Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

રૈયાધારમાં લાઇટના બોર્ડ બાબતે પિતા-પુત્ર અને ફઇના દીકરા પર દર્શન સહિત ૪ શખ્‍સોનો હુમલો

કૈલાશ મહિડા અને દિવાન ખુરીયાને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા : દર્શન પંડયા સહિત ચાર સામે ગુનો

રાજકોટ,તા. ૫ : શહેરના રૈયાધાર પાણીના સંપ પાસે લાઇટનું બોર્ડ માગવા બાબતનો ખાર રાખી પિતા-પુત્ર અને કૌટુંબીકભાઇ પર ત્રણ શખ્‍સોએ પ્‍લાસ્‍ટીકનો પાઇપ અને વાયરથી મારમારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મુળ મધ્‍યપ્રદેશના જાંબુઆના બેડાવા ગામ હાલ રાજકોટ રૈયાધાર પાણીના સંપ પાસે ઝુંપડામાં રહેતા કૈલાશ રાયમલભાઇ મહિડા (ઉવ. ૨૦)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં દર્શન પંડયા તથા ત્રણ અજાણ્‍યા શખ્‍સો સામે ફરિયાદ નોંધાવી છે. કૈલાશે ફરિયાદમાં જણાવ્‍યુ છે કે, પોતે છેલ્લા પાંચ વર્ષથી શેઠ સાગરભાઇ ચંદુભાઇ સાવલીયા સાથે મજૂરી કામ કરે છે અને પોતાના ફઇનો દીકરો દિવાન લાલચંદભાઇ ભુરીયા પણ પોતાની સાથે જ રહે છે. પોતે જ્‍યાં કામ કરે છે ત્‍યાં દર્શન પંડયાએ ઇલેકટ્રીકનું કામ રાખેલ છે.

પરમ દિવસે પોતે રૈયાધાર પાણીના સંપ ખાતે છતમાં ટાચા મારવાનું કામ કરતો હતો. ત્‍યારે આ દર્શન પંડયા ત્‍યાં આવીને પોતાની પાસે લાઇટનું બોર્ડ માંગતા પોતે કહેલ કે ‘મારે ૧૦ મિનિટનું કામ છે હમણા આપી દવ' તેમ કહેતા દર્શન પોતાને ગાળો દેવા લાગ્‍યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો ભેગા થતા બંનેને સમજાવતા બંને પોત પોતાના કામ પર લાગી ગયા હતા. બાદ રાત્રે પોતે બાથરૂમ  કરવા ગયો ત્‍યારે દર્શન પંડ્‍યા તેનો પાર્ટનર મેહુલ અને બીજા ત્રણ અજાણ્‍યા શખ્‍સો પોતાના ઝુપડે ઘસી આવ્‍યા હતા. દર્શને પોતાના પિતાને પુછેલ કે, કૈલાશ કયાં છે, એને બોલાવો' તેમ કહેતા પિતાએ કહેલ કે ‘કૈલાશ ઘરે નથી, શું કામ છે' તેમ કહેતા દર્શન પંડયા પોતાના પિતા અને કૌટુંબીક ભાઇ દિવાન સાથે માથાકૂટ કરી પિતાને એક પથ્‍થર મારી દીધી હતી અને કૌટુંબીકભાઇ દિવાનને ઇલેકટ્રીક વાયર અને પ્‍લાસ્‍ટીકના પાઇપ વડે મારમાર્યો હતો. દરમ્‍યાન પોતે બાથરૂમ કરી ઝુપડે પરત આવતો હતો. ત્‍યારે પિતા અને કૌટુંબીક ભાઇને મારમારતા જોઇ ગભરાઇને નજીકમાં જ સંતાઇ ગયો હતો. આ ચારેય શખ્‍સો પોતાને આજુબાજુના ઝુપડામાં શોધતા હતા. પોતે ત્‍યાં જ સંતાઇ રહ્યો હતો. બાદ પોતાના શેઠ સાગરભાઇ ત્‍યાં આવી જતા તેણે પોતાને ફોન કરીને કહેલ કે,‘તું આવી જા અને દર્શનની માફી માંગી લે અને સમાધાન કરી નાખ તેમ જણાવતા પોતે ઝુપડા પાસે જતા દર્શન પંડયા તથા તેની સાથે ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ પ્‍લાસ્‍ટીકના પાઇપ અને ઇલેકટ્રીક વાયર વડે મારમાર્યો હતો બાદ ચારેય ત્‍યાંથી નાશી ગયા હતા. બાદ પોતાને તથા પિતા અને ફઇના દીકરા દિવાનને સારવાર માટે ૧૦૮ મારફતે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પોતે યુનિવર્સિટી પોલીસ મથકમાં દર્શન સહિત ચાર શખ્‍સો સામે ફરિયાદ નોંધાવતા હેડ કોન્‍સ. એન.એમ.કણઝારીયાએ તપાસ હાથ ધરી છે.

(4:04 pm IST)