Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

છેલ્લા સપ્‍તાહમાં શરદી - ઉધરસ - સામાન્‍ય તાવ - ઝાડા - ઉલ્‍ટીના ૩૦૦થી વધુ કેસ

શહેરમાં રોગચાળાનો ફુંફાડો : મનપા તંત્રના ચોપડે મેલેરિયા, ડેન્‍ગ્‍યુ તથા ચિકનગુનિયાના ૧૪ દર્દી નોંધાયા : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૫૧૯ને નોટીસ

રાજકોટ તા. ૫ : શહેરમાં કેટલાક દિવસોથી ફુલ ગુલાબી ઠંડી શરૂ થઇ છે ત્‍યારે મચ્‍છરજન્‍ય રોગચાળો અટકવાનું નામ લેતો નથી. છેલ્લા સપ્‍તાહમાં ડેન્‍ગ્‍યુ, મેલેરિયા તથા ચિકનગુનિયાના ૧૪ કેસ નોંધાયા છે. જ્‍યારે શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્‍ટી તથા સામાન્‍ય તાવના ૩૧૫ દર્દીઓ મનપા તંત્રના ચોપડે નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૨૮ નવેમ્‍બરથી ૪ ડિસેમ્‍બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છજન્‍ય રોગચાળાના ૧૪ કેસ

અઠવાડિયામાં મેલેરિયાના ૧, ડેન્‍ગ્‍યુના ૧૨ તથા ચિકનગુનિયાના ૧ કેસ નોંધાયા છે. જયારે સીઝનમાં  મેલેરિયાના ૪૭, ડેન્‍ગ્‍યુના ૨૪૭ તથા ચિકનગુનિયાના ૨૭ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૩૧૫ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૨૧૨ તેમજ સામાન્‍ય તાવના ૪૩ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૬૦ સહિત કુલ ૩૧૫ દર્દીઓ નોંધાયા હતા.

જ્‍યારે ૧ જાન્‍યુઆરી ૨૦૨૨ સુધીના વર્ષમાં શરદી-ઉધરસના ૧૩,૫૨૫ કેસ, સામાન્‍ય તાવના ૪૫૧૦ તથા ઝાડા-ઉલ્‍ટીના ૩૮૪૯ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ  સબબ ૩૧૫ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૫૦,૩૪૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૪૭૦ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૫૧૯ લોકોને નોટીસ પાઠવી છે.

(3:38 pm IST)