Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

રાજય સરકારનો મહત્વનો નિર્ણય

ધર્મેન્દ્રસિંહજી-બહાઉદીન સહિત પાંચ કોલેજોના બિલ્ડીંગ હેરિટેજ જાહેરઃ હવે નવા રૂપરંગ ધારણ કરશે

રાજકોટની રાજાશાહી કાળની બે શાળાઓ બાદ વધુ એક સરકારી કોલેજની ઇમાતરનો હેરિટેજમાં સમાવેશ

અમદાવાદ તા. ૪ :.. ગુજરાત સરકારે રાજકોટની ઐતિહાસીક ધર્મેન્દ્રસિંહજી કોલેજ, જુનાગઢની રાજાશાહી વખતની બહાઉદીન કોલેજ સહિત પાંચ કોલેજોના બિલ્ડીંગને હેરિટેજ જાહેર કરતાં આ કોલેજોની ઇમારતો હવે નવા રૂપરંગ ધારણ કરશે.

આઝાદી પૂર્વે ૧૯૩૭ માં સ્થપાયેલી રાજકોટની ઐતિહાસીક ધર્મેન્દ્રસિંહજી કોલેજ ઉપરાંત જુનાગઢની બહાઉદીન કોલેજના બિલ્ડીંગને સરકારે હેરીટેજ ઇમારત તરીકે જાહેર કરી છે. રાજકોટ શહેરની રાજાશાહી સમયકાળની બે સ્કુલો બાદ વધુ એક સરકારી કોલેજની ઇમારતનો હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં રાજકોટની કરણસિંહજી હાઇસ્કુલ અને બાઇસાહેબબા હાઇસ્કુલના રાજાશાહી સમયકાળના બિલ્ડીંગોને હેરીટેજ તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ આ ઐતિહાસિક વારસાને સાચવવા અને તેના મજુબુતીકરણ માટેના પ્લાન - એસ્ટીમેટ સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવ્યા બાદ રાજયના શિક્ષણ વિભાગ બાદ રાજયની પાંચ કોલેજોના બિલ્ડીંગને હેરીટેજ બિલ્ડીંગ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ઉપરાંત જુનાગઢની બહાઉદીન કોલેજનું આર્ટસનું  અને સાયન્સ વિભાગનું બિલ્ડીંગ ઉપરાંત અમદાવાદની ગુજરાત કોલેજ અને વીસનગરની એમ. એન. કોલેજનો સમાવેશ થાય છે. આ પાંચે પાંચ સરકારી કોલેજના હેરીટેજ બિલ્ડીંગના રિનોવેશન માટેની દરખાસ્ત ટૂંક સમયમાં મંજૂરી માટે સરકારમાં મોકલાશે.

રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અત્યારે કોટક સાયન્સ કોલેજ અને એ. એમ. પી. કોલેજ કાર્યરત છે. આ બન્ને કોલેજના વિદ્યાર્થીઓ અત્યારે ધર્મેન્દ્રસિંહ કોલેજની બિલ્ડીંગમાં અભ્યાસ કરે છે. જે પૈકી એ. એમ. પી. લો કોલેજનું નવું બિલ્ડીંગ તૈયાર થઇ ગયું હોવાથી ટૂંક સમયમાં અહીંથી સરકારી લો કોલેજનું સ્થળાંતર થશે. જયારે કોટક સાયન્સ કોલેજના જૂના બિલ્ડીંગનું નવીનીકરણ થઇ રહ્યું હોવાથી છ મહિના બાદ તેનું સ્થળાંતર થશે. અલબત ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં તાજેતરમાં 'નેક' કમીટીના આગમન પૂર્વે રીનોવેશન-રંગરોગાન કરવામાં આવ્યું હતું. અહીં ભુગોળના અનુસ્નાતક ભવન સ્વતંત્ર બિલ્ડીંગ ઉભુ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

(12:53 pm IST)