Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ગુજરાતની માટીમાં ભળેલા સંગીતના સ્વરાભિષેકથી લોકોનું મન મોહી લેતા અભિષેક ગઢવી

યુવા કલાકાર અભિષેક ગઢવી પણ આવા જ એક કલાકાર છે જેઓ માટી સાથે ભળેલા છેઃ તેમણે સંગીતને જ જીવન સમર્પિત કર્યું છે :નાદ સંગીત એકેડમીના માધ્યમથી અભિષેક ગઢવી પણ તેમને મળેલ સંગીત રૃપી પ્રસાદને વિદ્યાર્થીઓને વહેંચે છે : શાસ્ત્રીય, સુગમ, ગઝલ, ફોક સંગીત જેમાં ગુજરાતની માટીની સુગંધ હોય તે મારા હૃદયને સ્પર્શે છે : દરરોજ પાંચ કલાકનો રિયાઝ કરે છે. આહિર ભૈરવ, પીલુ, ગારા વગેરે પસંદગીના રાગ : ભવિષ્યમાં ફોક મ્યુઝિકને નવા રંગરૃપથી તેમજ જુની કવિતાઓને નવા રૃપમાં ઢાળીને રજુ કરવાની ઇચ્છા

અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ગાયક અભિષેક ગઢવી સાથે અભિમન્યુસિંહ જાડેજા (ભવાની સિકયુરીટી) સાથે મીતેષભાઈ રૃપારેલીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

સાચો કલાકાર સહજ રીતે સર્જન કરી શકે છે. પરંતુ એ સર્જન કલાને આપણે જયારે વ્યાખ્યામાં બાંધવા બેસીએ છીએ ત્યારે ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે. કલાને માણવી અઘરી નથી પરંતુ કલાને જાણવી, તેની છણાવટ કરવી અઘરી છે. જોકે ચારણ, ગઢવી સમાજમાં કલા તેમના લોહીમાં વહેતી હોય છે. માતા સરસ્વતીની અપાર કૃપા તેમના પર વરસતી રહે છે. યુવા કલાકાર અભિષેક ગઢવી પણ આવાજ એક કલાકાર છે જેઓ માટી સાથે ભળેલા છે. તેમણે સંગીતનેજ જીવન સમર્પિત કર્યું છે. નવલા નવરાત્રીમાં રાજકોટ ખાતે આયોજીત અકિલા રઘુવંશી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં અભિષેક ગઢવી તેમના પહાડી અવાજમાં હજારો ખૈલેયાઓને જોમ ચડાવી રહ્યા છે.

અકિલાના મહેમાન બનેલા અભિષેક ગઢવીએ ખુબજ નાની ઉંમરમાં મોટું નામ કર્યું છે. અભિષેક ગઢવીએ જણાવ્યું હતું કે, મારૃં વતન મૂળ પડધરી પાસે આવેલ કવિ દાદનું ધુનાણા ગામ છે. શ્રી હેમુભાઇ ગઢવી આ ગામના ભાણેજ થાય છે. સંગીત મને મારા મોસાળ પક્ષ થી મળ્યું છે. તેમનું મોસાળ પણ એટલે આણંદ જીલ્લાનું બોરસદ તાલુકાનું વાળોવળ ગામ જે કિર્તીદાન ગઢવીનું ગામ છે. અભિષેકના માતા નયનાબેન ગઢવી ખુબ સારૃં ગાતા. અભિષેક કહે છે, આમ તો મારા દાદા શ્રી ચતુરદાન ગઢવી અને પિતા નરેશદાન ગઢવી પહેલા શેરી ગરબીમાં ગરબા ગવરાવતા. પિતા નરેશદાન ગઢવી હાલ એસ.આર.પી. કેમ્પમાં નોકરી કરે છે. આમ તો અભિષેક મહાત્મા ઇસરદાસજીના વંશજ છે. મહાત્મા ઇસરદાસજી એટલે જેમણે 'હરિરસ' નામનો ગ્રંથ લખ્યો હતો અને ભગવાન શ્રી કૃષ્ણએ તેમાં સાક્ષાત હસ્તાક્ષર કર્યા હતા.!

