Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લો-કોલેજ નિયમ મુજબ ? : ધગધગતો રિપોર્ટ

કાલે એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં રિપોર્ટ રજૂ થશે : અનેકવિધ ચર્ચા : વિવાદાસ્પદ કુલપતિ ગીરીશ ભીમાણીના નવા ગતકડાથી અનેક દાઝશે

રાજકોટ તા. ૫ : બી-ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત વિવાદમાં રહે છે ત્યારે આવતીકાલે યોજાનાર એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં પણ લો-કોલેજ પ્રશ્ને રચાયેલી કમિટિનો ધગધગતો રિપોર્ટ રજૂ થનાર હોવાનું જાણવા મળે છે. આ ધગધગતો રિપોર્ટ લો-કોલેજ સંલગ્ન અને યુનિવર્સિટી અને સત્તાધારી ભાજપ પક્ષ માટે ભારે ચર્ચાસ્પદ રહેવાની શકયતા પ્રવર્તે છે.

જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક ઠરાવ કરીને સૌરાષ્ટ્ર સંલગ્ન ૨૧ લો-કોલેજોમાં તપાસ કરી હતી. જેમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની જોગવાઇ મુજબ લો-કોલેજમાં પ્રિન્સીપાલ, લાઇબ્રેરીયન, મુટ કોટ, પ્રોફેસર, ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતની લાયકાત ધારા ધોરણ મુજબ છે ? તેની તપાસ કરવા ત્રણ સભ્યોની કમિટિ વિવાદાસ્પદ કુલપતિ ગીરીશ ભીમાણીએ રચી હતી.

ગીરીશ ભીમાણીને વિધાનસભાની ચૂંટણી સમયે નવા ગતકડા ન કરવા અનેક ભાજપના આગેવાનો અને જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું છતાં ભીમાણીએ કમિટિ રચી અને તેના ઉપર જ વિવાદનું ઠીકરૃં ફોડવાની નિતી અપનાવી છે. આવતીકાલે લો-કોલેજનો ધગધગતો રિપોર્ટ એકેડેમિક કાઉન્સીલમાં રજૂ થશે.

તપાસનીશ કમિટિએ શું વાસ્તવિક રિપોર્ટ આપ્યો હશે ? કમિટિનો ધગધગતો રિપોર્ટ કેટલાને દઝાડશે ? કમિટિના રિપોર્ટ બાદ યુનિવર્સિટી કેવા પગલા લેશે ? જો પગલા લે તો ૩ હજારથી વધુ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનનું શું ? ભાવી અધ્ધરતાલ બની જશે ?

(3:50 pm IST)