Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ધનવંતરી રથના માધ્યમથી કોરોનાના સુપર સ્પ્રેડરને ઓળખી સ્થળ પર જ એન્ટિજન ટેસ્ટ

શહેરભરમાં લોક જાગૃતિ સાથે થઇ રહ્યું છે લોકોના આરોગ્યનું સ્ક્રિનીંગ

રાજકોટ તા. ૫ : રાજકોટમાં કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવવા મહાનગર પાલિકા અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ધન્વંતરી રથ દ્વારા જાહેર જનતાને કોરોનાથી જાગૃત કરવા, ગંભીર બીમારીવાળા દર્દીઓને ઓળખી રોગપ્રતિકારક શકિત વધે તે માટે આયુર્વેદ દવાનું વિતરણ, શંકાસ્પદ દર્દીઓના સ્ક્રિનિંગ તેમજ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલાઓેને એન્ટિજન ટેસ્ટ કરાવવા સહિતની આરોગ્ય વિષયક કામગીરી માટે ફેરવવામાં આવી રહ્યો છે.

રાજકોટ લધુભા સાહેબના ઉતારા વિસ્તારમાં સ્થાનિક લોકોના આરોગ્યની તપાસ દરમ્યાન ધન્વંતરી રથમા ફરજ પરના તબીબ ડો. સિધ્ધીબેન વિઠ્ઠલાણી એ જણાવ્યું હતું કે, એક રથ દ્વારા લોકો સવારે ૮ થી ૧ અને બપોરે ૩ થી ૭ વાગ્યા દરમ્યાન દરરોજ ૨૫૦ થી ૩૦૦ જેટલા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. લાઉડ સ્પીકર દ્વારા લોકોને રોગ વિશેની માહિતી આપવામાં આવે છે. બીમાર દર્દી જણાય તો બી.પી., સુગર અને ઓકિસજન લેવલની તપાસ અને જરૂર મુજબની સારવાર તેમજ જરૂરિયાત મુજબ રિફર કરવામાં આવે છે.

વધુમાં ધન્વંતરી રથની તપાસ દરમિયાન કોઈ દર્દીને કોરોના એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવે તો તેને સિવિલ હોસ્પિટલમાં તપાસ માર્ગદર્શન અને સારવાર માટે રીફર કરવામાં આવે છે. આ ધન્વંતરી રથમાં ડો. સિધ્ધિબેનની સાથે હેલ્થ કાર્યકરશ્રી વામનભાઈ મેર પણ નિષ્ઠાથી તેમનુ કાર્ય બજાવી રહયા છે. 

આમ, ધન્વંતરી રથના માધ્યમથી ફ્રન્ટલાઈન કોરોના વોરીયર એવા તબીબો અને આરોગ્ય કર્મીઓ લોકોના ઘર સુધી પહોચીને લોકોની આરોગ્ય સુખાકારી માટે તેમને જાગૃત કરવાની સાથે કોરોના મહામારીથી બચાવવાનું સંનિષ્ઠ કાર્ય પણ કરી રહયા છે.

(2:36 pm IST)