Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

રાજકોટમાં ૧૯ મોતઃ બપોર સુધીમાં ૧૧૦ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૧૬ પૈકી ૨ જ કોવિડ ડેથઃ હાલમાં ૧૪૬૪ દર્દીઓ સારવાર હેઠળકુલ કેસનો આંક ૨૦,૦૭૮ આજ દિન સુધીમાં ૧૮,૫૦૫ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૨.૫૧ ટકા થયો : બામણસા ઘેડ પંથકમાં ૩૦ કોરોના પોઝીટીવ કેસ લોધીકાના ખીરસરામાં ત્રણ દિવસમાં કોરોનાથી ત્રણના મોત

 રાજકોટ તા. ૬: શહેર - જિલ્લામાં કોરોના ફરી હાહાકાર મચાવી રહ્યો છે. દિવસે ને દિવસે કોરોના કેસ અને મૃત્યુનો આંકનો ગ્રાફ વધતો જાય છે. ગઇકાલે ૧૬ મોત થયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૧૯નાં મૃત્યુ થયા છે.જયારે શહેરમાં બપોર સુધીમાં શહેરમાં ૧૧૦ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૫નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૬નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૧૯ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૧૬ પૈકી બે મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૪૪૪   બેડ ખાલી છે.

નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૩૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૧૯ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાએ ફરી સદી ફટકારી

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૧૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૨૦,૩૯૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૧૮,૬૪૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૭,૩૩૪ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૨૮૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૮૬ ટકા થયો  હતો. જયારે ૧૪૪ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૭,૧૦,૯૮૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૦,૩૯૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૫ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૧૪૬૪  દર્દીઓ સારવાર હેઠળ છે.

કોર્પોરેશનના વિજીલન્સ પોલીસ વિભાગમાં કોરોનાના પગલા : ૬ કોન્સ્ટેબલો સંક્રમિત

તમામની તબિયત સારી હોમ આઇસોલેશન હેઠળ સારવાર : મહિલા કોન્સ્ટેબલનો રીપોર્ટ પોઝિટીવ : ત્રણ ખાનગી સિકયોરીટી ગાર્ડ પણ ઝપટે

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનનાં વિજીલન્સ વિભાગમાં મહિલા સહિત એકી સાથે ૬ કોન્સ્ટેબલો અને ત્રણ ખાનગી સીકયોરીટી ગાર્ડને કોરોના થતાં વિજીલન્સ બ્રાન્ચમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગત મુજબ વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં વિજીલન્સ પોલીસ સાર્વજનિક સુરક્ષાની જવાબદારી સંભાળતા હોઇ ૧ મહિલા સહિત ૬ કોન્સ્ટેબલો તથા ત્રણ ખાનની સિકયોરીટી ગાર્ડ કોરોના સંક્રમિત થયા છે. આ અંગે વિજીલન્સ અધિકારી ડી.વાય.એસ.પી. શ્રી ઝાલાએ જણાવ્યું હતું કે તમામની તબિયત સારી છે અને હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે.  

(3:15 pm IST)