Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

શ્રીનાથજી સોસાયટીમાં વૃધ્‍ધ કિશોરભાઇ લાધાણીના મકાનમાં ૬૩ હજારની ચોરી

સિવિલ હોસ્‍પિટલમાં સાસુની ખબર કાઢવા ગયાને તસ્‍કરો હાથફેરો કરી ગયા

રાજકોટ,તા. ૬ : મવડી મેઇન રોડ પર આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા વૃધ્‍ધના બંધ મકાનને નિશાન બનાવી તસ્‍કરો રોકડ તથા દાગીના મળી રૂા. ૬૩,૦૦૦ની મતા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૩માં રહેતા કિશોરભાઇ મોહનલાલભાઇ લાધાણી (ઉવ.૬૩)એ માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કિશોરભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતાના સાસુ ચંપાબેનને તા. ૩૧ના રોજ પેરેલીસીસને એટેક આવતા તેને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તા. ૧ના રોજ પોતાને તેની ખબર કાઢવા જવાનું હોય જેથી ઘરને તાળુ મારી દીકરી જલ્‍પાને તેના મામા રાકેશભાઇના ઘરે મુકી અને પોતે પત્‍ની સાથે સિવિલ હોસ્‍પિટલે ગયા હતા. બાદ બંને સસરાના ઘરે રોકાયા હતા. બીજા દિવસે પોતે પોતાના ઘરે આવતા ઘરના દરવાજાનો નકુચો તુટેલો જોવા આવેલ અને ઘરમાં  સામાન વેરવીખેર અને કબાટ ખુલ્લા જોતા પોતે તપાસ કરતા રૂા. ૨૫,૦૦૦ રોકડા  અને સોનાની બે બંગડી, સોનાનો ચેઇન અને ત્રણ વીંટી તથા ત્રણ જોડી ચાંદીના સાંકળા ચાર સોનાના દાણા મળી રૂા. ૬૩૦૦૦ નો મુદ્દામાલ જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડતા પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકના એ.એસ.આઇ વી.જી. બોરીચા સહિતે સ્‍થળ પર પહોંચી વૃધ્‍ધ કિશોરભાઇની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(5:12 pm IST)