Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

મેટોડામાં રૂમમાં ગેસ લિકેજથી આગઃ પાંચ દાઝ્‍યા

રાતભર ગેસ લિક થઇ રૂમમાં ભરાયોઃ સવારે એક મજૂરે બીડી સળગાવતાં જ ભડકો થયોઃ મુળ યુપીના પાંચેય યુવાનો મેટોડા મેકપાવર કંપનીમાં નોકરી કરે છેઃ પાંચેય ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યા

જ્‍યાં બનાવ બન્‍યો તે સ્‍થળ જોઇ શકાય છે (ફોટોઃ જીતુપરી ગોસાઇ)

મેટોડા ગેઇટ નંબર રમાં રૂમ ભાડે રાખીને રહેતાં મુળ ઉત્તરપ્રદેશના પાંચ યુવાનો સવારે રૂમમાં ગેસ લિકેજને કારણે આગ ભભૂકતાં ગંભીર રીતે દાઝી જતાં રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. તસ્‍વીરમાં  રાજકોટ ખસેડાયેલા દાઝેલા મજૂરો અને ઘટના સ્‍થળે રૂમમાં ગેસનો બાટલો અને સળગી ગયેલો સામાન નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૩: લોધીકાના મેટોડામાં ગેઇટ નંબર બેમાં આવેલા ત્રણ માળના ૪૦ ઓરડી તરીકે ઓળખાતા બિલ્‍ડીંગના એક રૂમમાં સવારે આગ ભભૂકતાં અંદર સુતેલા મુળ ઉત્તરપ્રદેશના પાંચ મજૂરો ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. રાતભર રાંધણગેસના બાટલામાંથી ગેસ લીક થઇ રૂમમાં ભરાયો હતો અને સવારે એક મજૂરે જાગીને બીડી સળગાવતાં જ ભડકો થતાં આગ ભભૂકી ઉઠતાં દેકારો મચી ગયો હતો. લોકો ભેગા થઇ ગયા હતાં અને આગ બુઝાવવા પ્રયાસ કરી ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

જે પાંચ યુવાનો દાઝી ગયા છે તેના નામ કમલેશ રાજુશ્‍યામ શેખવાર  (ઉ.વ.૨૦), રોહિત હરિશંકર શેખવાર (ઉ.૨૦), મંગલીપ્રસાદ શ્રીશ્‍યામલાલ શેખવાર (ઉ.૪૦), મયંક રામલખન શેખવાર (ઉ.૨૨) તથા ઉમાશંકર રામલાલ શેખવાર (ઉ.૨૨) મેટોડા ગેઇટ નંબર ૨માં આવેલા બિલ્‍ડીંગમાં રૂમ ભાડે રાખીને રહે છે. મુળ યુપીના આ પાંચેય યુવાનો પંદરેક દિવસ પહેલા જ મેટોડા ગેઇટ નંબર એકમાં આવેલી મેકપાવ કંપનીમાં નોકરીએ રહ્યા છે.

રાતે નોકરી પરથી પોતાના રૂમ પર પાંચેય આવ્‍યા હતાં અને રસોઇ બનાવી જમીને સુઇ ગયા હતાં. ગેસનો બાટલો બંધ કરવાનું ભુલાઇ જતાં રૂમમાં આખી રાખી ધીમે ધીમે લિકેજ થયેલો ગેસ ભરાઇ ગયો હતો અને સવારે પાંચ પૈકીના મયંકે જાગીને બીડી સળગાવતાં જ ભડકો થયો હતો. આગ ભભૂકતા આસપાસના રહેવાસીઓ ભેગા થઇ ગયા હતાં. રૂમમાંથી ચીસો પાડતાં સળગતી હાલતમાં મજૂરો દોટ મુકી બહાર ભાગ્‍યા હતાં. લોકોએ પોતાની રીતે આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો. તેમજ ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી.

પાંચેય ગંભીર રીતે દાઝી ગયા હોઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ૧૦૮ મારફત ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. ૧૦૮ પહોંચી એ પહેલા દાઝેલા મજૂરો કણસતી હાલતમાં રોડ પર બેસી રહ્યા હતાં.

(11:40 am IST)