વિભાગના સંયુકત ઉપક્રમે પ જુન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે મંત્રી જયેશ રાદડિયાના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો : વોર્ડ નં. ૩ માં રેલનગર વિસ્તારમાં મહર્ષી અરવિંદ કોમ્પલેક્ષ સામેનાં બગીચામાં જીલ્લા કક્ષાની ઉજવણી નિમિતે વૃક્ષારોપણ, રોપાનું કરાયુ વિતરણ

રાજકોટ, તા. પ : આજે ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજય સરકાર દ્વારા પર્યાવરણની સુરક્ષા કરવા અને રાજ્યને હરીયાળું બનાવવા ગ્રીન ગુજરાત, કલીન ગુજરાતના સુત્ર સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુકત ઉપક્રમે આજે વોર્ડ નં.૩ મહર્ષિ અરવિંદ ટાઉનશીપ, સાધુ વાસવાની કુંજ રોડના બગીચામાં રાજયના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઈ રાદડિયાના  હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા.

રાજયના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવેલ કે, રાજયના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે રાજયમાં વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર કરી ગ્રીન ગુજરાત બનાવવાના સંકલ્પમાં રાજકોટ શહેર પણ સહભાગી બને તેવી અપીલ કરી હતી વધુમાં જયેશભાઇએ કહ્યું હતું કે, કોરોના મહામારી દરમ્યાન ઓકિસજનનું મહત્વ અનુભવ્યું છે ત્યારે રાજયમાં વધુ ને વધુ વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ તે જરૂરી છે. તાજેતરમાં વાવાઝોડાના કારણે ૪ જીલ્લાઓમાં અસંખ્ય વૃક્ષો ધરાશયી થઇ ગયા હતા. આ સ્થળે રાજય સરકાર દ્વારા વૃક્ષો વાવવાનો તેમજ જંગલ વિસ્તારની બહાર પણ  વૃક્ષો વાવવાનો નિર્ધાર કરેલ છે.

આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવએ જણાવેલ કે, આજે વિશ્વ પર્યાવરણ દિન ઉજવવામાં આવી રહેલ છે. સમગ્ર વિશ્વ છેલ્લા કેટલાક વર્ષોથી જળવાયું પરિવર્તન (કલાઈમેટ ચેન્જ)ની વિપરીત અસરો અનુભવી રહ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૧૫૦ જેટલા બગીચાઓ બનાવવામાં આવેલ છે અને અગામી સમયમાં ૬ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત આગામી ચોમાસા દરમ્યાન શહેરમાં વધુ ને વધુ વૃક્ષોનું વાવતેર થાય તેવું આયોજન હાથ ધરેલ છે. ચાલો આજે વિશ્વ પર્યાવરણ દિવસે પ્રકૃતિનું જતન કરવા સંકલ્પ લઈએ તેમ અંતમાં મેયરએ જણાવેલ.

આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, રાજયના વન વિભાગના ડી.સી.એફ.ઓ. અશ્વિનભાઈ પરમાર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડે. કમિશનર સિંઘ, નંદાણી, પ્રજાપતિ, બાગ બગીચા કમિટીના ચેરમેન અનિતાબેન ગોસ્વામી, વોર્ડ નં.૩ના કોર્પોરેટર કુસુમબેન ટેકવાણી, અલ્પનાબેન દવે, નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા), બાબભાઈ ઉઘરેજા, પ્રભારી મનુભાઈ વઘાસીયા, પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી રાજુભાઈ દરીયાનાણી, હિતેશભાઈ રાવલ તથા સંબંધક અધિકારીઓ તેમજ આ વિસ્તારના ભાઈ-બહેનો ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમની શરૂઆતમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ શરૂઆતમાં મ્યુનિસિપલ કમિશનર અને વન વિભાગના અધિકારી અશ્વિનભાઈ પરમાર દ્વારા માન.મંત્રીનું પુસ્તકથી સ્વાગત કર્યું અને બાગ બગીચા કમિટીના ચેરમેન અનિતાબેન ગોસ્વામી દ્વારા અન્ય મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત કરેલ જયારે કાર્યક્રમના અંતમાં વન વિભાગના અધિકારી અશ્વિનભાઈ પરમાર દ્વારા આભારવિધિ કરવામાં આવેલ. ત્યારબાદ તમામ મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ. તેમજ તુલસી તથા અન્ય રોપાઓનું વિતરણ કરવામાં આવેલ છે.

(4:00 pm IST)