Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્‍વામીની કાલે ૩૫મી પુણ્‍યતિથિ : કાલે ગુરુકુલમાં સ્‍મૃતિરૂપ કાર્યક્રમો

૧૯૪૮માં સ્‍વામીજીએ સ્‍થાયેલ ગુરુકુલનું બીજ આજે વટવૃક્ષ

રાજકોટ,તા. ૬: આજે દેશ અને દુનિયામાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટનો સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે ડંકો વાગે છે તે ગુરુકુલના પાયાના પથ્‍થરસમા, ગુરુકુલ ગંગોત્રીને પુનઃજીવીત કરનાર, સ્‍પષ્ટવક્‍તા, પરોપકારી સંત, જીવનથી જીવન ઘડનાર સદ્‌વિદ્યા સદ્ધર્મરક્ષક સદ્‌ગુરુ શાસ્ત્રી સ્‍વામી ધર્મજીવનદાસજીની મહા વદ-૨ના રોજ  આવતીકાલે ૩૫મી પુણ્‍યતિથિ છે.

અમરેલી જિલ્લાના નાના એવા તરવડા ગામે લાખાણી પરિવારમાં જન્‍મ પૂર્વાશ્રમનું નામ અરજણ. પૂ. બાલમુકુંદસ્‍વામીના યોગમાં આવ્‍યા અને વૈરાગ્‍યને વેગ મળ્‍યો. અને સં. ૧૯૭૩ના ભાદરવા વદી-૫ના રોજ વડતાલવાસી આચાર્ય મહારાજશ્રી પ્રતિપ્રસાદજીએ સારંગપુરમાં દીક્ષા આપી અને નામ આપ્‍યું ધર્મજીવનદાસ. સ્‍વામીના ગુરુ પુરાણી ગોપીનાથજી સ્‍વામી સંસ્‍કૃતના પ્રખર પંડિત અને ઉત્તમ વક્‍તા હતા તેમના ગુણ તેમનામાં ઉતર્યા.શાષાીજી મહારાજ ખૂબ જ વ્‍યવહારકુશળ અને સેવાભાવી હતા. તેમની કાર્યશૈલી જોઈ સં. ૨૦૦૦માં જૂનાગઢ મંદિરના મુખ્‍ય કોઠારી તરીકે નિમણૂક થઈ અને ૨૦૦૧માં અભૂતપૂર્વ ૨૧ દિવસનો જૂનાગઢમાં મહોત્‍સવ કર્યો. આ મહોત્‍સવમાં સાધુ-સંતો, મહાનુભાવો, મુમુક્ષુ હરિભક્‍તો વિશાળ સંખ્‍યામાં પધાર્યા હતા. જૂનાગઢના નવાબે પણ પોતાનો રાજીપો વ્‍યકત કરેલ. જેને કારણે ચાર ચાંદ લાગી ગયા. મહોત્‍સવ બાદ સ્‍વામી હિમાલયથી પગપાળા યાત્રાએ ગયા. રસ્‍તામાં દેવપ્રયાગ-રુદ્રપ્રયાગ પાસે એક પર્ણકૂટીના પ્રાંગણમાં વૃક્ષ તળે એક ઋષિ મહાત્‍મા આઠ-દશ શિષ્‍યોને અભ્‍યાસ કરાવતા હતા. આ જોઈ સ્‍વામીને પણ આવું કંઈક કરવાની જિજ્ઞાસા થઈ. રાજકોટ આવી કવિવર ત્રિભુવનભાઈ વ્‍યાસ સાથે ચર્ચા કરી પોતાની ઈચ્‍છા પ્રગટ કરી અને સુંદર વિચારમાં સુગંધ ભળી અને બંનેના સંકલ્‍પો મજબૂત થયાં. જેના ફળ સ્‍વરૂપે ઈ.સ. ૧૯૪૮માં સાત વિદ્યાર્થીઓથી શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટની શરૂઆત કરી. ત્‍યારબાદ ઈ.સ. ૧૯૬૩માં જૂનાગઢમાં અને ઈ.સ. ૧૯૭૭માં મેમનગર અમદાવાદમાં ગુરુકુલની શાખા શરૂ કરી.સ્‍વામીજીએ સ્‍વામિનારાયણ સંપ્રદાયમાં અનેક અવનવા આયોજનો આપી અમર બની ગયા. જપયજ્ઞો, બ્રહ્મસત્રો, જ્ઞાનસત્રો, સત્‍સંગ સાધના શિબિરો, કિશાન સ્‍પેશ્‍યલ ચારધામ યાત્રા ટ્રેઈનો, વેદપારાયણો, મંદિરોના નિર્માણો, જીર્ણોદ્ધાર, નેત્રયજ્ઞો, દંતયજ્ઞો, સર્વરોગ નિદાન કેમ્‍પો, વ્‍યસન મુક્‍તિ ઝુંબેશ વગેરે ગોઠવી સેવાકીય પ્રવૃત્તિ કરી. તો વાવાઝોડા, અતિવૃષ્ટિ, દુકાળ સમયે તાત્‍કાલિક રાહત પહોંચાડી સમાજને ઉપયોગી બન્‍યા.

