Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

પ્રમુખમાર્ગઃ ભગવાનનું નિવાસસ્થાન

પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી લેખમાળા

વનવાસમાં અયોધ્યાવાસી વારંવાર પોતાને મળવા ન આવે તે હેતુથી ભગવાન શ્રીરામ ચિત્રકૂટ પર્વત પર આવી પહોંચ્યા. તુલસીદાસજી જણાવે છે કે અહીં ભગવાન શ્રીરામને મુનિવર્ય વાલ્મીકી મળ્યા. તે સમયે ભગવાન શ્રીરામે પૂછ્યું  'હે મુનિવર્ય! એવું સ્થાન બતાવો કે જેમાં હું કુટિર રચી સીતા તથા લક્ષ્મણ સાથે સુખેથી રહું.' આ સાંભળતા જ મુનિ વાલ્મીકી ભગવાનનાં મનુષ્યચરિત્ર જોતા મલકાયા. તેમણે કહ્યું 'ભગવાન! આપ આ મનુષ્ય જેવો વ્યવહાર કરો છો. આપ કયાં નથી તે કહો. તેમ છતાંય આપ પૂછો છો તેથી કહું છું કે આપ કયાં નિવાસ કરો'

આ વાત કર્યા પછી મુનિ વાલ્મીકીજીએ ભગવાનના નિવાસની જે ઊંડાણભરી વાત કરી તે ગોસ્વામી તુલસીદાસજીએ પંદર ચોપાઈ તથા ચાર દોહા દ્વારા વિગતવાર જણાવી છે.

તુલસીદાસજીએ ભગવાનના આ ધરતી પરના નિવાસની વાત નથી કરી પણ કોના અંતરમાં, કેવા હૃદયમાં, કેવી વ્યકિતમાં ભગવાન કાયમ નિવાસ કરે છે તે જણાવ્યું છે. સંતોમાં, ભકતોમાં ભગવાનનો કાયમી નિવાસ હોય છે કારણ કે તેમનું જીવન પરમ શુદ્ઘ, પરમપવિત્ર હોય છે.

પહેલું લક્ષણ મુનિ વાલ્મિકી જણાવે છે

સુનહુ રામ અબ કહઉર્ં નિકેતા । જહાં બસહુ સિય લખન સમેતા ।।

જિન્હ કે શ્રવણ સમુદ્ર સમાના, કથા તુમ્હારિ સુભગ સરિ નાના ।।

હે રામજી! સાંભળો, હવે હું એ સ્થાન બતાવું છું જયાં આપ સીતાજી તથા લક્ષ્મણજી સહિત નિવાસ કરો. જેમના કાન સમુદ્રની જેમ આપની સુંદર કથારૃપી નદીઓથી નિરંતર ભરાતા રહે છે. જે (કથાથી) કયારેય તૃપ્ત નથી થતા. (તેવા પુરૃષનું અંતર આપનું સુંદર દ્યર બની રહે છે.)

પ્રમુખસ્વામી મહારાજનું જીવન જોતા આ શબ્દો સાકારસ્વરૃપે દેખાય છે

તા.૧૭-૦૮-૧૯૮૮ના દિવસે અમેરિકાના સાનફ્રાન્સીસ્કો શહેરમાં પ્રમોદભાઈ પટેલ નામના એક હરિભકતને ત્યાં પ્રમુખસ્વામી મહારાજનું રોકાણ હતું. આજના દિવસે નિત્ય નિયમ મુજબ તેઓએ અલ્પાહાર બાદ પ્રાતઃકથાનો સવારે ૯ વાગ્યાથી આરંભ તો કર્યો પરંતુ વચનામૃત ગ્રંથ ઉપરના નિરૃપણની અવધિ છેક બપોરે ૧૨:૩૦ વાગ્યે. આવી સતત સાડા ત્રણ કલાક કથા કરી ત્યારબાદ સૌ મધ્યાહન ભોજન લેવા પધાર્યા. ભોજન પૂર્ણ થતા જ પ્રમુખસ્વામી મહારાજે ફરીવાર કથા વાંચવાની આજ્ઞા કરી સેવક સંતે કહ્યું 'હમણાં જ તો કથા પૂરી કરીને જમ્યા હવે શું વાંચવું?' ત્યારે ભગવત્કથામાં આસકત એવા પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યું 'એ અમારી કથા હતી હવે તમારી કથા. કથા તો આપણું જીવન છે. આત્માનો ખોરાક લઈ લેવો પડે'

પ્રમુખસ્વામી મહારાજને ભગવત્કથાની એવી લગ્ની હતી કે તેઓને પોતાના ભ્રમણ (ષ્ર્ીશ્રત્ત્જ્ઞ્ઁિં), ભોજન અને માંદગી જેવા સમયમાં પણ હંમેશા કથા શ્રવણમાં તલ્લીન રહેતા અનેકવાર અનેક લોકોએ જોયા છે.

વાલ્મીકી શ્રીરામના નિવાસનું બીજું સ્થાન બતાવતા કહે છેઃ ભોચન ચાહક જિન્હ કરિ રાખે। રહહિં દરસ જલધર અભિલાષે।। અર્થાત્ જેમના નેત્રો આપના દર્શન માટે ચાતકની જેમ લલચાયેલા હોય છે.