યુવા ગાયક અભિષેકએ સંગીત શીખવાની શરૃઆત ૨૦૧૪ થી ૧૬ વર્ષની ઉંમરે કરી હતી. ભણવામાં જીવ ઓછો અને સંગીતમા વધુ. તેમના કાકા સુરતમાં રહે એટલે અભિષેકએ આગળ અભ્યાસ અર્થે સુરતની કોમર્સ કોલેજમાં એડમીશન લીધું. પરીક્ષામાં એટીકેટી આવી પણ સંગીતમા ફુલ્લી પાસ. સુરતમાં રહી તેઓએ 'સ્વર મ્યુઝિક એકેડમી'માં શ્રી સુનીલભાઇ રેવર પાસેથી સંગીતની તાલીમ પણ મેળવી. કહેવાય છેને કે પ્રસાદ જેટલો વહેંચો તેમ પૂણ્ય વધુ મળે. અભિષેક ગઢવીએ પણ તેમને મળેલ સંગીત રૃપી પ્રસાદને વિદ્યાર્થીઓને આપવાનું શરૃ કર્યું. ગુરૃ શ્રી સુનીલભાઇ રેવર તેમની સાથે અભિષેકને કાર્યક્રમમાં લઇ જાય ત્યાં તેઓ 'મોર બની થનગાટ કરે..' અને 'લાડકી..' એ બે ગીતો ગાતા.

આગળ જતા પરિવારને સંગીતમાં કારકિર્દી બનાવવાની વાત કરી તો ઘરમાંથીના આવી એટલે અભિષેકએ પોલીસ, તલાટી જેવી સરકારી પરીક્ષાઓમાં પણ નસીબ અજમાવ્યું. જોકે નસીબે સાથ ન આપતા ફરી સંગીત તરફ વળ્યા અને વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પર્ફોમિંગ આર્ટ્સમાં વર્ષ ૨૦૧૬ માં એડમીશન લીધું. જયાં ગુરૃ શ્રી રાજેશભાઇ કેલકર પાસેથી ગાયનની સઘન તાલીમ મેળવી. વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં થી વર્ષ ૨૦૨૧ માં માસ્ટર્સ સફળતા પૂર્વક પૂર્ણ કર્યું. અભિષેક કહે છે, મને સુરત વધુ ગમે એટલે ત્યાં રહેવાનું નકકી કર્યું અને 'નાદ સંગીત એકેડમી' શરૃ કરી જયાં વિદ્યાર્થીઓને શાસ્ત્રીય, ભજન, ફોક સંગીતની તાલીમ તેઓ આપી રહ્યા છે. શકય હોય ત્યાં સંગીતની શિક્ષા આપવા પણ જાય.

અભિષેક ગઢવી છેલ્લા ૧૧ વર્ષથી સંગીતની સેવા કરી રહ્યા છે. તેઓ કહે છે, મને માટીનું સંગીત ખુબ ગમે છે. એટલેકે શાસ્ત્રીય, સુગમ, ગઝલ, ફોક સંગીત જેમાં ગુજરાતની માટીની સુગંધ હોય તે મારા હૃદયને સ્પર્શે છે. અભિષેકએ કિર્તીદાનભાઇ ગઢવી, કવિ જીતુભાઇ દાદ, પ્રતિપદાનભાઇ ગઢવી, ગીતાબેન રબારી જેવા કલાકારો સાથે તેમજ કચ્છ, વડોદરા, અમરેલી સહિત ગુજરાતભરમાં અને રાજસ્થાનમાં અંદાજે ૧૦૦ જેટલા કાર્યક્રમો આપી તેમની કલાભિષેક થી લોકોના મન મોહી લીધા છે.

કલાકાર કલાકૃતિ આપતાં પહેલાં એક કાર્ય કરે છે તે સાધનાનું છે. સાધનાથી જ કલા સફળ બને છે. સંગીતકાર રિયાઝ કરીને પોતાના સાધનને સાધન મટાડીને પોતાની અનુભૂતિનું એવું વાહન બનાવી દે છે કે એના મનમાં એનો ભેદ રહેતો નથી. ખુબજ સરળ અને સહજ સ્વભાવ ધરાવતા યુવા ગાયક અભિષેક ગઢવી પણ દરરોજ પાંચ કલાકનો રિયાઝ કરે છે. તેમને માટીના સુરોની મહેક આપે તેવા રાગ આહિર ભૈરવ, પીલુ, ગારા વગેરે ખુબ ગમે છે. પ્રખ્યાત ભજનીક શ્રી નારાયણ સ્વામીના ભજનો તેમના હૃદયથી વધુ નજીક છે. શાસ્ત્રીય સંગીતમાં ઉસ્તાદ રાશીદ ખાં ને સાંભળવા તેઓ વધુ પસંદ કરે છે. જયારે ફોક સંગીત અને ડાયરામાં કિર્તીદાનભાઇ ગઢવી અને ગઝલમાં મહેંદી હસન તેમના પ્રિય કલાકાર છે. રાજસ્થાનમાં જયારે કિર્તીદાનભાઇએ અભિષેકને ઓડિયન્સમાં બેસી સાંભળ્યા તે ક્ષણને જીવનની યાદગાર ક્ષણમાની એક તેઓ ગણે છે. એ વખતે કિર્તીદાનભાઇ પાસેથી સંગીતનું માર્ગદર્શન પણ તેઓએ મેળવેલું.

