Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

રામાપીર ચોક-નાનામવા ચોક-હોસ્‍પીટલ ચોક-જડુસ ચોક-મવડી ચોકના બ્રીજ નામકરણની રાહમાં

મનપા દ્વારા ઓવર કે અન્‍ડર પાસ બ્રીજોને મહાનુભાવો-ક્રાંતિકારીઓના નામો સાથે જોડાયા છે

રાજકોટ તા. ૬ :.. શહેરમાં મુખ્‍ય માર્ગો ઉપર ટ્રાફીક સમસ્‍યા હળવી કરવા અનેક ફલાય ઓવર તથા અન્‍ડર બ્રીજનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. જેમાં રામાપીર ચોકડી, નાના મવા ચોક, હોસ્‍પીટલ ચોક, જડુસ ચોક તથા મવડી ચોક ખાતે ફલાય ઓવર બ્રીજ ખુલ્લા મુકવામાં આવ્‍યા છે.

મનપાની પ્રણાલી મુજબ શહેરમાં બ્રીજોને મહાનુભાવો કે ક્રાંતિકારીઓના નામ આપવામાં આવે છે. પણ હજુ સુધી રામાપીર ચોક, નાના મવા ચોક, હોસ્‍પીટલ ચોક, જડુસ ચોક તથા મવડી, ચોકડી ખાતેના બ્રીજનું નામકરણ બાકી છે. આ તમામમાંથી મવડી ચોકડીનું ઘણા સમય પહેલા લોકાર્પણ કરવામાં આવ્‍યું છે.

જયારે રામાપીર ચોક, નાના મવા ચોક તથા હોસ્‍પીટલ ચોક ખાતેના નવનિર્મિત ઓવરબ્રીજો એક સાથે લગભગ બે મહિના પહેલા ખુલ્લા મુકાયા હોવા છતાં મનપા દ્વારા નામકરણ કરવામાં આવ્‍યું નથી. જયારે જડુસ ચોક ખાતેના ઓવરબ્રીજનું શનિવારે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ દ્વારા વર્ચ્‍યુઅલી લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

આ અંગે મેયર પ્રદીપ ડવે જણાવેલ કે, શહેરના પાંચ નવા બ્રીજો રામાપીર ચોક, નાનામવા ચોક, હોસ્‍પીટલ ચોક, જડુસ ચોક તથા મવડી ચોકડી ખાતેના ઓવર બ્રીજોનું પણ ટૂંક સમયમાં નામકરણ કરાશે.

શહેરના હાલના બ્રીજો રૈયા ચોકને શહીદ બ્રીજ, કે.કે.વી. ચોક ખાતેના ફલાય ઓવરને સ્‍વ. ચીમનભાઇ શુકલ બ્રીજ,  તથા લક્ષ્મીનગર અન્‍ડર બ્રીજને સીડીએસ બીપીન રાવત બ્રીજ નામકરણ કરવામાં આવ્‍યું છે.

(3:56 pm IST)