Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

પંદર દિવસમાં થયેલી પાંચ ટૂ વ્હીલરની ચોરીનો ભેદ ઉકેલતી માલવીયાનગર પોલીસઃ અશ્વિન મહેતા પકડાયો

હેન્ડલ લોક કર્યા વગરના ટૂ વ્હીલરને ઉઠાવી ડુપ્લીકેટ ચાવી બનાવી ફેરવતોઃ બે એકટીવા અને ત્રણ એકસેસ કબ્જે

રાજકોટ તા. પ :.. દોઢસોફુટ રોડ પુનીતનગર પાણીનાં ટાંકા પાસેથી માલવીયાનગર પોલીસે એક શખ્સને ચોરાઉ એકસેસ સાથે પકડી લઇ પુછપરછ દરમ્યાન અન્ય ચાર ટૂ વ્હીલર ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

મળતી વિગત મુજબ દોઢસો ફુટ રીંગ રોડ પુનીતનગર પાણીના ટાંકા પાસે એક શખ્સ ચોરાઉ ટુ વ્હીલર સાથે ઉભો હોવાની માલવીયાનગર પોલીસને મળેલી બાતમીના આધારે પીઆઇ. કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. કે. ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, દિગ્યાલસિંહ, યુવરાજસિંહ, ભાવેશાભઇ, હરપાલસિંહ, રોહીતભાઇ, મહેશભાઇ, હિતેષભાઇ સહિતના સ્ટાફે પુનીતનગર પાણીના ટાંકા પાસેથી શંકાના આધારે એક શખ્સને એકસેસ સાથે પકડી પોલીસે તેની પાસે લાયસન્સ અને ટુ વ્હીલરના કાગળો માગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. બાદ પોલીસે પેકેટ કોપ એપ્લીકેશનની મદદથી ટુ વ્હીલરના નંબર અને એન્જીન. ચેસીસ નંબર તપાસતા ટુ વ્હીલર કોઇ અન્ય વ્યકિતના નામે રજીસ્ટર હોવાનું જણાતા પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ અશ્વિન ઉર્ફે પટેલ મણીલાલ મહેતા (ઉ.વ.૪પ), (રહે. મુળ મોરબી રોડ જકાતનાકા પાસે બજરંગ પાર્ક શેરી નં. ૪, છેલ્લા ૧પ દિવસથી સંત કબીર રોડ રાજારામ સોસાયટીમાં ભાડે) જણાવ્યું હતું. પોલીસે તેની પુછપરછ કરતા તેણે આ એકસેસ આઠ દિવસ પહેલા સંત કબીર રોડ પર દુર્ગા રેસ્ટોરન્ટ વાળી શેરીમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. બાદ તેની આકરી પુછપરછ કરતા તેણે છેલ્લા પંદર દિવસમાં સંત કબીર રોડ અને માર્કેટ યાર્ડ વિસ્તારમાંથી બે એકટીવા અને ત્રણ એકસેસ મોટર સાયકલની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે અન્ય ચાર ટૂ વ્હીલર ખોડીયારનગર પાસે ખુલ્લા પટમાંથી કબ્જે કર્યા હતાં. અશ્વિન મહેતા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી હેન્ડલ  લોક કર્યા વગરના પાર્ક કરેલા ટુ વ્હીલરને ઉઠાવી તેની ડૂપ્લીકેટ ચાવી અલગ-અલગ જગ્યાએ બનાવી ફેરવતો હતો. બાદ ખોડીયારનગરના  ખુલ્લા પટમાં રેઢૂ મુકી દેતો હતો. તે અગાઉ ભકિતનગર પોલીસ મથકમાં બે જૂગારના કેસમાં પકડાઇ ચૂકયો છે.

(4:04 pm IST)