Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ડમ્‍પરે બાઇકને ઉલાળતા પોલીસ કમિશનર કચેરીના ક્‍લાર્ક પ્રવિણભાઇ વાઘેલાનું મૃત્‍યુ

માધાપર ચોકડીથી મોરબી રોડ બ્રીજ પાસે જીવલેણ અકસ્‍માત :આર વર્લ્‍ડ પાછળ ક્‍વાર્ટરમાં રહેતાં હતાં: બેડી ચોકડી નજીક મકાન લીધું હોઇ ત્‍યાં રીપેરીંગ ચાલુ હોવાથી આટો મારીને પરત આવતાં હતાં ત્‍યારે બનાવઃ બે પુત્રોએ પિતાનું છત્ર ગુમાવ્‍યું: ગયા વર્ષે જ ગોંડલથી બદલી પામીને આવ્‍યા હતાં : મૃતકના નાના ભાઇ ઘનશ્‍યામભાઇ વાઘેલા શહેર પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે :બિલ્‍ડરોના પ્રતિનિધીઓ મુખ્‍યમંત્રીને મળ્‍યાઃ સોંપ્‍યુ આવેદનઃ જંત્રીનો અમલ ૩ મહિનો પાછો ઠેલવા અને વિસંગતતાઓ દૂર કરવા રજૂઆત

રાજકોટ તા. ૬: શહેરમાં જીવલેણ અકસ્‍માતની વધુ એક ઘટનામાં માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્‍ચે ડમ્‍પરે બાઇકને ઉલાળી દેતાં જુની ધરમ ટોકિઝ-આર વર્લ્‍ડ પાછળ રહેતાં પોલીસ કમિશનર કચેરીની રજીસ્‍ટ્રી શાખાના ક્‍લાર્કનું કરૂણ મૃત્‍યુ નિપજ્‍યું છે. મોરબી રોડ ચોકડીથી તેઓ માધાપર ચોકડી તરફ આવી રહ્યા હતાં ત્‍યારે આ ઘટના બનતાં વાઘેલા પરિવારમાં અને પોલીસ બેડામાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ માધાપર ચોકડીથી મોરબી રોડ ચોકડી વચ્‍ચે બ્રીજ નજીક એક ડમ્‍પરે બાઇકને ઉલાળી દેતાં બાઇક ચાલકને ગંભીર ઇજા થઇ હતી. ૧૦૮ની ટીમ પહોંચી હતી. પરંતુ બાઇકચાલકનું મૃત્‍યુ નિપજ્‍યું હોઇ પોલીસને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. આર. ટી. વાસદેવાણીએ ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડવા અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ કરી હતી.

તપાસ દરમિયાન મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિ ધરમ ટોકિઝ પાછળ ક્‍વાર્ટરમાં રહેતાં પ્રવિણભાઇ વિરજીભાઇ વાઘેલા (ઉ.વ.૫૭) હોવાનું તથા શહેર પોલીસ કમિશનર કચેરીની રજીસ્‍ટ્રી શાખામાં ક્‍લાર્ક તરીકે ફરજ બજાવતાં હોવાનું ખુલ્‍યું હતું. વધુ માહિતી મુજબ મૃત્‍યુ પામનાર પ્રવિણભાઇ વાઘેલા અગાઉ ગોંડલ એસઆરપીમાં ક્‍લાર્ક હતાં. ગયા વર્ષેથી જ ત્‍યાંથી રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે બદલી પામીને આવ્‍યા હતાં. તેમના નાના ભાઇ ઘનશ્‍યામભાઇ વાઘેલા પણ શહેર પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં હેડકોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવે છે.

પ્રવિણભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં  બીજા નંબરે હતાં. તેમને સંતાનમાં બે પુત્ર રવિ તથા જીતેન છે. આ બંને નોકરી કરે છે. આ બનાવથી વાઘેલા પરિવારજનો અને પોલીસબેડામાં ગમગીની છવાઇ ગઇ હતી. ગાંધીગ્રામ પોલીસે ડમ્‍પર ચાલક વિરૂધ્‍ધ કાર્યવાહી કરી હતી.

(3:26 pm IST)