Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મંગળવારે ઇસ્લામી નૂતન વર્ષ : કરબલાના શહીદોની સ્મૃતિ

૯મીએ સોમવારે સાંજે ચંદ્ર દર્શન થયા બાદ હિજરી ૧૪૪૩નો થશે પ્રારંભ : મહોર્રમ માસને પાંચ દિ' રહ્યા : ગત વર્ષે પણ વૈશ્વિક મહામારી નડ્યા બાદ હાલ પણ સરકારની ગાઇડલાઇન યથાવત હોઇ 'આશૂરાહ'ના પર્વમાં સાદાઇ ફરી વળશે

રાજકોટ તા.પ : આગામી મંગળવારે ઇસ્લામી નૂતન વર્ષનો પ્રારંભ થશે એ પુર્વે તા.૯ ઓગષ્ટને સોમવારે ચંદ્રદર્શન થશે અને એ સાથે જ મહોર્રમ માસનો પ્રારંભ થઇ જશે એ પ્રમાણે તા. ૧૯ ઓગષ્ટને ગુરૂવારે ૧૦મીએ મહોર્રમ એટલે કે 'આશુરાહ' મનાવવામાં આવશે.

બીજી તરફ હાલમાં ચાલી રહેલી હિજરી સંવત ૧૪૪૨ પુર્ણ થઇ ૧૪૪૩માં પરિવર્તીત થશે. જો કે ગત વર્ષે મહોર્રમ માસ લોકડાઉનમાં આવેલ ત્યારે આ વખતે સતત બીજા વર્ષે મહોર્રમ માસ મહામારીના કાળમાં આવેલ છે અને સરકારની ગાઇડલાઇન યથાવત હોઇ એ જોતા મહોર્રમ માસનો આશુરાહ પર્ર્વ સંપુર્ણ સાદાઇથી ઉજવવામાં આવશે.

ઇસ્લામી પંચાગનો ૧૨મો મહિનો ગત જીલહજજ માસમાં ઇદુલ અદહા ઉજવાઇ હતી જે પર્વ બલિદાનની ભાવના પ્રકટ કરે છે. જયારે ઇસ્લામી મહિના મહોર્રમ માસમાં પણ ઘણી ઘટનાઓ અંકીત થઇ છે અને આ મહિનાનું અનેરૂ મહત્વ છે. જેમાં પણ ખાસ કરીને ઇરાક દેશના કરબલા શહેરની ધગધગતી ધરા ઉપર ૧૩૮૨ વર્ષો પહેલા બનેલી કરૂણ ઘટના પણ બલિદાનની ભાવના પ્રકટ કરતી હોય ઇસ્લામી વર્ષની શરૂઆત અને તેનો અંત હંમેશા બલિદાનની ભાવના ઉપર નિર્ભર રહ્યા છે.

જો કે તા.૧૦ ઓગષ્ટથી મહોર્રમ માસ શરૂ થશે જે મહિનામાં પણ ૧૦ મી  મહોર્રમના દિવસે ખાસ આશુરાહ પર્વ મનાવાશે જે આ વખતે ૧૯મી ઓગષ્ટને ગુરૂવારે રહેશે.

આશુરાહના દિવસે અનેક ઘટનાઓ  અંકીત થઇ છે પરંતુ ખાસ કરીને આ મહિનામાં ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના દોહીત્ર હઝરત ઇમામ હુસૈનએ પોતાના ૭૨ સાથીદારો પરિવારજનો સાથે ઇસ્લામ ધર્મની કાજે આપેલી ભવ્ય આહુતીને યાદ કરવામાં આવે છે. જેનો મુખ્ય દિવસ જ 'આશુરાહ' નો દિવસ છે.

આશુરાહ પર્વ મનાવવાની સાથે સાથે મહોર્રમ માસમાં કરબલામાં સત્યની કાજે શહીદી પામી ઇતિહાસમાં અમર થઇ ગયેલા ૭૨ શહિદોની સ્મૃતિમાં તાજીયા બનાવવામાં આવે છે. આ તાજીયાને જાહેર દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવે છે અને હિન્દુ મુસ્લિમ ભાઇ બહેનો તેમા જોડાય છે એ ઉપરાંત મહોર્રમ માસના પ્રથમ ૧૦ દિવસ કરબલાની ભવ્ય ગાથાને વર્ણવતી હુસેની મજાલિસો ઠેરઠેર પાણી શરબતની સબિલો અને જાહેર પ્રસાદ નિયાઝના ભરપુર કાર્યક્રમો ઉપરાંત રોશની યોજાય છે.

