Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

કલેકટર કચેરીનું જન સેવા કેન્દ્ર ધોળા હાથી સમાનઃ ૧ાા વર્ષમાં ૧ાા કરોડનો ધુમાડો : ૬૫માંથી માત્ર ૪ પ્રકારની સેવા ચાલુ

જન સેવા કરતા તો મામલતદાર કચેરીઓમાં ઝડપી કામ થાય છે..લટકામાં દરરોજ નાયબ મામલતદારો બદલાય છે !! : દર મહિને ૫૦ હજારનો ખર્ચ, લાઈટ બીલ, સિકયુરીટીનો પગારનો ભારે ખર્ચ થતો હોવાની રાવ..

રાજકોટ, તા. ૪ :. કલેકટર કચેરીમાં અદ્યતન જન સેવા કેન્દ્ર બનાવાયુ છે. ગત તા. ૨૫ જાન્યુ. ૨૦૨૦ના રોજ લોકાર્પણ થયું, ૬૫ પ્રકારની સેવા લોકોને મળશે, અરજી કરી શકશે તેવી જાહેરાતો થઈ...આ પછી કોરોના બેકાબુ બન્યો.. ત્યારે આ જન સેવા કેન્દ્રનો અન્ય ઉપયોગ થયો.. ટૂંકમાં આ નવી જન સેવા કેન્દ્ર કચેરી રાજકોટ કલેકટર તંત્ર માટે મોટા ધોળા હાથી સમાન બની રહ્યાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ જન સેવા કેન્દ્ર અને રાજકોટ શહેર-જીલ્લાના તમામ ઈ-ધરા જન સેવા કેન્દ્રોના ખર્ચ માટે કલેકટર તંત્ર પાસે ૨ વર્ષ પહેલા ૬૦ કરોડની બેલેન્સ હતી. તેમાથી ઈ-ધરાના ૩ાા થી ૪ કરોડ પડયા છે, પરંતુ જન સેવાના જે ૨ાા થી ૩ કરોડ પડયા હતા. તેમાંથી બનાવાયેલ બિલ્ડીંગ ખર્ચ સહિત ૧ાા વર્ષમાં ૧ાા કરોડ રૂપિયાનો ધૂમાડો થઈ ગયાનું એટલે કે વપરાઈ ગયાનું બહાર આવ્યું છે. જન સેવામા ૬૫ પ્રકારની સેવા આપવાની વાત થઈ હતી. આખુ એસી કેન્દ્ર, ૨૪ કાઉન્ટર સાથે બનાવાયુ છે, પરંતુ હાલ  માત્ર  આવકના  દાખલા, ઓબીસી સર્ટીફીકેટ સહિત માત્ર ૪ સેવા અપાઈ રહી છે. કોરોના પુરો થતા હાલ રોજના માત્ર ૪૦ થી ૫૦ લોકો અરજીઓ કરવા આવે છે. અન્ય કોઈ સેવા માટે આવતુ જ નથી. ટૂંકમાં આ ધોળા હાથીને બંધ કરી  દેવો  જોઈએ તેમ ખુદ કલેકટર કચેરીના  કર્મચારીઓમાં  ચર્ચાય  રહ્યું છે.

સૂત્રોના ઉમેર્યા પ્રમાણે કલેકટર કચેરીમાં જન સેવા કેન્દ્ર કરતા તો જે તે મામલતદાર કચેરીમાં તમામ પ્રકારના કામ ઝડપી થાય છે. જન સેવામાં આવકના દાખલા માટે, નોન ક્રિમીલેયર સર્ટીફીકેટ માટે અરજી કર્યા બાદ ૩ દિ' લાગે છે. મામલતદાર કચેરીમાં તો સવારે અરજી કરો અને સાંજે કામ પતી જાય છે. આ જન સેવા અંગે કલેકટર સહિતના અધિકારીઓ દ્વારા બીજી બાબત પણ વિચારવી જરૂરી બની ગઈ છે. જન સેવામાં હાલ ૭ કર્મચારી જે તે એજન્સીના છે, તેનો પગાર જ દર મહિને ૫૦ હજાર થવા જાય છે. આ ઉપરાંત એસી, લાઈટોનું હજારોનું બીલ, સિકયુરીટી પગાર તે બાબત પણ હોવાનું સાધનો કહી રહ્યા છે.

(3:21 pm IST)