Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કાયદા વિરૂધ્ધ અમેરિકન મહિલાને લોકઅપમાં રાખતા મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીને કોર્ટની નોટીસ

સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન નહિં કરી મહિલાને લોકઅપમાં રાખવાનું ભારે પડયું!

રાજકોટ તા. ૬: રાજકોટના કાલાવડ રોડ પર રહેતી પટેલ પરીણીતા દવારા અમેરીકા સ્થિત સાસરીયાઓ વિરૂધ્ધ કરાયેલ દુઃખત્રાસની ફરીયાદ અન્વયે સાસુને અટક કરી કસ્ટડીમાં રાખતા સાસુ દ્વારા સુપ્રિમ કોર્ટના ચુકાદાનું પાલન ન કરાયેલ હોવાની અરજી થતાં અદાલતે પોલીસ અધીકારીનો લેખીત ખુલાસો માંગવાનો હુકમ કરતા પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામેલ છે.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટના કાલાવડ રોડ પર રહેતી તુલજા ચંદુભાઇ કણસાગરા (પટેલ) એ અમેરીકાના ન્યુયોર્ક સ્ટેટ પાસે આવેલ કનેકટીકટમાં રહેતા તેના પતિ બોની પ્રવિણભાઇ પટેલ, સસરા પ્રવિણભાઇ નારણભાઇ પટેલ, સાસુ જયશ્રીબેન પ્રવિણભાઇ પટેલ, નણંદ અમી પ્રવિણભાઇ પટેલ વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી જણાવેલ હતું કે સને-ર૦૧૩ ના વર્ષમાં ફરીયાદણ તથા આરોપી બોની પટેલે રજીસ્ટર્ડ લગ્ન કરેલ હતા અને લગ્નના ચારેક દિવસ બાદ પતિ તથા સાસરીયાઓ સાથે રહેલ અને ત્યારબાદ ફરીયાદણના વિઝાની કાર્યવાહી ન કરી તમામ આરોપીઓ અમેરીકા જતા રહેલ અને થોડા સમય બાદ ફરીયાદણના પિતાએ ફોન કરતા આરોપીઓએ ફરીયાદીના પિતાને કરીયાવરમાં કઇ લાવેલ ન હોય જેથી સંબંધ રાખવો નથી તેમ કહેતા ફરીયાદીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં માનસીક દુખત્રાસ આપેલ હોવાની તથા કરીયાવર ઓળવી જવાની ફરીયાદ નોંધાવેલ હતી.

ઉપરોકત ફરીયાદની તમામ બાબતોથી અજાણ જયશ્રીબેન પ્રવિણભાઇ પટેલના માતાનું ઉપલેટા મુકામે અવસાન થતા તેઓ તેમની માતાની લૌકિક ક્રિયાઓ માટે તા. ૦૧/૦૪/ર૦ર૧ના રોજ અમેરીકાથી આવેલ હોવાની માહિતી ફરીયાદીએ પોલીસને આપતા મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા એન. એસ. સવનિયાએ કાયદાની તમામ મર્યાદાઓ ઉવેખીને એક સ્ત્રીને સર્વોચ્ચ અદાલતની સ્પષ્ટ મનાઇ હોવા છતાં અટક કરી કસ્ટડીમાં રાખેલ હતા.

પી.એસ.આઇ. દ્વારા આરોપીને બીજા દિવસે રાજકોટની અદાલતમાં રજૂ કરાતા આરોપીએ પોતાના બચાવમાં રોકેલ એડવોકેટ રીપન ગોકાણી મારફત અદાલતમાં પોલીસ અધિકારી દ્વારા સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શીકાઓ તેમજ કાયદાની આદેશાત્મક જોગવાઇઓની ઉપરવટ જઇ ફરીયાદીની દોરવણી મુજબ ગેરકાયદેસર રીતે અમેરીકાના નાગરીકને કસ્ટડીમાં રાખેલ હોય પોલીસ વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા અને આરોપીને તાત્કાલીક કસ્ટડીમાંથી મુકત કરવા અરજીઓ કરેલ હતી જે અન્વયે રાજકોટના અધિક ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ દ્વારા આરોપીને તાત્કાલીક કસ્ટડીમાંથી મુકત કરવાનો આદેશ કરેલ તેમજ આરોપી તરફે તપાસ કરનાર અમલદાર વિરૂધ્ધ અરજીનું સંજ્ઞાન લઇ પોલીસ દ્વારા સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શીકાનું પાલન શા કારણથી કરવામાં આવેલ નથી તે બાબતનો ખુલાસો કરવા હુકમ કરવામાં આવતા સમગ્ર પ્રકરણ પોલીસ વર્તુળમાં ચર્ચાનો વિષય બની ગયેલ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સર્વોચ્ચ અદાલતે આપેલ માર્ગદર્શીકા મુજબ જે કોઇ પોલીસ અધીકારી સદર માર્ગદર્શીકાનું ચુસ્તપણે પાલન કરવામાં નિષ્ફળ જાય તેવા અધીકારી માત્ર ડિપાર્ટમેન્ટલ એકશન જ નહીં પરંતુ અદાલતના તિરસ્કાર માટે પણ જવાબદાર ગણાશે તેવું સ્પષ્ટ ઠરાવેલ હોય રાજકોટની અદાલત હવે શું નિર્ણય આપશે તે તરફ સૌ કોઇની મીટ મંડાયેલ છે.

આ કામમાં મહિલા આરોપી વતી જાણીતા ધારાશાસ્ત્રી શ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિ઼ધાણી, વિરમ ધરાંગીયા, ઇશાન ભટ્ટ રોકાયેલ છે.

(11:37 am IST)