Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

વેરા વળતર યોજનાના પ્રારંભે અડધા દિ'માં પ્રમાણિક કરદાતાઓએ ૭૦ લાખ ઠાલવ્યા

સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં તા. ૩૧ મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર (૧૫%) અને તા. ૧ થી ૩૦ જૂન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કતધારકને ૧૦% વળતર આપવામાં આવશે : કરદાતાઓ મહત્તમ સંખ્યામાં યોજનાનો લાભ લ્યે : પુષ્કર પટેલની અપીલ

પ્રમાણિક કરદાતાઓએ વેરો ભરવા લાઇનો લગાવી : આજથી એડવાન્સ મિલ્કત વેરો ભરનારને ૧૦ થી ૧૫ ટકા ડીસ્કાઉન્ટની યોજના શરૂ થઇ છે ત્યારે આજે પ્રથમ દિવસે જ પ્રમાણિક કરદાતાઓએ સિવિક સેન્ટરમાં વેરો ભરવા માટે લાઇન લગાવી હતી તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬ : મહાનગરપાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના આજે તા.૬ એપ્રિલ, ૨૦૨૧થી શરૂ થઇ છે ત્યારે આજે પ્રથમ દિવસે જ પ્રમાણિક કરદાતાઓએ વેરો ભરી તંત્રની તિજોરીમાં ૭૦ લાખ ઠાલવી દીધા છે.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે વિસ્તૃત માહિતી આપતા જણાવેલ હતું કે શહેરના પ્રમાણિક અને નિયમિત કરદાતાઓએ આજે વેરા વળતર યોજનાના પ્રથમ દિવસે જ પોણા કરોડ જેટલો વેરો ભરી દીધો છે. જેમાં સૌથી વધુ ૬૯૧ કરદાતાઓએ ૨૭ લાખનો વેરો ભર્યો છે ત્યારે વર્તમાન કોરોના કાળમાં ઓનલાઇન વેરો સ્વીકારવાની પધ્ધતિને તંત્રને જબરી સફળતા મળી છે.

જ્યારે સેન્ટ્રલ ઝોન સિવિક સેન્ટરમાં ૧૯૧ લોકોએ ૫.૪૨ લાખ, ઇસ્ટ ઝોન સિવિક સેન્ટરમાં ૧૧૫ લોકોએ ૪.૩૭ લાખ અને વેસ્ટ ઝોન સિવિક સેન્ટરમાં ૧૦૬ લોકોએ ૪.૬૬ લાખ તેમજ કૃષ્ણનગર સિવિક સેન્ટરમાં ૪૨ લોકોએ ૧ લાખ, કોઠારીયા રોડ સિવિક સેન્ટરમાં ૪૭ લોકોએ ૧.૬૭ લાખ તથા અમિત માર્ગ સિવિક સેન્ટરમાં ૬૪ લોકોએ ૨.૪૪ લાખ તથા ૧૮ વોર્ડ ઓફિસોમાં ૬૧૦ લોકોએ ૨૨.૪૦ લાખ એમ તમામ મળી બપોરે ૨ વાગ્યા સુધીમાં કુલ ૧૬૫૬ લોકોએ ૭૦.૧૦ લાખનો વેરો ભર્યો હતો.

વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ૨૦૨૧-૨૨ના વર્ષમાં તા.૩૧ મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે.

આથી મહત્તમ સંખ્યામાં કરદાતાઓ એડવાન્સ મિલ્કત વેરો ભરપાઈ કરી વળતરનો લાભ પ્રાપ્ત કરે તેવી જાહેર અપીલ છે. કરદાતાઓ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ ૧૮ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે અને ઓનલાઈન મિલ્કત વેરો ભરપાઈ કરી શકાશે.

(3:13 pm IST)