Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મિડીયાના નામે પૈસા પડાવતી ટોળકીના ૬ ઝડપાયાઃ સ્પા સંચાલકને ફસાવવા ગયા પણ પોતે જ ફસાયા

યુનિવર્સિટી રોડ પરના સ્પામાં રવિ અને સગીર મિત્ર આવ્યા, ૧-૧ હજાર ચુકવી મસાજ કરાવ્યું, પછી સગીરે પોતાનો ચેઇન ખોવાઇ ગયાનું નાટક ઉભુ કરી બીજા ચારને બોલાવ્યાઃ જેમાં બે જણે પોતે મિડીયા કર્મચારી હોવાનું કહી ચેઇન શોધી આપો...કહી બ્લેકમેઇલીંગ શરૂ કરી ૧ાા લાખ માંગ્યા : ગાંધીગ્રામ પોલીસે રવિ લાડવા, તેના સગીર મિત્ર, તથા બીજા મિત્રો મયુર પાણખાણીયા, ગોૈતમ દેથરીયા અને મિડીયા કર્મી બનીને આવેલા સંજય મકવાણા તથા સુરેશ પાડલીયાની ધરપકડ કરીઃ રવિ અને સગીરે મયુર સાથે મળી પ્લાન ઘડ્યોઃ મયુરે બીજા ત્રણને સામેલ કર્યા : એન. એન. ન્યુઝના નામે તોડ કરવા પહોંચેલા સંજય મકવાણા અને સુરેશ પાડલીયા પાસેથી મોબાઇલ, બૂમ કબ્જેઃ અગાઉ કોઇને ફસાવ્યા છે કે કેમ? તે અંગે ઉંડાણપુર્વક તપાસ-પુછતાછ : ગોંડલના મોવૈયામાં રામા મંડળ જોવા બધા ભેગા થયા ને કંઇક નવું કરવાનું નક્કી કરી, પછી આવું કર્યુ!

ગાંધીગ્રામ પોલીસે  રવિ લાડવા, તેના સગીર મિત્ર, તથા બીજા મિત્રો મયુર પાણખાણીયા, ગોૈતમ દેથરીયા અને મિડીયા કર્મી બનીને આવેલા સંજય  મકવાણા તથા સુરેશ પાડલીયાની ધરપકડ કરી છે. આ આ ઉપરાંત એક આરોપી સગીર વયનો છે. છએય જણાએ ટૂંકા માર્ગે પૈસા મેળવવા બ્લેકમેઇલીંગનો પ્લાન ઘડ્યો હતો. પરંતુ પોતે જ ફસાયા હતાં. વિગતો આપતાં એસીપી પી. કે. દિયોરા, પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ એચ. વી. સોમૈયા તથા પત્રકાર બનેલા બે શખ્સો સુરેશ અને સંજય તથા નીચેની તસ્વીરમાં આ બે ઉપરાંત રવિ, મયુર, ગોૈતમ અને કબ્જે થયેલા આઇકાર્ડ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬: શહેરમાં મિડીયા કર્મચારીઓના નામે યુનિવર્સિટી રોડ પર આવેલા સ્પાના સંચાલકને બ્લેકમેઇલ કરી પૈસા પડાવવા ગયેલા કુલ છને ગાંધીગ્રામ પોલીસે સાણસામાં લઇ તપાસ શરૂ કરી છે, જેમાં એક સગીર છે. સગીર અને તેના મિત્ર પ્રજાપતિ યુવાનને પૈસાની જરૂર હોઇ તે અને બીજા મિત્રો ગોંડલના મોવૈયામાં રામા મંડળ જોવા ભેગા થયા ત્યારે કંઇક નવું કરી ઓછી મહેનતે વધુ પૈસા કમાવવાનો વિચાર કરી ત્યાંથી જ સ્પાના સંચાલકને ફસાવી ડરાવી ધમકાવી પૈસા પડાવવાનો પ્લાન ઘડ્યો હતો અને તેનેઅમલમાં મુકયો હતો. સ્પામાં જઇ મસાજ કરાવ્યા બાદ સોનાનો ચેઇન સ્પામાંથી ચોરાઇ ગયાનું નાટક કરી પતાવટ કરવાના ૧ાા લાખ માંગી ધાકધમકી શરૂ કરી હતી.  મિડીયા કર્મચારી તરીકે પોતાની ઓળખ આપનારાઓએ પોતે એન. એન. ન્યુઝના પત્રકાર-કેમેરામેન હોવાનું કહી રોફ જમાવી શુટીંગ કરી સ્પા બંધ કરાવવાની ધમકી આપી હતી.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે યુનિવર્સિટી રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટની ઉપરબીજા માળે અરીવા વેલનેશ એન્ડ હેલ્થકેર સ્પાનું સંચાલક ૧૫૦ ફુટ રૈયા રીંગ રોડ પર સોમનાથ-૨માં રહેતાં સંજય ટીકારામભાઇ સોની (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી એક સગીર અને પાંચ અન્ય શખ્સો મયુર કાંતિલાલ પાણખાણીયા (ઉ.૨૪-રહે. આસ્થા ગ્રીનસીટી, કલ્પવન ગેઇટની અંદર), ગોૈતમ અશોકભાઇ દેથરીયા (ઉ.૧૯-રહે. મવડી ઉમીયા ચોક દ્વારકાધીશ સોસાયટી-૨), સંજય બાબુભાઇ મકવાણા (ઉ.૩૪-રહે. ખોડિયારનગર-૧૫, ગોંડલ રોડ), સુરેશ જવરાજભાઇ પાડલીયા (ઉ.૩૮-રહે. પુનિત નગર સત્યમ્ સોસાયટી-૩) તથા  રવિ પ્રકાશભાઇ લાડવા (ઉ.૨૪-રહે. બિગ બાઝાર પાછળ પટેલ સોસાયટી-૧) સામે આઇપીસી ૩૮૪, ૧૨૦ (બી), ૧૧૪ મુજબ ગુનો નોંધી સકંજામાં લીધા છે.

