Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ભાજપ યુવા મોરચો ક્રાંતિ દિવસ અને સ્વાતંત્ર્ય દિન ઉજવશે : પ્રશાંત કોરાટ

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા મેરેથોન દોડ યોજાશેઃ યુવા ભાજપ પ્રદેશ પ્રમુખ અકિલાનાં આંગણે : દર અઠવાડીયે એક કાર્યક્રમ યોજાશેઃ પેઈજ સમિતિના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ૯૧ ટકા બેઠકો મળી

અકિલા કાર્યાલયે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટે આશિર્વાદ લીધા હતા અને રાજકીય ચર્ચાઓ કરી હતી. આ તકે પ્રદેશ યુવા મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમા નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૫ :. ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ આજે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રાજકીય ચર્ચાઓ કરી હતી અને યુવા ભાજપ દ્વારા આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી.

પ્રશાંતભાઈ કોરાટે જણાવ્યુ હતુ કે યુવા ભાજપ મોરચો ૮મી ઓગષ્ટના રોજ ક્રાંતિ દિવસની ઉજવણી કરશે. જે અંતર્ગત રાજ્યમાં આવેલી જુદી જુદી પ્રતિમાઓને સાફ-સફાઈ કરીને સુતરની આંટી તથા પુષ્પમાળા અર્પણ કરશે. તા. ૧૪ ઓગષ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ મશાલ રેલીનું ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ભાજપના યુવા મોરચાના હોદેદારો, કાર્યકરો તથા ગુજરાતના યુવાનો મોટી સંખ્યામાં જોડાશે. કોરોના ગાઈડલાઈન મુજબ આ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. તા. ૧૫ ઓગષ્ટના રોજ સ્વાતંત્ર્ય દિન નિમિતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લાલ કિલ્લા ખાતેથી ધ્વજવંદન કરશે તે કાર્યક્રમ ભાજપ યુવા મોરચાની ટીમ નિહાળશે અને નરેન્દ્રભાઈના વિચારોને અમલમાં મુકશે.

પ્રશાંતભાઈ કોરાટે વધુમાં જણાવ્યુ કે, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કોરોના મહામારી વચ્ચે માઈક્રોપ્લાનિંગથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સફળતા મેળવવા માટે પેઈજ સમિતિની ટીમ બનાવી છે અને તેના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ૯૧ ટકા બેઠકો પ્રાપ્ત થઈ છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ સી.આર. પાટીલની આગેવાનીમાં વિધાનસભાની તમામ ૧૮૨ સીટો જીતવા માટે ભાજપ યુવા મોરચાની ટીમ તથા ભાજપના તમામ સંગઠનો કાર્યરત થયા છે.

સ્વ. સવજીભાઈ કોરાટ અને પૂર્વ રાજ્યમંત્રી જશુમતીબેન કોરાટના પુત્ર પ્રશાંતભાઈ કોરાટે અકિલા કાર્યાલય ખાતે વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાતની કોલેજોમાં પણ યુવાનો માટે કાર્યક્રમ યોજાશે અને પોઝીટીવ વાતાવરણ ઉભી કરાશે અને યુવા જોડો અભિયાન હાથ ધરાશે જેના માધ્યમથી ભાજપ ટીમમાં વધુને વધુ યુવાનો જોડાઈ તે માટે કામગીરી કરાશે. યુવાનો ભાજપની વિચારધારા લોકોને સમજાવે તે માટે અભ્યાસ વર્ગો પણ યોજવામાં આવશે.

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા ભાજપ યુવા મોરચા દ્વારા ગુજરાતમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવશે જેની તારીખ સહિત સત્તાવાર કાર્યક્રમ આવનારા સમયમાં જાહેર કરાશે. ગુજરાત ભાજપ યુવા મોરચાની ટીમ અઠવાડીયે એક કાર્યક્રમ આપશે.

પ્રશાંતભાઈ કોરાટે વધુમાં જણાવ્યુ કે યુવા ભાજપ મોરચા દ્વારા તાજેતરમાં જુદા જુદા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં ગુરૂપૂર્ણિમાએ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં સંતોનું પૂજન તથા ગુરૂનું પૂજન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત કાર્યક્રમ સમૂહમાં સાંભળીને તેનુ અનુકરણ સૌ લોકો કરે તે માટે માર્ગદર્શન મેળવવામાં આવ્યુ હતું. તા. ૨૬ જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ નિમિતે તબીબો, નર્સો, પત્રકારો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યુ હતું.

અકિલા કાર્યાલયે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શુભેચ્છા મુલાકાત સમયે પ્રશાંતભાઈ કોરાટ સાથે યુવા ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ મનીષભાઈ સંઘાણી, રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષભાઈ શીંગાળા, રાજકોટ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડીયા તથા યુવા ટીમના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

  • આમ આદમી પાર્ટીની જેમ ચૂંટણી ટાણે અનેક રાજકીય પક્ષો બિલાડીના ટોપની જેમ ઉગી નીકળે છે

રાજકોટઃ. ગુજરાત ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટીની જેમ અનેક રાજકીય પક્ષો ચૂંટણી ટાણે બિલાડીના ટોપની જેમ ઉગી નીકળે છે. ગુજરાતના શાણા લોકો ભાજપને જ આવકારી રહ્યા છે અને કેન્દ્ર તથા રાજ્યની ભાજપ સરકારની વિવિધ યોજનાઓ થકી લોકોને મળતી સુવિધાઓને આવકારી રહ્યા છે.

(3:18 pm IST)