તા.૧૦-૦૮-૧૯૮૯ના દિવસે પ્રમુખસ્વામી મહારાજ નડિયાદ ખાતે વિચરણમાં હતા. આજના દિવસે તેઓનું સ્વાસ્થ્ય થોડું વધું નાદુરસ્ત હતું. તેઓએ મંદિરે ઠાકોરજીના દર્શને જવાની રઢ લીધેલી. સેવક સંતો કહે 'બિમાર છો તેથી આજે ન જાવ તો સારૃં' પ્રમુખસ્વામી મહારાજે આ પ્રસ્તાવ કાને ન ધર્યો. તેઓ દર્શને પહોંચ્યા જ. પાછા વળતા તેઓ કહે 'સભામાં જઈ આવીએ.' સેવક સંતો કહે 'આજે નહીં આવો તો ચાલશે.' ત્યારે ભગવત્ભકિતમાં આતુર તેઓ થોડા આકળા થઈ બોલ્યાઃ 'તમે મને હરિભકતોને મળવાની ના પાડો, ઠાકોરજીના દર્શનની ના પાડે તો મારે જીવવું કેમ'' એકવાર અમદાવાદમાં વરસતા વરસાદ વચ્ચે પણ નાદુરસ્ત સ્વાસ્થ્ય સાથે તેઓ ઠાકોરજીના દર્શને પધારેલા.

વાલ્મીકી ઋષિ ત્રીજું સ્થાન બતાવતા કહે છેઃ સબ કે પ્રિય સબ કે હિતકારી । જેઓ દરેકનું હિત કરનાર છે અને એટલે જ દરેકને પ્રિય છે. તેવા વ્યકિત ભગવાનનું નિવાસસ્થાન છે.

પ્રમુખસ્વામી મહારાજને જોતા અનેકની આ અનુભૂતિ રહી છે દરેકનું ભલું કરવું એ તેઓનો જીવનમંત્ર હતો. ઇ.સ.૧૯૮૫માં એકવાર સંતોએ પ્રમુખસ્વામી મહારાજને પૂછ્યુ 'આપને કયો વિચાર અખંડ રહે છે?' 'ભગવાનનો' પછી તરત જ તેઓએ સંતોને કહ્યું 'કયો વિચાર કયારેય નથી આવ્યો તે કહુ?' કોઈનું અહિત થાય તેવો વિચાર કયારેય નથી આવ્યો. સદાય હિતના જ વિચાર આવે છે.

વાલ્મીકીજીનું રામનું નિવાસ સ્થાન જણાવતા આગળ કહે છેઃ જિન્હ કેં કપટ દંભ નહિં માયા, તિન્હ કેં હૃદય બસહુ રઘુરાયા। અર્થાત્ જેનામાં કપટ, દંભ અને માયા નથી તેના હૃદયમાં આપ(રામ) નિવાસ કરે છે.

ન હોય તે બતાવી પ્રસિદ્ઘિ કરવાની ઘેલછા માણસમાત્રને વળગેલી હોય છે. મહાનુપુરુષો આવી ખોખલી પ્રસિદ્ઘિથી દૂર રહે છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં કયારેય કોઈ દંભીલો ડોળ જોવા મળ્યો નથી. જે જેમ હોય તેમ જ રજૂ કરવાની સો ટચની સચ્ચાઈ એ તેઓની જીવનશૈલી હતી. કોઈ અંધ વ્યકિત પણ તેઓના વ્યકિતત્વની પારદર્શકતાને જોઈ-જાણી શકે તેવું નિર્દભપણું એ પ્રમુખસ્વામી મહારાજની સ્વાભાવિક ઓળખાણ હતી.

એકવાર તેઓ સમક્ષ એક પુસ્તક વંચાઈ રહેલું જેમાં તેઓની જ સમત્વ ભાવનાનો એક પ્રસંગ વંચાયો કે ઇ.સ. ૧૯૯૪માં દિલ્હી ખાતે સંસ્થાનું પ્રથમ મંદિર થયું ત્યારે તે ઉત્સવમાં પ્રમુખસ્વામી મહારાજે સંતોને પૂછ્યું કે 'ધનજી કેમ દેખાયો નથી?'

આ પ્રસંગ વર્ણવીને અંતે લેખકે પ્રસંગની ગુણગરિમા જણાવતા લખેલું કે 'એક તરફ ઉત્સવમાં દિલ્હીના મોટા માંધાતાઓ પ્રમુખસ્વામી મહારાજને મળી રહ્યા હતા ત્યારે બીજી તરફ તેઓ સુરેન્દ્રનગરના એક દેવીપૂજક ધનજીને યાદ કરી રહ્યા હતા.'

આ સાંભળતા જ પ્રમુખસ્વામી મહારાજે સહજ રીતે સ્પષ્ટતા કરી કે 'એ તો આપણે સુરેન્દ્રનગરનું એનું મકાન લેવાનું હતુ તેથી બોલાવ્યો હતો' અંતર અત્યંત નિર્મળ અને નિર્દંભ હોય ત્યારે જ આવો ઘટસ્ફોટ થઈ શકે.

અખંડ ભગવત્મય અને સર્વજનોના સેવામય મહાપુરૃષો ભગવાનનું નિવાસસ્થાન છે આવી વાત તુલસીદાસજીએ આ પ્રસંગે જણાવી છે તે પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાપુરૃષોમાં મૂર્તિમાન જણાય છે.

'રામાયણ' શબ્દનો સંસ્કૃત ભાષા પ્રમાણે એક અર્થ થાય છે.  રામસ્ય અયનમ્ એટલે ભગવાન શ્રીરામનું ભુવન અથવા ઘર. પ્રમુખસ્વામી મહારાજ ભગવાનનું ભુવન હતા. રામાયણને જીવનમાં મૂર્તિમાન અનુભવવા માટે તેઓના માર્ગે ચાલવું તે જ જીવનનો પ્રમુખમાર્ગ છે

સાધુ નારાયણમુનિદાસ

(3:59 pm IST)