રવિ અને તેની સાથેનો સગીર મિત્ર પ્લાન ઘડી મસાજ માટે આવ્યા હતાં. એ પછી રવિ સાથેના સગીરે પોતાનો ચેઇન ચોરાઇ ગયાનું કહી મારો ચેઇન આપો નહિતર ફરિયાદ કરીશ, બદનામ કરીશ કહી ફોન કરી બીજા બે શખ્સો ગોૈતમ અને મયુરને બોલાવતાં આ બંનેએ પણ ચેઇન શોધી દેવા દબાણ કરી બીજા બે શખ્સોને બોલાવ્યા હતાં. આ બીજા બે પોતે એન.એન. ન્યુઝના પત્રકાર-કેમેરામેન છે તેમ કહી વિડીયો શુટીંગ કરી પૈસા નહિ આપો તો વિડીયો વાયરલ કરી સ્પા બંધ કરાવી દઇશું તેવી ધમકી આપી પૈસા માંગ્યા હતાં. પરંતુ સ્પા સંચાલકને ફસાવવા આવેલા પોતે જ ફસાઇ ગયા હતાં.

ઘટના અંગે સ્પા સંચાલક સંજય સોનીએ પોલીસને જણાવ્યું છે કે હું અરીવા વેલનેશ એન્ડ હેલ્થકેર સ્પા નામે મસાજ પાર્લરનો વ્યવસાય છેલ્લા ૬ માસથી કરું અને આ મારા સ્પા મા કુલ ૫ લેડીઝ સ્પા કરવા માટે આવે છે. મેં સ્પાનું રજીસ્ટ્રેશન પણ ગાંધીગ્રામ પોલીસમાં કરાવેલુ છે અને તમામ નિયમો અનુસરૂ છું. સ્પામા મારા સહિત ત્રણ જેન્ટસ સભ્યો પણ કામ કરે છે.

