Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

નથી સુધરવું લે...ડીગ્રી વગર દાકતરી કરતાં પકડાઇ જવામાં સંજય સોમપુરાની હેટ્રિક!

સવા બે વર્ષ પહેલા આજીડેમ પોલીસે પકડ્યો'તો,બીજીવાર એસઓજીએ, ત્રીજીવાર ફરી આજીડેમ પોલીસે પકડ્યો : દવાઓનો જથ્થો, સ્ટેથોસ્કોપ, બેટરી, બીપી ચેક કરવાનું મશીન, કાતર, ડ્રેસીંગનો સામાન, ઇન્જેશન સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયોઃ પોલીસ આવા કામમાં કડક, આરોગ્ય તંત્ર ઢીલુ ઢફફ : ગત ૭-૧૧-૨૦ના રોજ એસઓજીએ જ્યાંથી પકડેલો એ જ શ્રીરામ પાર્કમાં આવેલા ડો. કક્કડના બોર્ડવાળા કલીનીકમાં જ ફરીથી કોઇપણ જાતના ડર વગર દવાખાનુ ચાલુ કરી દીધુ'તું!

રાજકોટ તા. ૬: શહેરમાં અવાર-નવાર ડીગ્રી વગરના ડોકટરો લોકોની જિંદગી સાથે ચેડા કરતાં ઝડપાય છે. કોઇ આઠ-દસ ચોપડી માંડ પાસ હોય છે, પણ કમ્પાઉન્ડરના અનુભવને આધારે દાકતરી કરવા માંડતા હોય છે. ફરી એક વખત નકલી ડોકટર આજીડેમ પોલીસને ઝપટે ચડ્યો છે. આજીડેમ ચોકડી પાસે શ્રીરામ પાર્ક-૧માં દરોડો પાડી પોલીસે સંજય રસિકભાઇ સોમપુરા (ઉ.વ.૫૫)ને ઝડપી લીધો છે. સવા બે વર્ષ પહેલા પણ આજીડેમ વિસ્તારમાં કિલનીક ચલાવતાં તે પકડાયો હતો. બીજી વખતે ગયા વર્ષે નવેમ્બર માસમાં એસઓજીએ તેને શ્રીરામ પાર્કમાંથી જ પકડ્યો હતો. આમ નકલી ડોકટર બની દાકતરી કરતાં પકડાઇ જવામાં તેણે હેટ્રિક કરી છે.

સંજય સોમપુરાએ અગાઉ ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી અનુભવ લીધો હતો અને બાદમાં એટલે કે સવા બે વર્ષ પહેલા દવાખાનુ ખોલી કમાણી ચાલુ કરી દીધી હતી. તે વખતે આજીડેમ પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. એ પછી ગત તા.૭-૧૧-૨૦ના રોજ એસઓજીના કોન્સ. સોનાબેન મુળીયા, વિજેન્દ્રસિંહ ઝાલા અને અઝહરૂદ્દિન બુખારીની સચોટ બાતમી પરથી આજીડેમ ચોકડી શ્રી રામ પાર્ક-૧માં દરોડ પાડી તેને બોગસ ડોકટર તરીકે પ્રેકટીસ કરતાં પકડી લેવાયો હતો. તે વખતે કિલનીક પર દવાખાનુ-ડો. બી.વી. કક્કડ એવું લખાણ જોવા મળ્યું હતું. આ આયુર્વેદિક ડોકટરની ડિગ્રીના નંબર પણ બોર્ડમાં હતાં. પોલીસ અંદર પહોંચી તો ૮*૧૦ની જગ્યામાં એક શખ્સ ખુરશી પર ગળામાં સ્ટેથોસ્કોપ લટકાડીને બેઠેલો જોવા મળ્યો હતો. અંદર દર્દીઓને સુવડાવવાનું ટેબલ હતું. તેમજ બીપી માપવાનું મશીન, ઇન્જેકશન, એલોપેથી દવાઓનો જથ્થો સહિતના મેડિકલના સાધનો હતાં.

એસઓજીના ગુનામાં જામીન પર છુટ્યા બાદ સુધરી જઇ કંઇક બીજો કામધંધો કરવાને બદલે સંજય સોમપુરા ફરીથી પોતે એસઓજીના હાથે જ્યાંથી ઝડપાયો હતો ત્યાં જ એટલે કે શ્રીરામ પાર્ક-૧ના કલીનીકમાં ફરીથી કેટલાક સમયથી બેસી ગયો હતો અને દાકતરી કરવા માંડ્યો હતો.

આજીડેમના પીએઅસાઇ એમ. ડી. વાળામેડમ, એએસઆઇ આર. જે. જાડેજા, કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા, કાનજીભાઇ જારીયા સહિતના પોલીસ સ્ટેશને હાજર હતાં ત્યારે પાક્કી બાતમી મળી હતી કે શ્રીરામ પાર્ક-૧માં સંજય સોમપુરા કોઇપણ જાતની ડિગ્રી વગર કલીનીક ચલાવી લોકોની જિંદગી સાથે ચેડા કરે છે.

ત્યાં જઇ તપાસ કરતાં ડો. બી. વી. કક્કડના બોર્ડવાળા કલીનીક અંદર સંજય સોમપુરા ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવીને બેઠેલો જોવા મળ્યો હતો. તેને ટીમે પોલીસ તરીકેને ઓળખ આપી હતી અને ડીગ્રી બાબતે પુછતાં પોતાની પાસે કોઇપણ જાતની ડીગ્રી નહિ હોવાનું અને માત્ર ૧૦ ચોપડી ભણ્યો હોવાનું કહ્યું હતું. તેની સામે આઇપીસી ૪૧૯ તથા મેડિકલ પ્રેકટીશનર એકટની કલમ ૩૦ મુજબ ડીગ્રી કે મેડિકલ સર્ટીફિેકટ વગર ડોકટરનું રૂપ ધારણ કરી બિમાર લોકોને તપાસી એલોપેથીક દવા અને ઇન્જેકશન આપી આરોગ્ય સાથે ચેડા કરવાનો ગુનો નોંધ્યો હતો અને ધરપકડ કરી હતી. દવાખાનામાંથી દવાઓ, ઇન્જેકશનનો જથ્થો રોકડ મળી કુલ રૂ. ૨૩૬૦૧નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. અગાઉ બબ્બે વખત પકડાઇ જવા છતાં સુધરી જઇ બીજો કોઇ ધંધો કરવાને બદલે જાણે નહિ સુધરવાના સમ ખાઇ લીધા હોય અને દર્દીઓની જિંદગી સાથે ચેડા જ કરવા હોય તેમ ત્રીજીવાર દવાખાનુ ખોલી કમાણીનો હાટડો માંડી દીધો હતો.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડ, પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એમ. ડી. વાળા અને ટીમે આ કાર્યવાહી કરી હતી.

નોંધનીય છે કે કોરોનાકાળમાં પોલીસે આવા નકલી ડોકટરોને ઝડપી લેવાની કામગીરી કડક રીતે કરી છે, હજુ પણ કરે છે. પરંતુ આરોગ્ય તંત્ર આવા નકલી ડોકટરોને શોધવામાં ઉણું ઉતરે છે.

(1:02 pm IST)