Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

રાજકોટમાં ૧૩૦૦ લોકોએ કોરોના વાયરસની રસી લીધી

પહેલા ભોજન પછી વેક્સીનનું સુત્ર : રાજકોટનાં જૈન વિઝન ગ્રૃપ દ્વારા જૈન સમાજનાં લોકો માટે બે દિવસીય વેક્સીનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો

રાજકોટ,તા. : રાજકોટની એક સામાજિક સંસ્થાએ ભુખ્યા પેટે વેક્સીન નહિનું સુત્ર અપનાવ્યું છે. વેક્સીન કેમ્પમાં વેક્સીન મુકાવવા આવનાર લોકોને ભર પેટ ભોજન કરાવ્યા બાદ વેક્સીન મુકે છે. જેને કારણે વેક્સીન કેમ્પ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેની નોંધ સુરતનાં ઘારાસભ્ય હર્ષ સંઘવીએ લીધી અને ટ્વિટ કરી સંસ્થાની કામગીરીની પ્રસંસા કરી હતી. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે રાજકોટ મહાનગરપાલીકા સામાજીક સંસ્થાઓને સાથે રાખીને વધુ માં વધુ લોકો વેક્સીન લે તેથી અલગ અલગ સમાજનાં વેક્સીનેશન કેમ્પ કરી રહ્યા છે. રાજકોટનાં જૈન વિઝન ગ્રૃપ દ્વારા જૈન સમાજનાં લોકો માટે બે દિવસીય વેક્સીનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો.

જેમાં અંદાજીત ૧૩૦૦ કરતા વધુ લોકોએ વેક્સીન મુકીને સુરક્ષીત થયા હતા. જૈન વિઝન ગ્રુપનાં આગેવાન મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવાર એમ બે દિવસ સુધી સવારે વાગ્યા થી સાંજે વાગ્યા સુધી વેક્સીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં સવારનાં સમયે વેક્સીન મુકાવવા આવતા લોકોને ફરજીયાત નાસ્તો કરાવીને વેક્સીન મુકવામાં આવી હતી. જ્યારે બપોરનાં સમયે વેક્સીન મુકાવવા આવેલા લોકોને ભોજન કરાવ્યા બાદ અને સાંજે વેક્સીન મુકાવવા આવેલા લોકોને હાઇ ટી એટલે કે ચા અને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

વેક્સીન લેવા માટે લોકોનો ઘસારો થાય તે માટે દર કલાકે ૧૦૦-૧૦૦ લોકોને ફોન કરીને બોલાવવામાં આવતા હતા. હજું પણ લાખ લોકો વેક્સીન લે તે માટે બીજો કેમ્પ કરવામાં આવશે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા તંત્ર તો પ્રયાસો કરે છે પરંતુ હવે સામાજીક સંસ્થાઓ પણ લોકોને વેક્સીન લેવા પ્રોત્સાહિત કરી રહી છે. બે દિવસ પહેલા સમસ્ત સોની સમાજનાં વેક્સીનેશન કેમ્પમાં ૭૦૦ મહિલાઓને નાકની સોનાની ચુક આપી હતી. તો જૈન વિઝન ગ્રુપે વેક્સીન લેવા આવેલા લોકોને નિશુલ્ક ભોજન કરાવીને ઘરે કામ કરવાની ચિંતામાંથી મુક્ત થવાનો સંદેશ આપ્યો હતો. આવી રીતે સામાજિક સંસ્થાઓ વેક્સીનનું બિડું ઝડપી લેશે તો વેક્સીન લોકો માટે ખરા અર્થમાં સુરક્ષાની વેક્સીન બનશે.

(11:37 am IST)