અભિષેક ગઢવી કહે છે, સંગીત તો દરિયો છે. સંગીતમાં જયાંથી સારૃં મળે ત્યાંથી મેળવુ છુ એજ ગુણ મેળવ્યા છે. રિયાલીટી શોમાં જવાની ઇચ્છા નથી પણ ભવિષ્યમાં ખુબ મહેનત કરી ફોક મ્યુઝિકને નવા રંગરૃપથી તેમજ જુની કવિતાઓને નવા રૃપમાં ઢાળીને રજુ કરવાની ઇચ્છા છે. આજે આ યુવા ગાયક અભિષેક ગઢવીએ તેમની કલાથી સ્વરાભિષેક કરીને લોક હૃદયમાં અનોખુ સ્થાન મેળવ્યું છે. (અભિષેક ગઢવી ૅં મો.૭૮૭૪૦૬૪૬૩૧) (૩૦.૧૦)

ગાયનની સાથે અભિનયની કલાના

પણ મલિક છે અભિષેક..!

માત્ર સંગીત જ નહીં અભિનયમાં પણ અભિષેક ગઢવી માહેર છે. જયારે તેઓ સુરતમાં સંગીત શીખતા ત્યારે એક નાટક ભજવવાનું હતું 'હિજરત' જેમાં તેમના ગુરૃ તે નાટકમાં સંગીત આપતા. તેમાં એક પાત્ર હતું કાનજી. જેને ફોક સંગીત ગાવાનું હતું એ ગાવાનું મારા ભાગે આવ્યું ત્યારે તેમના સરે કહ્યું ગાવાની સાથે અભિનય પણ કર. એટલે અભિષેકએ તે પાત્ર રંગમંચ પર ભજવ્યું. જે સુરતના ગાંધી સ્મૃતિ હોલમાં, રાજકોટના હેમુભાઇ ગઢવી હોલમાં અને મુંબઇમાં પણ ભજવાયું હતું.

નવરાત્રીમાં રાજકોટવાસીઓએ મારી કલાને ખુબ પ્રેમ આપ્યો..

યુવા ગાયક અભિષેક ગઢવી કહે છે કે, હું છેલ્લા ચાર વર્ષથી નવરાત્રી કરું છું. જેમાં રાજકોટમાં અકિલા રઘુવંશીમાં મને લાવવાનો શ્રેય હું શ્રી અભિમન્યુસિંહ ચંદ્રસિંહ જાડેજાને આપું છું. જેઓ ૨૦૧૫ થી આ સંસ્થા સાથે જોડાયેલા છે. રાજકોટમાં આયોજકો અને લોકોએ મારી કલાને ખુબ પ્રેમ આપ્યો છે. તેમાંય મારી માટીમાં આવીને ગાવાની મજાજ કંઇ ઓર છે. આ નવરાત્રીમાં મને અદભૂત આનંદ મળ્યો છે જે હું કયારેય ભૂલી નહીં શકુ.

નજીકના ભવિષ્યમાં અભિષેકગઢવી

નવું આલ્બમ પણ લાવશે.

વર્ષ ૨૦૨૦ માં ગાયક રોહન રાજાની સાથે 'કળશ' નામનું આલ્બમ કિંજલ સ્ટુડિયો ડીજીટલમાં બહાર પાડેલું. જેમાં ઉત્તર ગુજરાતના ગરબા અને નોન સ્ટોપ ગરબા હતા જેને ખુબ સારો આવકાર મળ્યો હતો. હવે નવરાત્રી પછી 'માતાજીના ચરજ' અને શ્રી કૃષ્ણ ભગવાનનું એક ગીત બહાર પાડવાના છે.

(4:27 pm IST)