Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વીરપુરવાળા તમારી ધુન લાગી... રઘુવંશી રાસોત્સવમાં ખેલૈયાઓ મનભરીને ઝૂમ્યા : આજે મેગા ફાઇનલ

રાજકોટ : નવમા નોરતે અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવમાં રઘુવંશી સમાજ ઉમટી પડ્યો હતો. અર્વાચીન દાંડિયારાસના ઇતિહાસના પ્રથમ વખત સિઝન પાસ લેનાર ખેલૈયાઓને પણ ગિફટ આપી નવાજવામાં આવ્યા હતા. રઘુવંશી સમાજ કે જે રઘુવંશ શિરોમણી ભગવાન રામચંદ્રજીના વંશજી મનાય છે. તેમના દ્વારા પણ દોઢ સો ફુટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે શસ્ત્ર પુજા મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલો. છેલ્લો નોરતે રઘુવંશી ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. જ્યારે મેડ મ્યુઝિકના સથવારે ખેલૈયાઓએ પ્રથમ ફોર સ્ટેપ ત્યારબાદ સિકસ સ્ટેપ, ત્યાર પછી ટીટોડો, ટપો, ડાકલા અને છેલ્લે ફ્રી સ્ટાઇલ ઝૂમી ઉઠ્યા હતા અને આજે તો વીરપુરવાળા તમારી ધૂન લાગી ગીત વાગતા જ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઇંધણા વીણવી ગઇ તી..., પરી હૂં મે..., માઇ તેરી ચુનરીયા લહેરાઇ, ફુલ ગજરો રે મારો હીર ગજરો રે... ગીતો ગાઇ ખુશી બદિયાણી, જયોત્સનાબેન રાયચુરા, શ્રધ્ધા ખખ્ખરે રઘુવંશી ખેલૈયાઓને થીરકવા પર મજબૂર કરી દીધા હતા. અત્યાર સુધી જે પ્રિન્સ-પ્રિન્સેસ થયા છે તેનો ફાઇનલ આજે યોજાશે. સૌથી છેલ્લે વંદે માતરમ સ્ટેપ એટલે કે રાજકોટ દરેક ખેલૈયાનો મનપસંદ સ્ટેપ રમી દેશભકિતના રંગમાં રંગાયા હતા. સંપૂર્ણ પારિવારિક માહોલ અને સલામતી સુરક્ષાના સજ્જડ આયોજન ઉપરાંત ખ્યાતનામ ઓરકેસ્ટ્રા મેડ મ્યુઝિકના સથવારે જાણીતા ગાયકવૃંદ અને રોશનીના ઝળહળાટ વચ્ચે રઘુવંશી ખેલૈયાઓએ અવનવા સ્ટેમ રમી મા જગદંબાની આરાધના કરી હતી. જો કે, આઠમા નોરતે ગાયકોએ જુના ફિલ્મી ગીતો હોગા તુમસે પ્યારા કોન, ચુરા લિયા હૈ તુમને જો દિલ કો સહિતના ગીતો ગાઇ ખેલૈયાઓને મોજ કરાવી દીધી હતી. રઘુવંશી ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા આયોજકો દ્વારા વેલડ્રેસ તથા પ્રિન્સ-પ્રિન્સેસને ઇનામો આપવામાં આવ્યા હતા. જેમાં ફર્સ્ટ પ્રિન્સ તરીકે દર્શિત નથવાણી, પ્રિન્સેસમાં અંજલી કોટક, વેલડ્રેસ ગર્લ્સમાં માનસી પટાણી, જ્યારે જુનિયમ ખેલૈયામાં ફર્સ્ટ પ્રિન્સ તરીકે દેવાંગ સોમૈયા, ગર્લ્સમાં નિધિ સોમૈયા, વેલડ્રેસ જુનિયર બોયઝમાં હેનીલ અઢીયા, વેલડ્રેસ જુનિયર ગર્લ્સમાં થૈયા પંડિત સહિતના ખેલૈયાઓને લાખેણા ઇનામો આપી ખેલૈયાઓને નવાજવામાં આવ્યા હતા. રઘુવંશી પરિવાર રાસોત્સવમાં દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના માવતરે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ અને ડીડીઓ દેવ ચૌધરી, વોર્ડ નં. ૭ના કોર્પોરેટર અને વોટર વકર્સ સમિતિના ચેરમેન દેવાંગભાઇ માંકડ, પીજીવીસીએલના ચીફ ઇન્જિનિયર ધારા ધવલભાઇ કારીયા પરિવાર સાથે, આન હોન્ડાના નીતિનભાઇ રાયચુરા સહપરિવાર, અનંતભાઇ ચાવાળા ગ્રુપના મનોજભાઇ અનડકટ, રઘુવંશી મહિલા અગ્રણી અને ભૂતપૂર્વ ડે.મેયર જશુમતીબેન વસાણી, રઘુવંશી અગ્રણી અને જલારામ રઘુકુળ હોસ્પિટલના ટ્રસ્ટી શૈલેષભાઇ પાબારી તેમના ધર્મપત્ની ભારતીબેન પાબારી પુત્રી પ્રિયાંશીબેન પાબારી, મોટેલ ધ વીલેજના માલિક રચીતભાઇ, શિક્ષણ સમિતિના સદસ્ય કિરીટભાઇ ગોહીલ, રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી મંગલભાઇ દાસાણી, નિલમ ચા વાળા રાજેશભાઇ દાવડા, એચ.એમ.એન્ટરપ્રાઇઝના પંકજભાઇ ગણાત્રા (બાબુજી) પરિવાર સાથે સહિતના મહાનુભાવોએ રાસોત્સવની શોભા વધારી હતી. રઘુવંશી રાસોત્વને સફળ બનાવવા પરેશભાઇ વિઠલાણીની આગેવાની હેઠળ આ રાસોત્સવને સફળ બનાવવા પ્રતાપભાઇ કોટક, રાજુભાઇ રૂપમ (મામા), શૈલેષભાઇ પાબારી (એસપી), હસુભાઇ ભગદેવ, રાકેશભાઇ પોપટ, પ્રકાશભાઇ સોમૈયા, કૌશિકભાઇ માનસાતા, બલરામભાઇ કારીયા, જતીનભાઇ દક્ષિણી, ધર્મેશભાઇ વસંત, ઉમેશ સેદાણી તેમજ મહિલા સમિતિના શીતલબેન બુધ્ધદેવ, શિલ્પાબેન પુજારા, તરૂબેન ચંદારાણા, મનીષાબેન ભગદેવ, પ્રિતીબેન પાંઉ, બિજલબેન ચંદારાણા, રત્નાબેન સેજપાલ જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(4:38 pm IST)