તા. ૦૪/૦૪ના બપોરના આશરે સાડા બારેક વાગ્યે હુ તથા મારા સ્ટાફના તમામ જેન્ટસ સભ્યો તથા લેડીઝ સભ્યો સ્પા ખાતે હાજર હતા તે દરમ્યાન બે છોકરા આવ્યા હતાં. હું કાઉન્ટર ઉપર બેસેલ હતો. બંનેએ પોતે સ્પા કરાવવા માટે આવ્યા હોવાનું કહેતાં એક જણના રૂ. એક હજાર ફી થશે તેમ કહેતાં તેણે રૂપિયા જમા કરાવ્યા હતાં. જેમાંથી એકનેએક નંબ૨ના રૂમમાં અને બીજાને પાંચ નંબ૨ની રૂમમાં મોકલેલ. જેમાંથી એકનું નામ રવિ હતું. બીજો નાની વયનો હતો. બાદ અમારા સ્પામાં કામ કરતી કર્મચારી યુવતિને મસાજ કરવા માટે એક નંબરના રૂમમા તથા બીજીને પાંચ નંબરના રૂમમાં મોકલેલ. એક કલાક બાદ આશરે દોઢેક વાગ્યે બંને છોકરા મસાજ પુર્ણ કરી મારા કાઉન્ટર પાસે આવેલ ત્યારે કાઉન્ટર ઉપર હુ તથા હાઉસસ્કીપીંગનું કામ કરતાં. રમેશ શર્મા અમો બંને હાજર હતાં. એ પછી રવિ સાથેના  છોકરાએ મને કહેલ કે મારો સોનાનો ચેઇન હુ મસાજ કરાવતો હતો ત્યારે ચોરી થયેલ છે. તેમ જણાવેલ જેથી મેં આ બંને છોકરાઓને સાથે રાખી બધાજ રૂમમાં ચેક કરેલ અને મસાજ કરવા ગયેલ બંને મહીલા કર્મચારીઓની પણ આ ચેઇન બાબતે પુછેલ. પરતુ ચેઇન કયાય મળ્યો નહોતો. એ પછી આ બંને નીચે ઉતરી ગયા હતાં અને બાદ થોડીવાર પછી બીજા બે માણસોને પોતાની સાથે ઉપર અમારા કાઉન્ટર પાસે લઇ આવેલ અને 'અમારો સોનાનો ચેઇન આપી દયો નહીતર પોલીસમાં ફરીયાદ કરીશું અને તમારું સ્પા બંધ કરાવી દઇશુ' તેમ કહેવા લાગેલ જેથી મે કહેલ કે અમે કોઇએ ચેઇન લીધેલ નથી તો તમને કયાથી આપીએ?

ત્યારપછી ચારેયએ કહેલું કે  જો તમારે મેટર પતાવવી હોય તો રૂપીયા દોઢ લાખ થશે. મેં તેને મારી પાસે આટલા બધા પૈસા નથી તેમ કહેતાં એક માણસે કોઇને ફોન કરી બોલાવેલ અને થોડી વાર પછી બીજા બે માણસો આવેલ,  જેમાં એકના હાથમાં ફોન અને એકના હાથ માં માઇક હતું. આ બંને અમારો વીડીયો ઉતારવા લાગેલ, મે તેને વિડીયો ઉતારવાની ના પાડતા મને કહેવા લાગેલ કે 'તમે અમને રોકી ન શકો અને તમારૂ સ્પા લીગલી છે કે અનલીગલી તેના ડોકયુમેન્ટ અમોને બતાવો' તેમ કહી અમારી પાસે ડોકયુમેન્ટ માંગેલા જેથી મે આ બંને મીડીયાવાળા માણસોને તેઓની ઓળખાણ આપવા કહેતા એકએ પોતાનું નામ સંજયે બાબુભાઇ મકવાણા તથા બીજાએ પોતાનું નામ સુરેશ જીવરાજભાઈ પાડલીયા જણાવેલ હતું.

એ પછી જેથી મેં આ બંનેને અમારા સ્પાના ડોકયુમેન્ટ બતાવ્યા હતાં. એ દરમિયાન હાઉસ સ્કીપીંગનું કામ કરતા રમેશ શર્માએ પોલીસમાં ફોન કરેલ કરી દીધો હતો. ત્યારપછી પોતાને મીડીયા કર્મચારી તરીકે ઓળખાવનારાએ પોતાના કેમેરા બંધ કરી દીધા હતાં.  બધા મને કહેવા લાગેલ કે જો તમારે આ મેટર પતાવી હોય તો રૂપીયા દોઢ લાખ થશે. મેં તેઓને આટલા રૂપિયા નથી પણ અડધાનો મેળ થઇ જશે અને આ રકમ પણ દસેક દિવસ પછી આપીશ તેમ કહેતાં બધાએ રકમ તો અત્યારે જ આપવી પડશે, નહિ આપો તો વિડીયો વાયરલ થઇ જશે અને પોલીસમાં ફરિયાદ કરી તમને ફીટ કરાવી દઇશું તેવી ધમકી આપી હતી.

