Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ગોપાલનગરમાં સામુ જોવા બાબતે કારખાનેદાર બંધુ પર ૮ શખ્સોનો હૂમલો

રાજદીપસિંહ જાડેજાની ભકિતનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. પ :.. શહેરના કોઠારીયા રોડ ગોપાલનગરમાં સામુ જોવા બાબતે કારખાનેદાર બંધુ પર આઠ શખ્સોએ છરી વડે હૂમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોપાલનગર મેઇન રોડ પર શ્રમજીવી સોસાયટી શેરી નં. ૬ માં રહેતા રાજદીપસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.રપ) એ ભકિતનગર પોલીસ મથકમાં દુષ્યંતસિંહ જાડેજા, કૃષ્ણસિંહ, રાજભા, અજયસિંહ અને દશુભા સામે ફરીયાદ નોંધાવી છે. રાજદીપસિંહએ ફરીયાદમાં જણાવ્યું છે. પોતે કારખાનુ ધરાવે છે. રાત્રે પોતે ઘરે હતાં. ત્યારે મોટાભાઇ જયદીપસિંહ ઘરની બહાર રોડ પર ગોપાલનગર શેરી નં. ૪ના ખૂણે ઉભા હતા ત્યારે તેની સામે દુષ્યંતસિંહ જાડેજા (ઉ.વ.આશરે ૩પ) ઉભો હતો. અને તેણે મોટાભાઇ જયદીપસિંહને કહેલ કે, 'અહી ઉભા ઉભા મારી સામુ કે જોવો છો' તેમ કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થતા અને ત્યાં માણસોનું ટોળુ ભેગુ થઇ ગયુ હતું. તેની જાણ થતા પોતે ત્યાં જતાં દુષ્યંતસિંહ તેનો ભાઇ કૃષ્ણસિંહને ફોન કરી જાણ કરતા તેઓ પાંચથી સાત શખ્સો ત્યાં આવી ગયા હતા જેમાં કૃષ્ણસિંહ, રાજભા, અન્યસિંહ, દશુભા અને ત્રણ અજાણ્યા હતાં. જેમાં કૃષ્ણસિંહ ઉશ્કેરાઇ જઇ છરી વડે હૂમલો કરી પોતાના ડાબા હાથમાં ઇજા કરી હતી અને મોટાભાઇ જયદીપસિંહને ઢીકાપાટુનો માર માર્યો હતો.

આ બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. આ બનાવની જાણ થતા ભકિતનગર પોલીસે સ્થળ પર પહોંચી રાજદીપસિંહ જાડેજાની ફરીયાદ પરથી આઠ શખ્સો વિરૃધ્ધ ગુનો દાખલ કરી પી. એસ. આઇ. આર. કે. સામુદ્રાએ તપાસ હાથ ધરી છે.

(4:33 pm IST)