Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

વિમા કંપનીને અઢી લાખ ચડત વ્‍યાજ અને ખર્ચ સાથે ચુકવવા ગ્રાહક ફોરમનો આદેશ

કોરોના રક્ષક પોલીસી કલેઇમની રકમ નહિ ચુકવતાં

રાજકોટ,તા. ૫ : ‘કોરોના રક્ષક પોલીસી'ની કલેઇમ રકમ નહીં ચુકવતા ફયુચર જનરાલી ઇન્‍ડીયા ઇન્‍શ્‍યોરન્‍સ કંપનીને લાખો રૂપિયા ચુકવવાનો આદેશ ગ્રાહક તકરાર ફોરમે કર્યો હતો.

રાજકોટના રહીશ મીતેશ કિરીટભાઇ ચગએ ફયુચર જનરાલી ઇન્‍ડીયા ઇન્‍સ્‍યોરન્‍સ કંપની પાસેથી ‘કોરોના રક્ષક પોલીસી' લીધેલ હતી. ફરીયાદની વિગતો મુજબ ફરીયાદીની પોલીસી કવર તા. ૨૦/૭/૨૦૨૦ થી તા. ૩૦/૪/૨૦૨૧ સુધી હતું. તે સમય દરમ્‍યાન ફરીયાદીને તા. ૨૮/૯/૨૦૨૦ ના રોજ કોરોના પોઝીટીવ થતાં તેમજ તેના સ્‍વાસ્‍થ્‍ય પર ગંભીર અસર પડવાથી સ્‍ટાર સીનર્જી હોસ્‍પિટલમાં આશરે ૭ દિવસ સારવાર લીધા બાદ સ્‍વસ્‍થ થયેલ છે.

ફરીયાદી હોસ્‍પિટલમાંથી ડિસચાર્જ થયા બાદ તા. ૧૨/૧૨/૨૦૨૦ના રોજે સારવારને લગતા તમામ મેડીકલ બીલ, ડિસ્‍ચાર્જ સમરી, રીપોર્ટ, પ્રીસક્રીપ્‍શન તથા અન્‍ય મેડીકલ પેપર્સ કંપની સોંપેલ હતા. પરંતુ કંપનીએ કોઇ પણ જાત પેપર્સ ચકાસયા વગર ફરીયાદીનો કલેઇમ રીજેકટ કરેલ અને ત્‍યારબાદ ફરીયાદીએ સદરહું કલેઇમ બાબતે એડવોકેટ મારફત કંપનીને પાઠવેલ નોટીસ યોગ્‍ય રીતે બજી ગયા હોવા છતા નોટીસ પીરીયડમાં કે આજ દિવસ સુધી કલેઇમ રકમ ચુકવવા દરકાર કરેલ ન હોય. રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.ફરીયાદીની વિગત તથા દસ્‍તાવેજો ધ્‍યાને લઇ ફોરમએ કંપનીને કાયદાના પ્રબંધો મુજબ નોટીસ ઇસ્‍યુ કરી બચાવની તક આપેલ. ત્‍યારબાદ બંને પક્ષકારોને સાંભળીને ફયુચર જનરાલી ઇન્‍ડીયા ઇન્‍સ્‍યોરન્‍સ કાુ.લી.એ ફરીયાદીને રૂા. ૨,૫૦,૦૦૦ અરજીની તારીખથી વસુલ મળે ત્‍યાં સુધી ૬ % ચડત વ્‍યાજ સાથે ૨ માસમાં ચુકવવા હુકમ કરેલ છે અને ફરીયાદીને ખર્ચ પેટે વિશેષ રૂા. ૫૦૦૦ ચુકવવા આદેશ કરેલ છે. આ કામમાં ફરીયાદીના એડવોકેટ દરજ્જે કાનુની કાર્યવાહીમાં રાજદીપ એમ.દસાણી, જયભારત ધામેચા એડવોકેટ દરજ્જે રોકાયેલ છે. 

(3:13 pm IST)