મહોર્રમ માસથી કદાચ કોઇ અજ્ઞાત હશે પરંતુ આ વખતે મહોર્રમ મહીનો હાલમાં ચાલી રહેલી વૈશ્વિક મહામારી વચ્ચે આવી જતા સાવચેતીના પગલા રૂપે રાજય સરકારે તમામ ધાર્મિક સમારંભો, જાહેર સમારંભો, પર્વોની ઉજવણી ઉપર ગાઇડલાઇન મુકેલ હોય જેના લીધે મહોર્રમ માસમાં સર્વત્ર સાદાઇ ફરી વળશે.

મંગળવારના દિવસથી જ મહોર્રમ માસનો પ્રારંભ થનાર છે. જેના લીધે મુસ્લિમ સમાજમાં આધ્યાત્મિક ઉત્સાહ વર્તાય છે પણ બીજી બાજુ મહોર્રમ પર્વની ઉજવણી અંતર્ગત કોરોના વાયરસ સામે પ્રતિબંધાત્મક હુકમો અમલી હોઇ વધુ પ્રમાણમાં લોકોને ઘરે જ રહેવુ પડશે.

આ માસમાં તાજીયા - સબીલ, હુસેની મજલિસો, રોશની, નિયાઝ થશે.  દર વર્ષે અનેક લોકો આશુરાહની નમાઝ પઢવા ઉમટી પડે છે. એ ઉપરાંત ૯ અને ૧૦ મહોર્રમના રોઝા પણ રાખે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક મહામારીના લીધે હંમેશા ઉજવાતા ઉર્ષના કાર્યક્રમો મોકુફ રહેલ છે. એ ઉપરાંત મહતવની રાત્રીઓની ઉજવણી પણ સાદાઇથી થયેલ છે. એટલુ જ નહી, ગત ઇદોમાં પણ મુસ્લિમ સમાજે સંપુર્ણ સાદગી અપનાવતા અને હવે મહોર્રમના દિવસો પણ સાદાઇથી પસાર થઇ જશે એ નિશ્ચીત છે.

  • જીલહજ્જ માસ પણ ૨૯ દિ'નો થશે : વાદળાના લીધે મહોર્રમ માસના ચંદ્રદર્શનનો અભાવ સર્જાવાની સંભાવના

રાજકોટ તા.પ : હાલમાં ઇસ્લામી પંચાગનો ૧૧મો મહિનો જીલહજ્જ ચાલી રહ્યો છે અને ઇસ્લામી પંચાગ હંમેશ માટે ચંદ્રદર્શન ઉપર ચાલે છે ત્યારે આગામી તા.૯ના સોમવારના સાંજે મહોર્રમ માસનો ચંદ્રઉદય થનાર હોવાનો વર્તારાનો નિર્દેશ છે પરંતુ આ ચંદ્રદર્શન ભારતના પોણાભાગના વિસ્તારમાં જ નજરે ચડે તેવો પણ વર્તારાનો નિર્દેશ છે જો કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં સ્વચ્છ ચંદ્રદર્શનની પુરી શકયતા છે. જયારે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આકાશ વાદળછાયુ રહે છે ત્યારે કયાંક કયાંક ચંદ્ર ઢકાયેલ રહે તો દર્શનનો અભાવ સર્જાવાની પણ શકયતા છે.

બીજી તરફ ચાલુ વર્ષમાં રજજબ માસના ચંદ્રદર્શનની વિચિત્રતા સર્જાઇ હતી અને ગત જીલ્કાદ માસનો ચંદ્ર પણ ભારતમાં વાદળામાં ઢંકાયેલો રહ્યો હતો અને તે પછી જીલહજ્જ માસનો ચંદ્ર પણ અનેક સ્થળોએ વાદળોના લીધે કેટલાય દિવસો સુધી દેખાયો ન હતો ત્યારે જીલહજ્જ માસના ૨૯ દિ' પૂરા થવાનો નિર્દેશ હોઇ સોમવાર તા. ૯ના ચંદ્રદર્શન થવાની પુર્ણ સંભાવના વચ્ચે ચંદ્રદર્શનના અભાવની પણ સંભાવના વર્તાઇ રહી છે.

(2:39 pm IST)