અમારી વચ્ચે આ વાતચીત થતી હતી એ  વખતે જ પોલીસ આવી ગયેલ અને અમને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બધાને લઇ ગયા હતાં. જેમાં મસાજ કરાવવા આવેલા એક સગીર તથા બીજા પાંચના નામ પોલીસે પુછતા સગીર સિવાયમાં રવિ પ્રકાશભાઇ લાડવા, મયુર કાંતીલાલ પાણખાણીયા,ગૌતમ અશોકભાઇ દેથરીયા તથા મિડીયા કર્મી તરીકે આવનારમાં સંજય બાબુભાઇ મકવાણા અને સુરેશ જીવરાજભાઇ પાડલીયા હોવાનું મને જાણવા મળ્યું હતું.

એ દિવસે મારી માનસિક હાલત સારી ન હોઇ હું ઘરે જતો રહ્યો હતો. પછી બીજા દિવસે સોમવારે સાંજે મેં ફરિયાદ કરવાનું નક્કી કરી ફરિયાદ નોંધાવી હતી.

ઝડપાયેલાઓમાં રવિ કડીયા કામ કરે છે. તેને અને તેના સગીર મિત્રને પૈસાની જરૂર હોઇ રવિ વારંવાર સ્પામાં જતો હોઇ ત્યાંથી પૈસા પડાવી શકાય તેવું લાગતાં પોતાના બીજા મિત્ર મયુર સાથે મળી પ્લાન ઘડ્યો હતો. મયુરે પોતાના મિત્ર ગોૈતમ તથા મિડીયા કર્મચારી તરીકે પોતાને ઓળખાવતા સંજય અને સુરેશને સામેલ કર્યા હતાં અને બધા પૈસા પડાવવા પહોંચ્યા હતાં. પણ પોતાની જ જાળમાં ફસાઇ ગયા હતાં. બીજા કોઇ આ રીતે તોડ કર્યા છે કે કેમ? તે સહિતની વિગતો માટે વિશેષ પુછતાછ બાકી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરી અને માર્ગદર્શન હેઠળ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ એચ. વી. સોમૈયા, પીએસઆઇ જે. જી. રાણા,  હીરાભાઇ રબારી, જયસુખભાઇ હુંબલ, હંસરાજભાઇ ઝાપડીયા તથા ડી. સ્ટાફની ટીમે આ કામગીરી કરી હતી.

  • એન. એન. ન્યુઝના આઇ કાર્ડ મેળવવા હોય તો  તમારી પાસે સ્માર્ટ ફોન અને બાઇક હોવા જોઇએ
  • પત્રકારનો સ્વાંગ રચનારા સંજય અને સુરેશ ૮ તથા ૯ ચોપડી ભણેલા વડોદરાનો મનિષ એન. એન. ન્યુઝનો સંચાલકઃ ૨૫૦૦ થી ૩૫૦૦માં પ્રેસકાર્ડ કાઢી આપતો હોવાનું પકડાયેલા શખ્સોનું કથનઃ પોલીસ આ શખ્સની તપાસ કરશે

પોલીસે પોતાને એન. એન. ન્યુઝના પત્રકાર-કેમેરામેન તરીકે ઓળખાવનારા સંજય મકવાણા અને સુરેશ પાટોલીયા માંડ આઠ અને નવ ચોપડી ભણેલા છે અને છુટક કામ કરે છે. બંનેએ વડોદરાના મનિષ નામના શખ્સ પાસેથી એન. એન. ન્યુઝના આઇકાર્ડ રૂ. ૩૫૦૦-૩૫૦૦માં લીધા હોવાનું રટણ કર્યુ છે. એન. એન. ન્યુઝના પત્રકાર બનવા માટેની લાયકાત શું હોવી જોઇએ? તેવું પુછાતાં આ બંનેએ કહ્યું હતું કે તમારી પાસે સ્માર્ટ ફોન અને બાઇક-ટુવ્હીલર હોવા ફરજીયાત છે. બાકી ભણતર કેટલુ છે તેનો કોઇ મતલબ નથી. કાર્ડ માટે રૂ. ૨૫૦૦થી ૩૫૦૦ ચુકવવાના હોય છે.

(3:20 pm IST)