Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

કાલે કડક પ્રબંધો વચ્ચે ગુજકેટની પરીક્ષા

રાજકોટના ૪૦ બિલ્ડીંગમાં ૮૩૮૦ છાત્રો આપશે કસોટીઃ કંટ્રોલ રૂમ શરૂ

રાજકોટ, તા. ૫ :. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચસ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૬ના આવતીકાલે ધો. ૧૨ સાયન્સના છાત્રો માટે ગુજકેટની પરીક્ષા લેવાશે.

ઈજનેરી સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અગત્યની ગણાતી ગુજકેટની પરીક્ષા સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧ લાખ ૧૭ હજારથી વધુ છાત્રો પરીક્ષા આપશે. રાજકોટમાં ૮૩૮૦, જૂનાગઢ ૩૯૫૧, જામનગર ૨૨૪૪, અમરેલી ૧૭૭૬, ગીર સોમનાથ ૧૫૮૩, સુરેન્દ્રનગર ૧૫૦૭, પોરબંદર ૩૬૪, દેવભૂમિ દ્વારકા ૪૧૯ અને મોરબીમાં ૧૯૦૭ છાત્રો પરીક્ષા ગુજકેટની પરીક્ષા આપશે.

કોરોના મહામારીને કારણે શિક્ષણ બોર્ડ પરીક્ષા કેન્દ્રો ઉપર વિશેષ કાળજી રાખી છે. કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા એક પરીક્ષા ખંડમાં ૨૦ છાત્રોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર સેનેટાઈઝર, માસ્ક તેમજ ટેમ્પરેચર ચેક કરવાની સૂચના આપવામાં આવી છે.

ગુજકેટની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ત્રણ પ્રકારની ચેકીંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજકોટ સહિત તમામ જિલ્લામાં પરીક્ષાના ૨૪ કલાક પૂર્વે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

(3:25 pm IST)