Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

કારખાનામાં મજૂરી કરતાં ભયલુએ શોખ માટે તમંચો રાખ્યો'તોઃ ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

મુળ સાયલાના સુદામડાનો યુવાન તેના વતનમાંથી લાવ્યાનું રટણઃ રિમાન્ડની તજવીજ : એએસઆઇ સી. એમ. ચાવડા અને કરણ મારૂની બાતમી પરથી પીએસઆઇ યુ. બી. જોગરાણાની ટીમે કોઠારીયા રીંગ રોડ પરથી પકડ્યો

રાજકોટ તા. ૪: કોઠારીયા રીંગ રોડ પર વેલનાથનગરના પુલ પાસેથી આ વિસ્તારમાં જ ડિલકસ પાનવાળી શેરીમાં ભાડેથી રહેતાં મુળ સાયલાના સુદામડાના ભયલુ ભૂપતભાઇ જળુ (કાઠી) (ઉ.વ.૨૦)ને ક્રાઇમ બ્રાંચે રૂ. ૧૦ હજારના દેશી તમંચા સાથે પકડી લઇ આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

પકડાયેલો ભયલુ મુળ સુદામડાનો વતની છે અને હાલ વેલનાથનગરમાં ભાડાના મકાનમાં રહી કારખાનામાં મજૂરી કરે છે. પોલીસની પ્રાથમિક પુછતાછમાં તેણે શોખ માટે આ તમંચો રાખ્યાનું અને તેના ગામડેથી લાવ્યાનું રટણ કર્યુ હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં એએસઆઇ સી. એમ. ચાવડા તથા કરણભાઇ મારૂની બાતમી પરથી પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ સી. એમ. ચાવડા, બી. આર. ગઢવી, જે. વી. ગોહિલ, હેડકોન્સ. અભિજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, ભાવીનભાઇ રતન, ઇન્દ્રજીતસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી. 

(3:06 pm IST)