Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

મત ગણતરી સંદર્ભે કલેકટર દ્વારા ૮મી સુધી પ્રતિબંધાત્‍મક હુકમો જાહેર

રાજકોટ તા. ૫ : વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ અન્‍વયે રાજકોટ જિલ્લાનાં તમામ વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી તા. ૮ ડીસેમ્‍બરના રોજ સરકારી એન્‍જીનીયરીંગ કોલેજ,મવડી- કણકોટ રોડ, કૃષ્‍ણનગર પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે થવાની છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઇ શકે, મતગણતરી દરમ્‍યાન કોઈપણ વ્‍યકિત ખલેલ પહોંચાડે નહી તથા મતગણતરી સ્‍થળે વ્‍યવસ્‍થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે રાજકોટ જિલ્લા મેજિસ્‍ટ્રેટ શ્રી અરૂણ મહેશ બાબુ દ્વારા મતગણતરી કેન્‍દ્ર આસપાસના વિસ્‍તારમાં તા. ૮સુધી મતગણતરી પૂર્ણ થતાં સુધીના સમય દરમ્‍યાન હુકમો ફરમાવવામાં આવ્‍યા છે.

કોઈપણ વ્‍યક્‍તિ સક્ષમ અધિકારી તરફથી ઈસ્‍યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્‍દ્રમાં દાખલ થઈ શકશે નહી તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરવાના રહેશે. મતગણતરી કેન્‍દ્રની આસપાસના ૨૦૦ મીટર વિસ્‍તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્‍યા સિવાય ચાર કરતાં વધુ વ્‍યક્‍તિઓ એકત્રિત થઈ શકશે નહી અથવા કોઈ સભા કરી શકશે નહી કે કોઈ સરઘસ કાઢી શકશે નહી.

કોઈપણ વ્‍યકિત કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્‍ટ તેમજ મતગણતરી એજન્‍ટ સહિતના કોઈપણ વ્‍યકિત મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્‍દ્રની કમ્‍પાઉન્‍ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્‍યવહારના અન્‍ય કોઈ ઉપકરણો લઈ જઈ શકશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી. ઉમેદવાર, તેમના ચૂંટલી એજન્‍ટ કે તેમના મતગણતરી એજન્‍ટ કે જેમને જે વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્‍યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્‍ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં.

મતગણતરી ફરજ પર નિયુકત અધિકારીશ્રીઓ / કર્મચારીશ્રીઓ તથા આવશ્‍યક સેવાઓના કામે રોકાયેલા વ્‍યક્‍તિઓને મતગણતરી સ્‍થળમાં પ્રવેશ માટેના પાસ ઈસ્‍યુ કરવા માટે વિધાનસભા મતદાર વિભાગના સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને તેમના વિધાનસભા મતદાર વિભાગ માટેના પાસ તથા સમગ્ર મતગણતરી કેન્‍દ્રમાં પ્રવેશ માટેના પાસ આપવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, રાજકોટને અધિકૃત કરવામાં આવેલ છે. મતગણતરી કેન્‍દ્ર પર સક્ષમ અધિકારીશ્રીએ નકકી કરેલ પાર્કીંગ સ્‍થળે જ વાહન પાર્કીંગ કરવાનું રહેશે.

મતગણતરી તેમજ મતગણતરી સંચાલન અંગેની ફરજ જે અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને સોપવામાં આવેલ છે, તે તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ તેમજ ભારતના ચૂંટણી પંચ તરફથી મંજુરી આપવામાં આવેલ હોય, એક્રેડીશન ધરાવતા હોય તેમજ સક્ષમ સતાધિકારીએ મતગણતરી કેન્‍દ્રમાં પરવાનગી આપેલ હોય તેવા પત્રકારો મતગણતરી કેન્‍દ્રના ફકત મીડીયા સેન્‍ટર સુધી જ મોબાઈલ લઈ જઈ શકશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

(11:28 am IST)