 અતિ પરિશ્રમ, રાત-દિવસની સખત મહેનતને કારણે સ્‍વામીનું શરીર થાકી ગયું હતું પણ મનોબળ ખૂબ જ મક્કમ હતું. ઋષિકેશ એકમાસની સત્‍સંગ સાધના શિબિર કરી આવ્‍યા પછી જાણે પોતે આ દુનિયા છોડી અક્ષરધામમાં જવાનો સંકલ્‍પ કર્યો હોય તેમ દૃઢ મનોબળે નક્કી કરી લીધું અને તા. ૫-૨-૮૮ શુક્રવાર મહા વદી-૨ ના રોજ રાત્રિના ૯:૩૫ મિનિટે ભગવાન સ્‍વામિનારાયણનું સ્‍મરણ કરતાં અક્ષરધામ સિધાવ્‍યા. સ્‍વામી સ્‍થૂળ દેહે આ પૃથ્‍વી પર નથી પરંતુ તેમના અદ્વિતીય અને અજોડ કાર્યથી આપણી વચ્‍ચે જ છે. સ્‍વામીનું એક-એક કાર્ય અદ્વિતીય અને અજોડ હતું. ૭૦ વર્ષ પહેલા બનાવેલું ટ્રસ્‍ટનું બંધારણ, ૬૦ વર્ષ પહેલા બનાવેલું સ્‍કૂલ બિલ્‍ડીંગ તેની સાક્ષી પૂરે છે. સ્‍વામીની હયાતીમાં તેમનું શિષ્‍ય મંડળ સંપ્રદાયમાં મોટું હતું.

હાલમાં સ્‍વામીના અનન્‍ય શિષ્‍ય અને ગુરુકુલની ૫૧ જેટલી શાખાના ગુરુપદે - વડાપદેથી બિરાજતા સદ્ગુરુ મહંત સ્‍વામી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીના શિષ્‍ય સંતોની સંખ્‍યા ૨૭૫ જેટલી છે જે બંને દેશ વિભાગમાં મોટામાં મોટી સંખ્‍યા છે.આવતીકાલે સ્‍વામીજીની ૩૫મી પુણ્‍યતિથિ મહા વદી-૨ તા. ૭-૨-૨૦૨૩ ના રોજ ગુરૂર્ય પૂ. દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીના સાંનિધ્‍યમાં વિવિધ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સવારે ૭:૩૦ થી ૮:૧૫ શ્રદ્ધાંજલિ સભા, ત્‍યારબાદ શાષાીજી મહારાજના પાર્થિવ દેહને જયાં અગ્નિ સંસ્‍કાર કરવામાં આવેલ તે સ્‍થળે ભજન- કીર્તન કરતાં જઈ સંતો-હરિભક્‍તો પુષ્‍પાંજલિ અર્પશે. આ દિવસે ચોવીસ કલાકની ધૂન, યજ્ઞ વગેરે કરવામાં આવશે. શાષાીજી મહારાજના અનુયાયી શિષ્‍યો દ્વારા ચલાવતા લગભગ અન્‍ય ૫૧ જેટલા ગુરુકુલમાં પણ વિશેષ ભજન-ભક્‍તિનું આયોજન કરવામાં આવેલ  છે.

 

(5:07 pm IST)