Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

રાજકોટમાં સાયકલોફન યોજાયો : ૧૦,૦૦૦થી વધુ સાયકલીસ્‍ટો જોડાયા

સ્‍પોર્ટસના માધ્‍યમથી ‘ફિટ ઇન્‍ડિયા'ને નવુ બળ પ્રાપ્‍ત થઇ રહ્યું છે - પ્રદિપ ડવ : પાંચ કિ.મી. અને ૨૦ કિ.મી. સાઇકલ રાઇડ યોજવામાં આવેલ : કુલ ૯૦ સાયકલવીરોને આકર્ષક ઇનામો અપાયા

રાજકોટ તા. ૬ : મહાનગરપાલિકા, રોટરી ક્‍લબ ઓફ રાજકોટ, રાજકોટ મીડ ટાઉન અને સ્‍વ નિર્ભર શાળા સંચાલક મંડળના સંયુંક્ર ઉપક્રમે આજે તા. ૫ના રોજ સવારે ૬.૪૫ કલાકે કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન રેસકોર્ષ ખાતે સાયકલોફન યોજાઈ, જેમાં રાજકોટના ૧૦,૦૦૦થી વધુ સાયકલીસ્‍ટો જોડાયા હતા.આ સાયક્‍લોફનમાં પાંચ કી.મી. અને ૨૦ કી.મી. સાઈકલ રાઈડ યોજવામાં આવેલ. આ વખતે સેલ્‍ફ ફાઈનાન્‍સ સ્‍કૂલોના એસો.પણ જોડાયેલ. મેયર ડો. પ્રદીપ ડવના અધ્‍યક્ષ સ્‍થાને યોજયેલ આ કાર્યક્રમમાં ડેપ્‍યુટી મેયર અને ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહ, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, કલેકટર અરૂણ મહેશ બાબુ, રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા, DCP પાર્થરાજ, કોર્પોરેટરોᅠ જયમીનભાઈ ઠાકર, ચેતન સુરેજા,ᅠ વિનુભાઈ સોરઠીયા,ᅠ હાર્દિક ગોહિલ, નાયબ મ્‍યુનિ. કમિશનર ચેતન નંદાણી, સેલ્‍ફ ફાઇનાન્‍સ સ્‍કૂલ એસોસિએશનના પ્રમુખ ડી.વી.મેહતા, સાયકલ ક્‍લબના પ્રમુખ દિવ્‍યેશભાઈ આઘેરા તથા રોટરી ક્‍લબના પ્રમુખ ધરતીબેન રાઠોડ, સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના મહામંત્રી પરિમલભાઈ પરડવા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

મેયર ડો. પ્રદીપ ડવે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીᅠ નરેન્‍દ્રભાઈ મોદીએ શરૂ કરેલ ‘ફિટ ઇન્‍ડિયા' અભિયાન દેશવાસીઓને સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે વધુ ને વધુ સજાગ કરવાનો એક જબરદસ્‍ત પ્રયાસ છે. આ અભિયાનમાં સહભાગી થઈને રાજકોટ મહાનગરપાલિકા વિવિધ કાર્યક્રમોના આયોજનો કરે છે, અને તેના માધ્‍યમથી સ્‍પોર્ટ્‍સની પ્રવૃત્તિઓને ભરપૂર પ્રોત્‍સાહન મળી રહ્યું છે. વર્ષોથી ગુજરાત રાજય સ્‍પોર્ટ્‍સને પ્રોત્‍સાહન આપી રહ્યું છે અને અત્‍યારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં સમગ્ર દેશમાં ખેલકૂદની પ્રવૃત્તિઓને નવી ઊંચાઈએ લઈ જવા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પૂર્વે જ રાજકોટ ખાતે નેશનલ ગેઇમ્‍સનું શાનદાર અને સફળ આયોજન કરવામાં પણ મહાનગરપાલિકાએ મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

આ સાયક્‍લોફનને સફળ બનાવવા મહાનગરપાલિકા, રોટરી મીડટાઉન કલબ, સ્‍વનિર્ભર શાળા સંચાલન મંડળ અને સાયકલ ક્‍લબ જહેમત ઉઠાવી હતી.

(4:36 pm IST)