Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

રાજકોટ જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી ડો. ભંડેરી સામે ભ્રષ્ટાચાર મુદ્દે ગુજરાત વિજીલન્સ અથવા રાજકોટ કલેકટર દ્વારા તપાસ કરાવો

વિંછીયાના ભાજપ અગ્રણી ભૂપતભાઇ કેરાળીયાની નરેન્દ્રભાઇ મોદી, વિજયભાઇ રૂપાણી સહિતના સમક્ષ રજૂઆત : આરોગ્યના બીજા અધિકારીઓ અને જિલ્લા વિકાસ અધિકારી સામે પણ આક્ષેપોથી ખળભળાટ

(વિજય વસાણી દ્વારા )આટકોટ તા. ૬ : જીલ્લાનાં પુર્વ આરોગ્ય અધિકારી ભંડેરી સહીત અધિકારીઓ વિરૂધ્ધ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ સહિત ઉચ્ચ કક્ષાએ વિંછીયા ભાજપના આગેવાન ભુપતભાઈ કેરાળીયાએ લેખીત ફરીયાદ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.

ભુપતભાઈએ લેખીત ફરીયાદમા આરોગ્યના બીજા અધિકારીઓ અને જીલ્લા વિકાસ અધિકારી સામે પણ આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે. તેમણે ઉચ્ચ કક્ષાએ કરેલ લેખીત ફરીયાદ નીચે મુજબ છે.વંદે માતરમ સાથ જણાવવાનુંકે રાજકોટ જિલ્લાના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીદ્વારા ભ્રષ્ટાચાર અંગે અડીખમ નિર્ણય લઈને રાજકોટ આરોગ્ય વિભાગ સામે આર.ટી. પી.સી.આર . કૌભાંડના તપાસના આદેશ આપવામાં આવ્યા છે તે બદલ મુખ્યમંત્રી સાહેબશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને નમ્ર વિનંતી છે કે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારીનો ચાર્જ ડો.ભંડેરીએ સંભાળેલ છે ત્યારથી આજ સુધી રાજકોટ આરોગ્ય વિભાગનો વહીવટ પોતાની પ્રાઈવેટ પેઢી હોય તેવી રીતે ચલાવેલ છે.(૧) આરોગ્ય વિભાગની ખરીદીમાં ભ્રષ્ટાચાર (૨) આરોગ્ય વિભાગના કર્મચારીઓની બદલીમાં ભ્રષ્ટાચાર (૩) ખાનગી હોસ્પિટલો પાસેથી લાંચ લેવી (૪) બાલસખા મજૂરી આપવામાં ભ્રષ્ટાચાર (૫) દલિત, બ્રાહ્મણ, આદિવાસી, જ્ઞાતિના કર્મચારીઓને સિનિયોરિટીમાં આવતા હોવા છતાં તેઓની બદલી કરેલ નથી જયારે પોતાની જ્ઞાતિના કર્મચારીઓની બદલીઓ કરવામાં આવેલ છે. ડો .ભંડેરી ભ્રષ્ટાચારમાં પહોંચી વળતા ન હોવાથી ડો.અલી.સેજલીયા, ઠાકર, ડો.રામને રાજકોટ બોલાવી લીધેલ હતા. રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મચારીઓએ ડો. ભંડેરીના દબાણથી ખોટું કરેલ હોય તો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અથવા રાજકોટ કલેકટરને લેખિતમાં અથવા રૂબરૂ જાણ કરવામાં નહિ આવે તો ડો. ભંડેરી પોતાના બચાવ માટે નાના આરોગ્ય કર્મચારીઓનો ભોગ લેશે.

ઉપરોકત બાબતે ડી.ડી.ઓ શ્રી રાજકોટની મીઠી નજરે જિલ્લા આરોગ્ય અધિકારીના ચાર્જમાં ડો.ભંડેરી ભ્રષ્ટાચારમાં બેફામ થયેલ છે. તો તેમની વિરુદ્ઘ ગુજરાત વિજિલન્સ અથવા રાજકોટ કલેકટરશ્રીને તપાસ સોંપવામાં આવે તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. ડો.ભંડેરી સાથે ડી ડી.ઓ શ્રી સામેલ હોય તેમ લાગે છે આ તપાસમાં જિલ્લા પંચાયતના કોઈ કર્મચારીઓને સાથે રાખીને તપાસમાં આવશે તો ભીનું સંકેલાઈ જવાની ભીતિ રહેલ છે.

આ અંગે ડી.ડી.ઓ.શ્રી રાજકોટ અને જિલ્લા આરોગ્ય અધિકારીના ચાર્જમાં રહેલ ડો .ભંડેરી સામે તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે તો આ બાબતે ગુજરાત રાજય પૂર્વ સંકલન સમિતિના પ્રમુખ ભુપતભાઇ સુંદરભાઈ કેરાળિયા દ્વારા યોગ્ય તપાસ થાય તે માટેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ  અને ગુજરાતના આરોગ્ય સચિવ અને રાજકોટ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે.

(11:38 am IST)