Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

પુત્ર પાસેથી પિતા મિલ્કત ખાલી કરાવે નહિ તેવો મનાઇ હુકમ ફરમાવતી અદાલત

રાજકોટ તા. ૬: રાજકોટની ખ્યાતનામ રામા મોટર ગેરેજના માલીક ચુનીભાઇ દેવજીભાઇ ચુડાસમા સામે તેમના પુત્ર ભરતભાઇ ચુનીભાઇ ચુડાસમાએ પોતાના કબજાની મિલ્કત ખાલી કરાવવામાં આવે નહીં કે કોઇને વેંચાણ કરવામાં ન આવે તેવી દાદ માંગતો દાવો રાજકોટના પ્રિન્સીપાલ સિનિયર સીવીલ જજશ્રીની કોર્ટમાં દાખલ કરી દરમ્યાન મનાઇ હુકમની માંગણી કરેલ હતી. આ અંગે ન્યાયમૂર્તિશ્રી સંદિપ મનહરકુમાર ક્રિસ્ટીએ એક તરફી મનાઇ હુકમ પુત્રની તરફેણમાં પિતાની સામે ફરમાવેલ છે.

આ વિવાદની વિસ્તૃત માહિતી મુજબ પુત્ર વાદી શ્રી ભરતભાઇ ચુનીભાઇ ચુડાસમા આશરે ૧૭ વર્ષથી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં આવેલ રહેણાંકના મકાનમાં કુટુંબ સાથે રહે છે. અને મિલ્કતના દરેક પ્રકારના ટેકસ અને વિજળી બીલ તેઓ ચુકવી રહ્યા છે. પ્રતિવાદી પિતાશ્રી ચુનીભાઇ દેવજીભાઇ ચુડાસમા યેન-કેન પ્રકારે હેરાન-પરેશાન કરી, ખોટા કેસો કરી, પોલીસ તંત્ર અને વહિવટી તંત્રનો ગેર-ઉપયોગ કરી પુત્ર પાસેથી કબજાની મિલ્કત ખાલી કરાવવા માંગતા હતા.

પ્રતિવાદી પિતાશ્રી ચુનીભાઇ દેવજીભાઇ ચુડાસમાએ નાયબ કલેકટર અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, રાજકોટ શહેર પ્રાંત અધિકારી સમક્ષ ભરણપોષણ મળવા માંગણી કરેલ હતી. તેમજ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, રાજકોટને પણ અરજ અહેવાલો કરેલ હતા. આમ અનેક પ્રકારના દાવા અને ફરીયાદો કરી પ્રતિવાદી પિતા અવાર-નવાર વાદી પુત્રને હેરાન-પરેશાન કરતા હતા. આવા સંજોગોમાં નાછુટકે વાદી પુત્રએ રાજકોટની સીવીલ અદાલતમાં પિતા સામે મનાઇ હુકમનો દાવો દાખલ કરેલ છે. નામદાર અદાલતે વાદીના પુરાવા અને સંજોગોને ધ્યાનમાં લઇ પ્રતિવાદી પિતા સામે મનાઇ હુકમ ફરમાવેલ છે.

આ કામમાં વાદી પુત્ર ભરતભાઇ ચુનીભાઇ ચુડાસમા પક્ષે ધારાશાસ્ત્રીઓ શ્રી રામજીભાઇ માવાણી (માજી સંસદ સદસ્ય), શ્રીમતિ રમાબેન માવાણી (માજી સંસદ સદસ્યા), શ્રી કિરીટકુમાર માવદીયા, મનોજભાઇ કોટડીયા, પંકજભાઇ કોયાણી વિગેરે મનાઇ હુકમ મળવા દલીલો કરેલ હતી.

(3:17 pm IST)