Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

માહીતી નિયામકની પરીક્ષામાં મીડીયા કર્મચારીઓની ઝળહળતી સફળતાઃCCDCના પ૦માંથી ૩પ છાત્રો ઉતીર્ણ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સીસીડીસી મારફત જુદી જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સચોટ તાલીમ અને તજજ્ઞ નિષ્ણાંતોના માધ્યમથી કરવામાં આવે છે. જેના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારનાં અનેક વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર થયેલ છે. તાજેતરમાં માહીતી પ્રસારણ વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગરનાં ભરતી બોર્ડ દ્વારા નાયબ માહીતી નિયામક વર્ગ-૧, સહાયક માહીતી નિયામક (સંપાદન) વર્ગ-રની કુલ ૨૩ જગ્યાઓ તથા સીનીયર સબ ઓડીટર વર્ગ-૩ અને માહીતી મદદનીશ વર્ગ-૩ની કુલ ૭૭ જગ્યાઓ માટે પ્રિલીમરી  પરીક્ષાનું આયોજન કરાવેલ હતું. સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મારફત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.નીતીનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી, સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલભાઇ રૂપાણી, ડો.ભાવીનભાઇ કોઠારીના માર્ગદર્શન હેઠળ ફેબ્રુઆરી માસથી ૧૦૦ કલાકની નિઃશુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવેલ. તાલીમશાળામાં ભાગ લેનાર મોટા ભાગના મિડીયાકર્મીઓને ભારતનું બંધારણ ભારતનો ઇતિહાસ અને ભુગોળ, મેથ્સ અને સામાન્ય જ્ઞાન, જાહેર વહીવટ, જર્નાલીઝમના સિલેકટેડ ટોપીકસ ઉપર અમદાવાદના તજજ્ઞ પ્રફુલભાઇ ગઢવી, સમીરભાઇ પટેલ, ધવલભાઇ મારૂ, પત્રકારત્વ   ભવનના નીતાબેન ઉદાણી અને ટીમ માહીતી નિયામક કચેરીના કેતનભાઇ દવે, સોનલબેન વગેરે તજજ્ઞ નિષ્ણાંતો મારફત સચોટ માર્ગદર્શન આપવામાં આવેલ. તાલીમાર્થીઓની સખત મહેનત તથા સચોટ માર્ગદર્શનના સમન્વયથી સીસીડીસીના પ૦ તાલીમાર્થીઓમાંથી ૩પ તાલીમાર્થીઓએ પ્રીલીમરી પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવેલ છે. ગુજરાત રાજયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસી મારફત માહીતી નિયામક કચેરીના વર્ગ-૧, ર અને ૩ની જુદી જુદી જગ્યાઓ માટેની તાલીમનો પ્રથમ પ્રયોગમાં રેકોર્ડબ્રેક સફળતા મળતા યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ અને ઉપકુલપતિ સતામંડળના સર્વે સભ્યોએ સફળતા મેળવનાર પરીક્ષાર્થીઓ અને સીસીડીસીના સંયોજક ડો. નિકેશભાઇ શાહ અને તેની ટીમને અભિનંદન પાઠવેલ છે. તાલીમશાળાને સફળ બનાવવા ટીમ સીસીડીસીના સર્વ શ્રી સુમીતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, શ્રીમતી દિપ્તીબેન ભલાણી, આશીષભાઇ કીડીયા, હીરાબેન, સોનલબેન વગેરેએ જહેમત ઉઠાવેલ હતી. 

(3:23 pm IST)