Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સરગમ દ્વારા જાહેર જનતા માટે ત્રિવેણી સંગમ કાર્યક્રમ

ડી.એચ.ના મેદાનમાં શુક્રવારે મ્યુઝીકલ નાઈટ શનિવારે લોકડાયરો, રવિવારે હસાયરો : મ્યુઝીકલ નાઈટના કલાકારોઃ સુરોજીત ગુહા, મનિષા કારીન્દકર, મુખતાર શાહ, પ્રિયંકા બસુ, હિંમત પંડયા, સોનલ ગઢવી : લોકડાયરાના કલાકારોઃ માયાભાઈ આહીર, અભેસિંહ રાઠોડ, ફરીદાબેન મીર, બિહારીભાઈ ગઢવી : હસાયરાના કલાકારોઃ સાંઈરામ દવે, ધીરૃભાઈ સરવૈયા, સુખદેવ ધામેલીયા, ગુણવંતભાઈ ચુડાસમા

રાજકોટઃ નવરાત્રી મહોત્સવ પૂરો થાય એટલે  જનતા માટે વિનામુલ્યે જુદા જુદા મનોરંજક કાર્યક્રમો યોજવાની પરંપરા સરગમ કલબે જાળવી રાખી છે અને આ વખતે પણ તા. ૭/૧૦ થી ૯/૧૦ સુધી એટ્લે કે ત્રણ દિવસ સુધી ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમો યોજાયા છે. આ ત્રણ દિવસ દરમિયાન જાહેર જનતા માટે વિનામુલ્યે મ્યૂઝિકલ નાઈટ, લોકડાયરો અને હસાયરો યોજાશે.

આ અંગે વધુ વિગત આપતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, તા.૭/૧૦ શુક્રવારે રાત્રે ૮ વાગ્યે ડી.એચ. કોલેજ ગ્રાઉન્ડ યાજ્ઞીક રોડના મેદાનમાં ભવ્ય મ્યૂઝિકલ નાઈટ યોજાશે. આ નાઇટમાં કોલકતાના સૂરોજીત ગુહા, મુંબઈના મનીષા કારીન્દકર, અમદાવાદનાં મુખતાર શાહ અને પ્રિયંકા બસુ, પુનાના હીમંતભાઈ પંડ્યા અને રાજકોટના સોનલ ગઢવી જૂના નવા હિન્દી ફિલ્મી ગીતો ગાઈને જમાવટ કરશે.

મન્સૂર ત્રિવેદી પ્રસ્તુત મેલોડી કલર્સ ઓરકેષ્ટ્રા ધૂમ મચાવશે. સાથી કલાકારો અને ભારતીબેન નાયક પણ રંગ જમાવશે.

તા. ૮/૧૦ના શનિવારે રાત્રે ૮ વાગ્યે ડી.એચ.ના મેદાનમાં જે.પી. સ્ટ્રકચર અને બાન લેબના સહયોગથી યોજાનારા ડાયરામાં માયાભાઇ આહીર, અભેસિંહ રાઠોડ, ફરિદાબેન મિર અને બિહારીભાઇ ગઢવી લોકકલા પીરસશે. આ કલાકારોને બેંજો વાદક મુકુંદભાઈ જાનીનો સહયોગ પણ પ્રાપ્ત થશે.

આ જ રીતે તા. ૯ ને રવિવારે રાત્રે ૮ વાગ્યે યોજાએલ હસાયરામાં સાઇરામ દવે, ધીરુભાઈ સરવૈયા, સુખદેવ ધામેલિયા, ગુણવંતભાઈ ચુડાસમા અને સાથી કલાકારો સૌને પેટ પકડીને હસાવશે.

આ ત્રણેય કાર્યક્રમમાં શિલ્પા લાઈફ સ્ટાઈલ વાળા પ્રભુદાસભાઈ પારેખનો સહયોગ મળેલ છે.

આ કાર્યક્રમોની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, સ્મીતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, ઘનશ્યામભાઈ મારવાડી, સિતેશભાઈ ત્રાંબડીયા, નાથાભાઈ કાલરીયા, રાજેશભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરિયા, નટુભાઈ ઉકાણી, હેતલભાઈ રાજ્યગુરુ, એમ.જે.સોલંકી,  જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:38 pm IST)